લેડીઝ માગે લોકલ

07 June, 2021 09:21 AM IST  |  Mumbai | Rohit Parikh

સરકારે પરવાનગી આપી હોવા છતાં સુધરાઈએ મહિલાઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવાની ના પાડી દેતાં રોજેરોજ કામે જતી મહિલાઓ થઈ ગઈ છે નારાજ

લોકલ ટ્રેનમાં સફર કરતા મહિલા પ્રવાસીઓ

મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે મોડી રાતના બ્રેક ધ ચેઇન અંતર્ગત એક નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં લેવલ-૩માં આવતા જિલ્લાઓમાં લોકલ ટ્રેનોમાં મેડિકલ તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોની સાથે મહિલાઓને પણ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપી હતી. મુંબઈ ત્રીજા લેવલમાં આવતું હોવાથી મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેમને હતું કે હવે ફરી એક વાર તેમને લોકલમાં સવારી કરવા મળશે. જોકે શનિવારે સાંજના મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કરેલી માર્ગદર્શિકામાં લોકલ ટ્રેનોમાં ફકત મેડિકલ અને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ આપી હતી. રાજ્ય સરકારના આદેશમાં આપવામાં આવેલી મહિલાઓની મુસાફરીની છૂટને મહાનગરપાલિકાએ રદ કરી નાખી હતી.  

મહાનગરપાલિકાના આદેશના થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે પણ એના આદેશમાં મહિલાઓને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટેના આદેશમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આ બાબતનો આખરી નિર્ણય જે-તે મહાનગરપાલિકાના અધિકારીઓનો રહેશે. તેઓ તેમના વિસ્તારોની પરિસ્થિતિનું અવલોકન કરીને લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની કોને છૂટ આપવી એ બાબતનો નિર્ણય લેશે.’ 

મહાનગરપાલિકાના આ નિર્ણયના સંદર્ભમાં કાંદિવલી (વેસ્ટ)ની મીનળ ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રેનોમાં મુસાફરી કરવા પર જ્યારથી સરકારે નિયંત્રણો મૂક્યાં છે ત્યારથી હું અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છું. મારે જૉબ પર રોજ સાંતાક્રુઝ જવાનું હોય છે. આવતાં-જતાં બન્ને સમય કલાકો સુધી બસ-સ્ટૉપ પર ઊભા રહીને પણ બસ મળતી નથી. જે આવે છે એ એટલી ભરચક હોય છે કે સંક્રમિત થવાનો ભય લાગે છે. આખરે નાછૂટકે બસને બદલે રિક્ષા પકડીને ઑફિસે પહોંચવું પડે છે. એને કારણે આવક-જાવકનો મેળ ખાતો નથી. એક બાજુ અત્યારના લૉકડાઉનના સમયમાં અમને ફક્ત ૬૦થી ૭૦ ટકા પગાર જ મળે છે. એમાં જો અમારા ટ્રાન્સપોર્ટના ખર્ચા વધી જાય તો આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે. બીએમસીએ કામ કરતી મહિલાઓ માટે તો ટ્રેન શરૂ કરવી જોઈતી હતી.’

