અમે અમારી જિંદગી આપી રહ્યા છીએ, પોલીસે કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ

17 May, 2020 09:57 AM IST  |  Mumbai | Mumbai Correspondent

અમે અમારી જિંદગી આપી રહ્યા છીએ, પોલીસે કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ

જીવ ગુમાવનાર ઑફિસરને શાહુનગર પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે શ્રદ્ધાંજલિ આપવા પોલીસો એકઠા થયા હતા.

કોરોના સામેની લડતમાં ફ્રન્ટલાઇન પર ડ્યુટી કરી રહેલા મુંબઈ પોલીસના વધુ બે કર્મચારીએ ગઈ કાલે જીવ ગુમાવ્યા હતા. આ સાથે આ જીવલેણ વાઇરસે અત્યાર સુધી મુંબઈના ૮ અને રાજ્યભરમાં ૧૨ પોલીસનો ભોગ લીધો છે. શાહૂનગર પોલીસ-સ્ટેશનના ૩૨ વર્ષના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટરે તાજેતરમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી, ‘કેટલાક લોકો ૫૦૦ કરોડ રૂપિયા આપી રહ્યા છે, કોઈ ૧૦ કરોડ આપી રહ્યા છે, અમે અમારી જિંદગી આપી રહ્યા છીએ.’

કોરોના વાઇરસે ગઈ કાલે શાહૂનગરની સાથે નાગપાડામાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે સંકળાયેલા ૫૭ વર્ષના એક પોલીસ-કર્મચારીનો પણ ભોગ લીધો છે.

મળેલી માહિતી મુજબ શાહૂનગર પોલીસ-સ્ટેશન સાથે સંકળાયેલા ૩૨ વર્ષના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટરને કેટલાક દિવસથી તાવ આવતો હોવાથી રજા પર હતા. તાવ ઊતરતો ન હોવાથી તેમણે સાયન હૉસ્પિટલમાં કોરોનાની ટેસ્ટ કરાવી હતી. જોકે ટેસ્ટ-રિપોર્ટ આવે એ પહેલાં આજે વહેલી સવારે તેઓ ઘરના બાથરૂમમાં પડીને બેહોશ થઈ ગયા હતા.

મૃતકે કરેલી ફેસબુક પોસ્ટ

પરિવારજનો પાડોશીઓની મદદથી ઑફિસરને બેભાન હાલતમાં સાયન હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરોએ તેમને ઍડ્‌મિટ કરતાં પહેલાં જ મૃત જાહેર કર્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે તાવ આવ્યા પહેલાં આ ઑફિસરને કોરોનાનાં કોઈ લક્ષણ નહોતાં દેખાયાં. સવારે મૃત્યુ પામ્યા બાદ બપોરે તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેમના પરિવારજનોને ક્વૉરન્ટીન સેલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાની લડતમાં મેડિકલ ફેકલ્ટીની સાથે પોલીસ પણ ખભેખભા મિલાવીને ફ્રન્ટલાઇન પર કામ કરી રહ્યા હોવાથી કમનસીબ મૃતક ઑફિસરે તાજેતરમાં જ પોલીસ માથા પર કફન બાંધીને ફરજ બજાવી રહી હોવાની પોસ્ટ ફેસબુક પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે ‘કોઈક ૫૦૦ કરોડ, કોઈક ૧૦ કરોડ આપીને, તો અમે જીવ આપીને કામ કરી રહ્યા છીએ.’

ડેપ્યુટી પોલીસ કમિશનર નિયતિ ઠાકરના જણાવ્યા મુજબ શાહૂનગરના ઑફિસર પ્રતીક્ષાનગરમાં પરિવાર સાથે રહેતા હતા. તેમની તબિયત સારી ન રહેતી હોવાથી રજા પર મોકલી દેવાયા હતા. વહેલી સવારે બાથરૂમમાં બેભાન થઈ ગયા બાદ તેમનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે નાગપાડામાં રહેતા મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે સંકળાયેલા ૫૭ વર્ષના એક અસિસ્ટન્ટ પોલીસ-ઈન્સ્પેક્ટરનું પણ ગુરુવારે કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.

રાજ્યમાં ૧૧૪૦ પોલીસને કોરોના

એક દિવસમાં ૭૯ પોલીસ સાથે રાજ્યમાં ગઈ કાલ સુધી ૧૨૦ પોલીસ અધિકારી અને ૧૦૨૦ પોલીસ-કર્મચારી મળીને અત્યાર સુધી રાજ્યમાં કુલ ૧૧૪૦ પોલીસને કોરોનાનું સંક્રમણ થયું છે, જ્યારે ૧૨ પોલીસનાં મૃત્યુ થયાં છે.

mumbai police mumbai news maharashtra mumbai coronavirus