સુપ્રીમ અને બૉમ્બે હાઈ કોર્ટનો મહારાષ્ટ્ર સરકારને તમાચો​: ફડણવીસ

28 November, 2020 07:49 AM IST  |  Mumbai | Agency

સુપ્રીમ અને બૉમ્બે હાઈ કોર્ટનો મહારાષ્ટ્ર સરકારને તમાચો​: ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

બીજેપીના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં તાજેતરમાં આકાર પામેલી ગતિવિધિઓ મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટ તથા બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ એ મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (એમવીએ) સરકારને ‘સણસણતો તમાચો’ છે.

જોકે ફડણવીસે તેઓ કયા ચુકાદા વિશે વાત કરી રહ્યા છે તેની સ્પષ્ટતા કરી નહોતી, પણ તેઓ પત્રકાર અર્નબ ગોસ્વામીના વચગાળાના જામીન લંબાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય અને મુંબઈ મહાનગરપાલિકાએ અભિનેત્રી કંગના રનોતના મુંબઈ સ્થિત બંગલાના એક ભાગની તોડફોડ કરી તે પગલું ગેરકાનૂની અને દુર્ભાવનાપૂર્ણ હતું તે મુજબના બૉમ્બે હાઈ કોર્ટના અવલોકનનો સંદર્ભ ટાંકી રહ્યા હતા.

ફડણવીસે મરાઠીમાં શ્રેણીબદ્ધ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ‘દેશની બે અદાલતો દ્વારા એક જ દિવસે આપવામાં આવેલા ચુકાદાઓ એક રીતે છેલ્લા એક વર્ષમાં સરકારના પર્ફોર્મન્સનો સરવાળો છે, પણ શું હવે તેઓ સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટને મહારાષ્ટ્ર-દ્રોહી ગણાવશે?’

‘રાજ્ય સરકાર ભૂલી ગઈ હતી કે આપણા દેશમાં લોકશાહી પ્રવર્તે છે. જો અદાલતોએ આ સરકારને યાદ દેવડાવવું પડે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ લોકોની સુરક્ષા માટે છે નહીં કે તેમને પજવવા માટે, તો તેના પરથી એવો સવાલ ઊભો થાય છે કે શું તેઓ તેમણે જે શપથ લીધા હતા તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે કે કેમ,’ તેમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને અન્ય ટ્વીટમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે એક તરફ સુપ્રીમ કોર્ટે આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં પત્રકાર અર્નબ ગોસ્વામી તથા અન્ય બે વ્યક્તિઓના જામીન લંબાવ્યા હતા, તો બીજી તરફ બૉમ્બે હાઈ કોર્ટે કંગના રનોતના બંગલાના એક ભાગમાં તોડફોડ કરવાના બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના પગલાંને વખોડીને તેને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યું હતું.

devendra fadnavis bharatiya janata party shiv sena nationalist congress party congress kangana ranaut bombay high court supreme court mumbai mumbai news