...તો એપીએમસી માર્કેટ બુધવાર સુધી બંધ કરવી પડશે

21 March, 2020 10:33 AM IST  |  Mumbai | Mumbai Correspondent

...તો એપીએમસી માર્કેટ બુધવાર સુધી બંધ કરવી પડશે

એપીએમસી માર્કેટ

કોરોના વાઇરસ ગંભીર રીતે ફેલાઈ રહ્યો છે એને જોતાં માથાડી કામદારો સોમવારથી ત્રણ દિવસ કામ નહીં કરે. આવું થશે તો એપીએમસી માર્કેટને બુધવાર સુધી ફરજિયાત બંધ રાખવી પડે એવી હાલત છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓને બંધ નહીં કરવામાં આવે, એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે, પણ જો એપીએમસી માર્કેટ માથાડી કામદારોને લીધે બંધ કરવાનો વારો આવશે તો શું થશે. જોકે આ સંદર્ભનો આખરી નિર્ણય આજે લેવામાં આવશે, એવું માથાડી કામદારના નેતા નરેન્દ્ર પાટીલે ‘મિડ-ડેને કહ્યું હતું.

શુક્રવારે માથાડી કામદારના નેતાએ સોમવારથી બુધવાર સુધી માથાડી કામદારો કામ નહીં કરે એવું કહેતાં એપીએમસી માર્કેટના વેપારી અસોસિયેશનનો જીવ ઉચક થઈ ગયો હતો. માથાડી કામદારના નેતા નરેન્દ્ર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કોરોના વાઇરસ ખરાબ રીતે ફેલાઈ રહ્યો છે અને અમે અમારા કામદારો સાથે કોઈ જોખમ લેવા નથી માગતા. અમે તમામ વેપારી અસોસિયેશનને આની જાણ કરવા માટે જ આ મીટિંગ બોલાવી હતી. આમ પણ બહારગામથી કોઈ માલ આવશે જ નહીં તો તમે શું કરી શકશો? જોકે અમે આખરી નિર્ણય આજે બપોરે ૧૨ વાગ્યા સુધી લઈશું.

શુક્રવારે માથાડી કામદારના નેતાએ સોમવારથી બુધવાર સુધી કામદારો કામ નહીં કરે એવી માહિતી આપતાં વેપારીઓનો પણ એકસૂર એવો હતો કે માર્કેટ બંધ રાખવી પડશે. આ સંદર્ભે નવી મુંબઈ કૉમોડિટીઝ બ્રોકર્સ અસોસિએશનના ચૅરમૅન અરુણ ભીંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના વાઇરસ ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે એટલે ચાર દિવસ માર્કેટ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. રવિવારે આમ પણ નરેન્દ્ર મોદીજીએ જનતા-કરફ્યુ કરવાનું કહ્યું છે એટલે કામ કરવાનો કોઈ સવાલ જ નથી આવતો. બીજે દિવસે એટલે કે સોમવારે માથાડી કામદાર નેતા નરેન્દ્ર પાટીલના પિતા અણ્ણાભાઉ પાટીલની પુણ્યતિથિ હોવાથી રજા છે અને બુધવારે ગુઢીપાડવા છે. વચ્ચે એક મંગળવારનો દિવસ છે. એ દિવસે માર્કેટ ખુલ્લી રાખવી કે નહીં એની ચર્ચા ચાલી રહી છે. બાકી અમે તો અમારા વેપારી અને દલાલભાઈઓને ૨૨થી ૨૫ માર્ચ સુધી બંધ રાખવાની અપીલ કરી દીધી છે.

apmc market mumbai mumbai news navi mumbai coronavirus