લૉકડાઉન કરો તો અમને આપો વળતર

14 April, 2021 09:46 AM IST  |  Mumbai | Rohit Parikh

આ ડિમાન્ડ છે દેશના સાત કરોડ નાના-મોટા વેપારીઓના સંગઠનની. તેમણે ફાઇનૅન્સ મિનિસ્ટર સીતારમણ સહિત તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનને પત્ર લખીને કરી માગણી

ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ

કોરાનાની વિપરીત સ્થિતિમાં જે કોઈ રાજ્ય લૉકડાઉન જાહેર કરે, જેને કારણે વેપારીઓએ તેમની દુકાનો જો બંધ કરવી પડે, તો એ રાજ્યની સરકારે વેપારીઓ અને દુકાનદારોને તેમને થયેલા નુકસાનનું વળતર ચૂકવવું જોઈએ એવી માગણી દેશના ૭ કરોડ

નાના-મોટા દુકાનદારોનાં સંગઠનોથી બનેલા કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) તરફથી કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને બધાં જ રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને કરવામાં આવી છે. એમાં તેમણે વેપારીઓ પાસેથી જીએસટી અને અન્ય કરો પર લગાડવામાં આવતી લેટ ફી, વ્યાજ, પેનલ્ટી તથા રિટર્ન્સ ભરવામાંથી વેપારીઓને રાહત આપવાની માગણી કરી છે.

પહેલા લૉકડાઉનમાં વેપારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર તેમની દુકાનો બંધ રાખી હતી. એટલું જ નહીં, કોરોનાના ભીષણ કાળમાં પણ તેમની અને તેમના કર્મચારીઓના જાનની પરવા કર્યા વગર જીવનજરૂરિયાતની વસ્તુઓની સપ્લાય કોઈ પણ જાતની બાધા વગર ચાલુ રાખી હતી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે વિવિધ વર્ગો માટે આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી, પરંતુ વેપારીઓને તસુભરનો પણ ફાયદો આપ્યો નથી. એને પરિણામે આજ સુધી વેપારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

સરકાર સમક્ષ વળતર કેવી રીતે આપવું એ સંબંધી ફૉર્મ્યુલા પણ રજૂ કરવામાં આવી છે એમ જણાવતાં મહારાષ્ટ્રના કૈટના જનરલ સેક્રેટરી મહેશ બખઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સરકારને કહ્યું છે કે સરકારે દુકાનદારોને તેમના ટર્નઓવર અનુસાર વળતર આપવું જોઈએ. દેશમાં એક વર્ષમાં અંદાજે ૮૦ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. એ પ્રમાણે દર મહિને વેપારીઓ અંદાજે સાડાછ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. એકલા મહારાષ્ટ્રમાં એક મહિનામાં અંદાજે એક લાખ કરોડ રૂપિયાનો કારોબાર થાય છે. એની સામે દિલ્હીમાં દર મહિને ૨૦ હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થાય છે.’

મહેશ બખઈએ વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘અત્યારે દેશના વેપારીઓ કોઈ પણ આર્થિક બોજો ઉપાડી શકવાની સ્થિતિમાં નથી. આથી જો સરકાર લૉકડાઉન દરમિયાન દુકાનો અને ઑફિસોને બંધ કરાવે છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારે નાણાકીય વળતર આપવાની પણ જાહેરાત કરવી જોઈએ.’

અમે સમજી શકીએ છીએ કે કોરાના મહામારી બેહદ તેજીથી વધી રહી છે અને એને રોકવા સરકાર પ્રશંસનીય પગલાં ભરી રહી છે એમ જણાવતાં મહેશ બખઈએ વધુમાં કહ્યું હતું કે ‘આમ છતાં લૉકડાઉન એ આ સમસ્યાનું નિરાકરણ નથી. એને બદલે દેશમાં ઝડપથી વૅક્સિનનો ડોઝ લોકોને આપવો જોઈએ. કોવિડના નિયમોનું કડક પાલન કરવામાં આવે એ અતિ મહત્ત્વનું છે. આ જવાબદારી ફક્ત સરકારની જ નથી. એમાં આમજનતાએ પણ સહયોગ કરવો જોઈએ. એથી અમે વેપારીઓએ પણ સરકારને સમર્થન અને સહયોગ આપવાની ઘોષણા કરી છે.’

દેશભરમાં વ્યાપારમાં કેટલું નુકસાન થયું?

દેશનાં વિવિધ રાજ્યોમાં રાતનો કરફ્યુ અને આંશિક લૉકડાઉનને કારણે છેલ્લા દસ દિવસમાં વેપારીઓને તેમના વ્યાપારમાં ૪૬ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એમાં રીટેલ વેપારીઓને લગભગ ૩૨ હજાર કરોડ રૂપિયાનું અને હોલસેલ વેપારીઓને ૧૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ માહિતી આપતાં કૈટના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરાનાના ભયથી ૬૦ ટકા ઘરાકોએ બજારોમાં આવવાનું બંધ કરી દીધું છે. એકલા મહારાષ્ટ્રમાં વેપારીઓને વ્યાપારમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.’

coronavirus covid19 lockdown mumai mumbai news rohit parikh