કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં ઘાટકોપરનાં 460 ઘરની થઈ તપાસ

14 March, 2020 08:19 AM IST  |  Mumbai | Prajakta Kasale

કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં ઘાટકોપરનાં 460 ઘરની થઈ તપાસ

ઘાટકોપરમાં રહેતા ૬૪ વર્ષના એક દરદીને હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરાયા પછી એની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાની ટીમે પાલિકાના ‘એમ’ વૉર્ડના વિસ્તારનાં ૪૬૦ ઘરોમાં જઈને કોરોનાના ચેપ સંબંધી તપાસ કરી હતી. એ ટીમે દરદીના પરિવારના નિકટના સંપર્કમાં આવેલા ૬ જણને હૉસ્પિટલમાં દાખલ થઈને લોહી તથા ગળફાનાં સૅમ્પલ ટેસ્ટ કરાવવાની સૂચના આપી હતી. ચાર ડૉક્ટરો, પાંચ સુપરવાઇઝર્સ અને પચીસ હેલ્થ વર્કર્સની ટીમે ‘એમ-વેસ્ટ વૉર્ડ’નાં ૪૬૦ ઘરોમાં તપાસ કરી હતી. ઉક્ત દરદી જે બિલ્ડિંગમાં રહે છે એ બિલ્ડિંગની લિફ્ટ, સેન્ટ્રલ લૉબી, પૅસેજ તથા દાદરને પાલિકાના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગના કર્મચારીઓએ સૅનિટાઇઝ કર્યાં છે.

કોઈ નવા પૉઝિટિવ કેસ નોંધાયા નથી

ગઈ કાલના આખા દિવસ દરમ્યાન મુંબઈમાં કોરોના વાઇરસના એક પણ પૉઝિટિવ દરદી નોંધાયા ન હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર લેતા તમામ ૨૮ જણના ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. તાજેતરમાં ફ્રાન્સ જઈ આવેલા થાણેના રહેવાસી દરદીની તબિયત હવે સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા વૃદ્ધ કોરોનાની ઝપટમાં

ઈરાનથી લાવવામાં આવેલા ૪૪ ભારતીયો ગઈ કાલે મુંબઈ પહોંચ્યા હતા. તેમને નૌકાદળના ક્વૉરન્ટીન કૅમ્પમાં મોકલવામાં આવ્યા હતા. જોકે એમાંથી કોઈ વ્યક્તિમાં કોરોનાના ચેપનાં લક્ષણો જણાયાં નથી. જો એમાંથી કોઈ પણ એ લક્ષણ ધરાવતો જણાશે તો તેને કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવાની તૈયારી હોવાનું પાલિકાનાં નાયબ આરોગ્ય અધિકારી દક્ષા શાહે જણાવ્યું હતું.

mumbai mumbai news hinduja hospital prajakta kasale navi mumbai