રાજભવન કાવતરાંનો અડ્ડો બનવું ન જોઈએઃ સંજય રાઉત

20 April, 2020 08:11 AM IST  |  Mumbai | Agencies

રાજભવન કાવતરાંનો અડ્ડો બનવું ન જોઈએઃ સંજય રાઉત

સંજય રાઉત

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાજ્યપાલના ક્વોટામાંથી વિધાન પરિષદના સભ્યપદે નિયુક્ત કરવામાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના વિલંબને પગલે ગઈ કાલે વિવાદ ભભૂકી ઊઠ્યો હતો. ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેની વિધાન પરિષદમાં નિયુક્તિ બાબતે કાનૂની અભિપ્રાય માગતાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર રોષ વ્યક્ત કર્યો હતો. સંજય રાઉતે ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘રાજ્યપાલનું નિવાસસ્થાન રાજભવન કાવતરાખોરીનો અડ્ડો બનવું ન જોઈએ. ગેરબંધારણીય વર્તન કરનારને ઇતિહાસ માફ નહીં કરે.’

કોઈ પણ વ્યક્તિની રાજ્યના મુખ્ય પ્રધાનપદે વરણી કરવામાં આવ્યાના છ મહિનામાં એ વ્યક્તિએ ચૂંટણી કે નિયુક્તિ દ્વારા વિધાનમંડળનાં બે ગૃહો (વિધાનસભા અને વિધાન પરિષદ)ના સભ્ય બનવું જરૂરી હોય છે. ઉદ્ધવ ઠાકરેએ ૨૮ નવેમ્બરે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હોવાથી તેમણે ૨૮ મે સુધીમાં બન્નેમાંથી એક ગૃહમાં ચૂંટાવું જરૂરી બન્યું છે. એપ્રિલથી જુલાઈ મહિના સુધીમાં વિધાન પરિષદની બાવીસ બેઠકો ખાલી પડશે. એમાંથી આઠ બેઠકો વિધાનસભ્યોના ક્વોટાની છે. વિધાન પરિષદમાંથી નિવૃત્ત થનારા સભ્યોમાં રાજ્યપાલે નિયુક્ત કરેલા ૧૦ સભ્યોનો પણ સમાવેશ છે. એપ્રિલ મહિનામાં યોજાનારી વિધાન પરિષદની આઠ બેઠકોની ચૂંટણી કોરોના લૉકડાઉનને કારણે વિલંબમાં મુકાવાની શક્યતા જોતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પ્રધાનમંડળની બેઠક યોજીને ઉદ્ધવ ઠાકરેને રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદમાં નિયુક્ત કરવાની ભલામણનો ઠરાવ પસાર કર્યો હતો. પરંતુ એ ભલામણને મંજૂરી આપવામાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વિલંબ કરતાં શિવસેનાના નેતા સંજય રાઉતે રોષ વ્યક્ત કર્યો હતો.

સંજય રાઉતે ટ્વિટર પર લખેલી પોસ્ટમાં ભૂતકાળમાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ રામ લાલની બરતરફીનો પ્રસંગ વર્ણવ્યો હતો. સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘૧૯૮૩-૮૪ના ગાળામાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ટી. રામરાવ સર્જરી માટે અમેરિકા ગયા ત્યારે તેમના રાજ્યપાલ રામલાલે બેશરમ બનીને રાજ્યના નાણાપ્રધાન એન. ભાસ્કર રાવને મુખ્ય પ્રધાનપદે બેસાડ્યા હતા. આંધ્રપ્રદેશના ૨૦ ટકા ધારાસભ્યો પણ ભાસ્કર રાવને સમર્થન આપતા ન હોવા છતાં એ ફેરફાર એ વખતના કૉન્ગ્રેસના નેતૃત્વને ઇશારે કરવામાં આવ્યો હતો. એન. ટી. રામરાવે અમેરિકાથી પાછા આવ્યા પછી રામલાલ વિરુદ્ધ જોરદાર ઝુંબેશ શરૂ કરી ત્યારે રાષ્ટ્રપતિ ઝૈલ સિંહને તેમને રાજ્યપાલપદ પરથી બરતરફ કરીને એન. ટી. રામરાવને ફરી મુખ્ય પ્રધાન બનાવવાની ફરજ પડી હતી.’

coronavirus sanjay raut uddhav thackeray shiv sena maharashtra mumbai news