સરકારમાં જ ત્રિકોણીય જંગ

09 January, 2021 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારમાં જ ત્રિકોણીય જંગ

ફાઈલ તસવીર

શિવસેના ઔરંગાબાદ શહેરનું નામ સંભાજીનગર કરવાની સતત માગણી કરી રહી છે, જ્યારે મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ કૉન્ગ્રેસ અને એનસીપી આ બાબતે રસ દાખવવાને બદલે રાજ્યના બીજા મહત્ત્વના પ્રશ્નો પર ધ્યાન આપવાનું કહી રહ્યા છે. સાથી પક્ષોના વિરોધ બાદ પણ શિવસેના પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સતત પોતાના ટ્વિટર હૅન્ડલ પર ઔરંગાબાદને બદલે સંભાજીનગર લખી રહ્યા છે. ગઈ કાલે સંજય રાઉતે પણ નાશિકમાં કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેએ ક્યારનુંય ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરી નાખ્યું હતું, માત્ર સરકારી કાગળિયામાં ફેરફારની પ્રક્રિયા કરવાની જ બાકી છે.

શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ભૂમિકા બાબતે પત્રકારોને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંભાજીનગર નામોલ્લેખ કરીને યોગ્ય જ કર્યું છે. સરકાર મુખ્ય પ્રધાનના નામથી ચાલે છે અને સરકાર સંભાજી મહારાજનું નામ વાપરે એ શું ગુનો છે? છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી રાજેનાં નામ સરકારી કાગળિયા અને ટ્વિટર પર વાપરવાં એ મારા મતે કોઈ ગુનો નથી. સરકાર લોકોની ભાવાનાને આધારે ચાલતી હોય છે.’

શિવસેના ઔરંગાબાદનું નામ બદલવા માટે મક્કમ છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યારે નામ બદલવા સિવાયના અનેક પ્રશ્નો છે. સરકારમાં સામેલ ત્રણેય પક્ષોએ આ બાબતે વિચાર કરવો જોઈએ. ઔરંગાબાદનું સંભાજીનગર નામ કરવું કે નહીં એ માટે પણ શિવસેનાએ સાથી પક્ષો કૉન્ગ્રેસ અને એનસીપી સાથે બેઠક યોજવી જોઈએ. અત્યારે કોરોનાનું સંકટ અને રસીકરણના કામ પર ધ્યાન આપવાની જરૂર છે.

બીજેપી સતત શિવસેના પર ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવા માટે દબાણ બનાવી રહી છે અને એ જેટલો બને એટલો આ મુદ્દાને ચગાવવાની કોશિશ પણ કરી રહી છે ત્યારે હવે એમએનએસ અને એમઆઇએમે પણ આ મુદ્દામાં ઝંપલાવ્યું છે. એમઆઇએમના વારિસ પઠાણે કહ્યું હતું કે શહેરનું નામ બદલવા સામે અમારો સખત વિરોધ છે, પણ જો સરકાર ચાહે તો ઔરંગાબાદ ઍરપોર્ટનું નામ સંભાજી મહારાજના નામે રાખી શકે છે એમાં અમને કોઈ વાંધો નથી. જ્યારે એમએનએસના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ શિવસેના પર પ્રહાર કરતાં કહ્યું હતું કે આ સરકાર લોકોની ભાવના સાથે જોડાયેલા મુદ્દાઓ પર કંઈ કામ નથી કરવાની. અમારો તેમને પડકાર છે કે તેઓ વચન મુજબ ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરીને બતાવે.

ઔરંગાબાદ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે શહેરનું નામ બદલવાનો મુદ્દો શિવસેનાએ ઉઠાવ્યો છે. જોકે સત્તામાં સહભાગી કૉન્ગ્રેસ અને એનસીપી શિવસેનાના આ મુદ્દા સાથે સંમત નથી. તેમણે નામ બદલવાની કોઈ જરૂર ન હોવાનું કહ્યું છે. આ મુદે શિવસેના મક્કમ હોવાથી મહારાષ્ટ્રની રાજનીતિ કઈ દિશામાં વળાંક લે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે.

maharashtra mumbai aurangabad shiv sena nationalist congress party congress