શિવસેના બાદ હવે કૉન્ગ્રેસને પણ આવી ગુજરાતીઓની યાદ

18 February, 2021 02:01 PM IST  |  Mumbai | Mid-day Correspondent

શિવસેના બાદ હવે કૉન્ગ્રેસને પણ આવી ગુજરાતીઓની યાદ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પહેલાં શિવસેના અને હવે કૉન્ગ્રેસે ગુજરાતીઓને પોતાના પડખે લેવા માટેના પ્રયાસ આરંભ્યા છે. કૉન્ગ્રેસે શનિવારે પક્ષના મુંબઈમાં રહેતા ગુજરાતી કાર્યકરોને ઍક્ટિવ કરવા માટે શિબિરનું આયોજન કર્યું છે. આ સિવાય પક્ષે ગયા અઠવાડિયે ગુજરાતી સેલની નવી ટીમ પણ બનાવી છે.

મુંબઈમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને મુંબઈ મહાનગરપાલિકાની ગઈ ચૂંટણીમાં ગુજરાતીઓના મતના જોરે બીજેપીએ મોટી છલાંગ લગાવીને ૮૨ બેઠકો મેળવી હતી, જે અગાઉની ચૂંટણી કરતાં ૫૧ વધુ હતી. મુંબઈમાં પોતાનો વર્ષો જૂનો ગઢ સાચવી રાખવા માટે શિવસેનાએ પણ કમર કસી છે અને બીજેપીના ગઢમાં ગાબડું પાડવા એણે ગુજરાતીઓ તરફ પોતાની મીટ માંડી છે. આ જ અભિયાન હેઠળ એણે ગુજરાતીઓને આકર્ષવા ‘જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા’ સૂત્ર સાથે ગુજરાતીઓને પક્ષમાં જોડવાની શરૂઆત કરી છે.

મુંબઈ અને મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના નેતૃત્વમાં ફેરફાર કરાયા બાદ હવે પક્ષ દ્વારા ગુજરાતીઓને આકર્ષવા માટેના પ્રયાસ હાથ ધરાયા છે. આ માટે શનિવારે આખો દિવસ વિલે પાર્લેમાં આવેલા અમૃતબાગમાં ગુજરાતી કાર્યકર્તા શિબિરનું આયોજન કરાયું છે, જેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે કરશે.

મુંબઈ કૉન્ગ્રેસ ગુજરાતી સેલના અધ્યક્ષ ભરત પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારની શિબિરનો કાર્યક્રમ પાંચ મુદ્દાનો છે. મુંબઈમાં ગુજરાતીઓનો ફાળો, કૉન્ગ્રેસના ૧૩૬ વર્ષના ઇતિહાસમાં ગુજરાતીઓનો ફાળો, ગુજરાતીઓ કયા કારણથી પક્ષથી દૂર થયા, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતીઓનો સહયોગ કેવી રીતે મેળવવો અને મુંબઈના ગુજરાતીઓની સમસ્યાને વાચા આપવી અને કૉન્ગ્રેસ સાથે સંકળાયેલા હોવા છતાં સક્રિય નથી એવા કાર્યકરોને ઍક્ટિવ કરવા. પક્ષમાં ગુજરાતીઓનો વિશ્વાસ ફરી જાગે એ માટે અમે ‘હું છું ગુજરાતી, હું છું કૉન્ગ્રેસ’ સૂત્ર બનાવ્યું છે.’

mumbai mumbai news shiv sena congress