ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા વૃદ્ધ કોરોનાની ઝપટમાં

Published: Mar 14, 2020, 08:19 IST | Mumbai

આ ભાઈ તાજેતરમાં દુબઈથી પાછા ફર્યા હતા : તેમના સંસર્ગમાં આવનાર ૧૪ જણ નિરીક્ષણ હેઠળ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દુબઈનો પ્રવાસ કરીને પાછા ફરેલા ૪૦ જણના ગ્રુપમાંથી પુણેનું દંપતી કોરોનાની ચપેટમાં આવ્યા બાદ મુંબઈના ૬ જણને કસ્તુરબામાં દાખલ કરવામાં આવ્યા હોવાના બે દિવસ બાદ દુબઈથી પાછા ફરેલા અને ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા ગુજરાતી વૃદ્ધને કોરોનાનો સંસર્ગ થયો હોવાનું બહાર આવતાં વૃદ્ધ અને તેમના પરિવાર સહિત ૧૪ જણને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આમાંના હાઈ-રિસ્કવાળા ૬ જણને હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, જ્યારે બાકીનાને તેમના ઘરે ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી નીલકંઠ વિહાર સોસાયટીના બિલ્ડિંગમાં રહેતા ૬૪ વર્ષના એક વૃદ્ધને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પ્રવાસ કરીને પાંચમી માર્ચે મુંબઈ આવ્યા હતા. ગુરુવારે રાતે અચાનક તેમની તબિતય નાદુરસ્ત થતાં તેમને હિન્દુજા હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની અસર થઈ હોવાનું તપાસમાં બહાર આવતાં તેમને કસ્તુરબા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે.

આ સંદર્ભે ઘાટકોપર ‘એન’ વૉર્ડના સ્વાસ્થ્ય વિભાગના ભૂપેન્દ્ર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઘાટકોપર-ઈસ્ટની નીલકંઠ વિહાર સોસાયટીમાં એક વૃદ્ધને કોરોનાની અસર થઈ હોવાની માહિતી અમને મળતાં અમે ગઈ કાલે આખા બિલ્ડિંગના સભ્યોને તપાસ્યા હતા. જોકે આખા વિસ્તારમાં અન્ય કોઈને પણ કોરોના થયો હોવાનું જાણવા મળ્યું નહોતું. માત્ર સંદીપભાઈને કોરોનાની અસર થઈ હતી. સાવચેતીના પગલારૂપે સંદીપભાઈ સાથે સંપર્કમાં હતા એ તમામ એટલે કે તેમના પરિવારના પાંચ સભ્યો, બિલ્ડિંગનો એક સભ્ય, ત્રણ વૉચમૅન અને એક નોકરાણીને પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK