શિવસેનાએ જૂના ખાટલા સાથે કરી કૉન્ગ્રેસની સરખામણી

17 June, 2020 11:34 AM IST  |  Mumbai | Agencies

શિવસેનાએ જૂના ખાટલા સાથે કરી કૉન્ગ્રેસની સરખામણી

સંજય રાઉત, બાળાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણ

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારના ત્રણ ઘટક પક્ષોમાંથી કૉન્ગ્રેસ નારાજ હોવાની ચર્ચાના અનુસંધાનમાં શિવસેનાએ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં કોઈ (બીજેપી)એ એવું ધારી લેવાની જરૂર નથી કે સરકાર તૂટી પડશે અને સવારના પહોરમાં રાજ ભવનના દરવાજા એમને માટે ખૂલી જશે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના ગઈ કાલના અંકના તંત્રીલેખમાં કૉન્ગ્રેસની નારાજગીના પ્રશ્ને વિવરણ કરવામાં આવ્યું હતું.

‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘જુદી જુદી વિચારધારાઓ ધરાવતા ત્રણ પક્ષોની સરકાર હોય તો સહેજ નારાજગી પણ હોય અને વાસણ ખખડે પણ ખરા, પરંતુ એનો અર્થ એવો નથી કે અમારી સરકાર તૂટી પડશે અને અન્યોનો રાતોરાત સરકાર રચવાનો રસ્તો ખુલ્લો થઈ જશે. એમને માટે રાજ ભવનના દ્વાર ફરી ખૂલવાના નથી.’

‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કૉન્ગ્રેસ આઘાડી સરકારનો ત્રીજો સ્તંભ છે. ત્રિપક્ષીય આઘાડીના માળખામાં શિવસેનાએ સૌથી વધારે ત્યાગ કર્યો છે. કૉન્ગ્રેસ ઐતિહાસિક પરંપરા ધરાવતો જૂનો પક્ષ હોવાથી એમાં અસંતોષના તણખા વધારે જોવા મળે છે. જેવી રીતે જૂનો ખાટલો વધુ ખડખડ અવાજ કરે છે, પરંતુ આ ગણગણાટ શા માટે છે? એમની વાત સાંભળવી જોઈએ, એવી એમની ફરિયાદનો શો અર્થ છે? બાળાસાહેબ થોરાત અને અશોક ચવ્હાણને શાસન-વહીવટનો ઘણો અનુભવ છે. એમણે યાદ રાખવું જોઈએ કે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા શરદ પવારને પણ શાસન-વહીવટનો ઘણો અનુભવ છે.’
શિવસેનાએ બીજેપી તરફ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે અચાનક રાજ્ય સરકાર તૂટી પડશે અને એમને માટે પરોઢિયે રાજ ભવનના દ્વાર ખૂલશે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી બાદ સરકારની રચના વેળા બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અજિત પવારે વહેલી સવારે ઉતાવળે લીધેલા શપથની ઠેકડી ઉડાવતાં ‘સામના’ના તંત્રીલેખમાં ટિપ્પણી કરવામાં આવી હતી.

થોરાટે કહ્યું કે ખાટલામાંથી ક્રૂર ક્રૂર અવાજ કેમ આવે છે એની મુખ્ય પ્રધાન તપાસ કરે

શિવસેનાના મુખપત્ર ‘સામના’ ના ગઈ કાલના અંકમાં પ્રકાશિત તંત્રીલેખ ‘અધૂરી માહિતી પર આધારિત’ અને ‘ગેરવાજબી સંદેશ’ ફેલાવતો હોવાનું કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું. ‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે કે ‘પક્ષપલટો કરવા તૈયાર ઘણા તમને કૉન્ગ્રેસમાં મળશે. એને કારણે જ ગણગણાટ વિશેષ રૂપે સંભળાઈ રહ્યો છે. આ જૂના ખખડી ગયેલા ખાટલાનો ચું ચું અવાજ છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધન સરકારમાં આવો ગણગણાટ સહન કરવાની તૈયારી દાખવવી પડશે.’ મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અને મહેસૂલ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાતે પક્ષના રાજ્યસ્તરના નેતાઓની મુખ્ય પ્રધાન સાથે બેઠક પૂર્વે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે. ‘સામના’માં બીજો તંત્રીલેખ લખવો જોઈએ. હાલનો તંત્રીલેખ અધૂરી માહિતી પર આધારિત છે. એના દ્વારા અમારા વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી છે. અમે મહા વિકાસ આઘાડીની સાથે જ છીએ.’ વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવનારા ૧૨ સભ્યોની ભલામણમાં ત્રણેય પક્ષોને સરખો ભાગ (પ્રત્યેકના ચાર સભ્યો) નક્કી કરવાનો આગ્રહ કૉન્ગ્રેસ તરફથી મુખ્ય પ્રધાન સમક્ષ રજૂ કરાઈ રહ્યો છે.

uddhav thackeray ashok chavan sanjay raut mumbai news shiv sena nationalist congress party