કોરોના પણ દૂર ભાગે છે આ જીવદયાપ્રેમીથી

13 May, 2021 08:55 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

આજે જ્યારે પરિવારજનો લોકોને ઘરમાંથી બહાર નીકળવાની ના પાડે છે ત્યારે લાલબાગના આ ગુજરાતી છેલ્લા એક વર્ષથી અવિરત માનવતાનું કામ કરી રહ્યા છે જેમાં પરિવારની સાથે વેપારી મિત્રોનો પણ મળી રહ્યો છે સપોર્ટ

ફૂટપાથ પર રહેતા લોકોના વાળ કાપવાથી માંડીને રામરોટી અને જીવદયાની સામગ્રી સાથે નીતિન દાવડા.

કોરોનાની મહામારીમાં જ્યારે આજે સગાંઓ પણ સંક્રમણના ભયથી દરદીથી દૂર થઈ ગયાં છે ત્યારે લાલબાગ વિસ્તારમાં ગાર્મેન્ટ્સના એક દલાલ છેલ્લા ૧૩ મહિનાથી માનવતાની સાથે પશુ-પક્ષીની અવિરત સેવા કરી રહ્યા છે. ગયા વર્ષથી લૉકડાઉનમાં બધા લોકો બારી-બારણાં બંધ કરીને ઘરમાં ભરાઈ ગયા છે એવી સ્થિતિમાં કબૂતર, કૂતરા, ગાય સહિત રસ્તામાં લાવારિસ પડેલા લોકોની પેટની આંતરડી ઠારવાની સાથે તેમને જરૂરી તમામ પ્રકારની મદદ કોરોનાનો જરાય ડર રાખ્યા વિના ૫૦ વર્ષના ‘જલારામ’ના નામે માટુંગાથી ભાયખલા અને આસપાસના વિસ્તારોમાં ઓળખાતા સેવક સવારે ૮થી રાત્રે ૧૧ વાગ્યા સુધી અવિરત માનવસેવામાં જ લાગ્યા રહે છે. 

કચ્છી લોહાણા જ્ઞાતિના લાલબાગ વિસ્તારમાં પત્ની અને બે પુત્રી સાથે રહેતા નીતિન દાવડાએ ગયા વર્ષે દેશભરમાં કોરોનાને લીધે લાગુ કરાયેલા લૉકડાઉનના ત્રીજા દિવસે એટલે કે ૨૫ માર્ચ ૨૦૨૦થી ભૂખ્યા લોકોને ભોજન કરાવવાની શરૂઆત કરી હતી. તેમણે કબૂતરને ચણ, કૂતરાને રોટલી-દૂધ અને ફૂટપાથ પર રહેતા લાવારિસ લોકોને જમવાનું આપવાની શરૂઆત કરી હતી. ત્યારે તેઓ દરરોજ ૨૫૦૦ રોટલી, કેળાં અને દૂધ સવારથી રાત સુધી ફરીને વહેંચતા હતા. આ ક્રમ અત્યારે પણ ચાલુ છે. 

જીવદયા અને રામરોટીની સેવાની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે નીતિન દાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે ૨૨ માર્ચે લૉકડાઉન થયા બાદ બે દિવસ ઘરમાં એમ ને એમ બેસી રહ્યા બાદ ત્રીજા દિવસની સવારે એટલે કે ૨૫ માર્ચે વિચાર આવ્યો કે બધું જ અચાનક બંધ થઈ ગયું છે ત્યારે વાડિયા અને તાતા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દરદીઓનાં સગાંઓ શું ખાતાં હશે? અચાનક બધું બંધ થઈ જવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયાં હશે. બસ, આ વિચાર આવતાં જ મેં પત્નીને ચા બનાવવાનું કહ્યું. મોટી કીટલીમાં ચા ભરીને અને બિસ્કિટનાં ૨૫૦ પૅકેટ લઈને હું હૉસ્પિટલની બહાર પહોંચી ગયો હતો. થોડા દિવસમાં મને ખ્યાલ આવ્યો કે આ લોકોનું પેટ ચા અને બિસ્કિટથી ભરાતું નથી એટલે સવારના ગરમાગરમ પૌંઆ અને બીજી વસ્તુઓ ઘરેથી બનાવીને આપવાની શરૂઆત કરી. બાદમાં જલારામબાપાના આશીર્વાદથી કૂતરા, બિલાડી, ગાય અને કબૂતરની સેવા થવા લાગી. એ સમયે લાલબાગમાં બિરાજમાન એક જૈન મહારાજસાહેબે રોટલીની સેવા વધુ લોકો સુધી પહોંચી શકે એ માટે દરેક બિલ્ડિંગના ગેટ પર ટબ મૂકવાની પ્રેરણા આપી. આસપાસની અનેક સોસાયટીમાં મેં આવી વ્યવસ્થા કરતાં દરરોજ ૨૦૦૦થી ૨૫૦૦ જેટલી રોટલી મળી રહે છે.’

સેવાનું કામ કરનારાઓને ઈશ્વરની સાથે દાતાઓનો સહયોગ મળી જ રહે છે. નીતિનભાઈની સેવાની નિષ્ઠા જોઈને દાદરના ગાર્મેન્ટ્સવાળા અનેક લોકો દાણાથી માંડીને દૂધની સેવામાં તેમને મદદરૂપ થઈ રહ્યા છે. તેમનું સ્કૂટર ખરાબ થઈ જતાં લાલબાગના એક દુકાનદારે તેમને પોતાનું સ્કૂટર ફ્રીમાં આપી દીધું છે.

ઘરખર્ચ કેવી રીતે ચાલે છે? એ વિશે નીતિન દાવડાએ કહ્યું હતું કે ‘ગાર્મેન્ટ્સની દલાલી સિવાય બીજી આવકથી થયેલી બચતના વ્યાજમાંથી મારું ઘર ચાલે છે. ગયા વર્ષે તો લૉકડાઉનને લીધે વ્યાજ સમયસર નહોતું મળ્યું તો પણ દાતાઓની મદદથી મારું સેવાનું કામ અટક્યું નહોતું. મને લાગે છે કે જલારામબાપા જ સેવાનું કામ કરવા માટે પ્રેરણા પૂરી પાડે ે. માટુંગાથી ભાયખલા સુધીના વિસ્તારમાં લગ્ન, પાર્ટી કે બીજા ફંક્શનનું જમવાનું વધ્યું હોય તો એ ફેંકી દેવાને બદલે મને કહેશો તો હું ત્યાં જઈને કલેક્ટ કરીશ. અનાજ ગટરમાં જવાને બદલે કોઈના પેટમાં જાય તો સારું.’

 મને લાગે છે કે જલારામબાપા જ સેવાનું કામ કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. માટુંગાથી ભાયખલા સુધીના વિસ્તારમાં લગ્ન, પાર્ટી કે બીજા ફંક્શનનું જમવાનું વધ્યું હોય તો એ ફેંકી દેવાને બદલે મને કહેશો તો હું ત્યાં જઈને કલેક્ટ કરીશ. અનાજ ગટરમાં જવાને બદલે કોઈના પેટમાં જાય તો સારું. 
નીતિન દાવડા

mumbai mumbai news prakash bambhrolia coronavirus covid19 lockdown