આપણી સરકાર લૉકડાઉનના સમયથી બહુ મોટી સંતાકૂકડી રમે છે અને રમાડે છે એમ જણાવતાં રોજ દિવાથી ઘાટકોપર નોકરી પર જતી વૈશાલી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારની નીતિ એક પણ વસ્તુમાં એકસરખી નથી. પછી ટ્રેનમાં મુસાફરી કરવાની વાત હોય કે વૅક્સિનેશન સંબંધી વાત હોય. બધા જ પોતાનો કક્કો ખરો કરવા ઊતરી પડ્યા છે. સવારના ભાગમાં સમાચાર મળે કે સોમવારથી મહિલાઓને મુસાફરી કરવાની પરવાનગી મળી ગઈ છે અને સાંજના ખબર પડે કે આ પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી છે. સરકારે મહિલાઓને એટલે છૂટ આપી હતી કે તેમને ખ્યાલ છે કે પુરુષો કરતાં મુસાફરી કરવામાં મહિલાઓની સંખ્યા ઓછી છે જેનાથી ટ્રેનમાં ગિરદી થવાની સંભાવના ઘટી જાય છે. મહિલાઓને ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ મળે તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો બોજો ઓછો થઈ જાય અને લૉકડાઉન હળવું થયાની પ્રતી‌તિ થાય. લોકલ ટ્રેન મુંબઈનું હાર્દ છે. એ જ્યાં સુધી લોકો માટે શરૂ નહીં થાય ત્યાં સુધી મુંબઈ અનલૉક થયાનો અહેસાસ થશે નહીં. ઘણા લોકોએ નોકરી ગુમાવી છે તો ઘણાના ધંધા ઠપ થઈ ગયા છે. એટલે જ અનેક લોકો ટ્રેનમાં મુસાફરી કરવા માટે ફેક પાસ બનાવીને પણ મુસાફરી કરવા મજબૂર બની જાય છે. ટ્રેનોને રેગ્યુલર દોડાવો. જનતા હવે બેકારીથી કંટાળી ગઈ છે. સરકાર આ વાત સમજે તો સારું.’ 

ઉલ્લહાસનગરથી ઘાટકોપરની એક કન્સ્ટ્રક્શન કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે જૉબ કરવા રોજ અપડાઉન કરતી જાગૃતિ વિકમશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સવારે જાગી તો મમ્મી મને કહે કે સોમવારથી મહિલાઓને ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ મળી છે. એ સાંભળીને હું આનંદિત થઈ ગઈ હતી. મને થયું કે સરકારે ફક્ત વર્કિંગ વિમેન્સ માટે જ છૂટ આપવાની જરૂર હતી. બધી જ મહિલાઓ મુસાફરી શરૂ કરશે તો એનાથી સંક્રમણનો ભય વધશે. જોકે મારો આનંદ ક્ષણભંગુર નીવડ્યો હતો. મહાનગરપાલિકાએ મહિલાઓને આપવામાં આવેલી છૂટ રદ કરી નાખી. આજે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સહેજ પણ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવતું નથી. બસો ચિક્કાર ભરેલી હોય છે. લાંબા અંતરથી અવરજવર કરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. આજથી ઑફિસો પચાસ ટકાની ક્ષમતા સાથે શરૂ થશે, પણ અમે ઑફિસમાં પહોંચીશું કેવી રીતે એનો સરકાર તરફથી કોઈ પ્રબંધ જ નથી. મહાનગરપાલિકાએ મુલુંડ અને બોરીવલીની બહારથી આવતી મહિલાઓ માટે ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવાની જરૂર હતી. પહેલા લૉકડાઉન પછી ૨૦ ઑક્ટોબરથી ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ મળી ત્યારે બહુ મોટી રાહત મળી હતી, પણ આજે અમે ફરી પાછા એ જ પરિસ્થિતિમાં આવી ગયા છે. ટ્રેનો રેગ્યુલર કરીને સરકાર ટ્રેનોની ગિરદીને નિયંત્રણમાં લાવી શકે છે.’ 

મહાનગરપાલિકાએ સેકન્ડ વેવની ગંભીરતા જોઈને કદાચ હજી પણ મહિલાઓને ટ્રેનોની મુસાફરીથી દૂર રાખવાનો નિર્ણય લીધો હશે એમ જણાવતાં અંધેરીની એક સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરતી ડોમ્બિવલીની દિવ્યા પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેકન્ડ વેવ બહુ ગંભીર હોવાથી એવા સમયે રાજ્ય સરકારે ભલે મહાનગરપાલિકા પર છોડી દીધું, પણ મહાનગરપાલિકાને હજી પરિસ્થિતિ અનુકૂળ લાગી ન હોવાથી મહિલાઓને લોકલ ટ્રેનમાં મુસાફરી કરીવાની છૂટ આપી નથી. એને આવકાર આપવો જોઈએ. લોકલની ગિરદીમાં સંક્રમણ વધવાની પૂરી શકયતાઓ છે.’ 

mumbai mumbai news mumbai trains mumbai local train coronavirus indian railways covid19 rohit parikh