નામમાં શું રાખ્યું છે?

23 January, 2023 08:21 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

નવી શરૂ થયેલી મેટ્રોમાં પ્રવાસ કરી રહેલા લોકોને પૂછશો તો તેઓ એનું મહત્ત્વ સમજાવશે, કારણ કે સ્ટેશનોનાં લોઅર મલાડ અને પહાડી જેવાં નામોને લીધે લોકોને થઈ રહી છે તકલીફો

નામમાં શું રાખ્યું છે?

મુંબઈ : દહિસરથી અંધેરી સુધીની બે મેટ્રો લાઇન પ્રવાસીઓ માટે ઘણી સગવડરૂપ સાબિત થશે એમાં કોઈ શંકા નથી. દરમ્યાન લિન્ક રોડ પરથી પસાર થતી 2A મેટ્રોમાં પ્રવાસ કરનારા મુસાફરો કેટલાંક નામોને લઈને મૂંઝવણમાં મુકાયા હતા તેમ જ આ નામોને બદલવાં જોઈએ એવી લાગણી વ્યક્ત કરી હતી. પ્રવાસીઓ ઓશિવરા, લોઅર ઓશિવરા, પહાડી અને લોઅર મલાડ જેવાં નામો સાંભળીને મૂંઝવણમાં મુકાયા હતા.

ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો લાઇન 2A અને 7ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. બન્ને લાઇન લોકો માટે શુક્રવારે સાંજે ચાર વાગ્યાથી શરૂ કરાઈ હતી. ત્યાર બાદ લોકોએ બન્ને કૉરિડોર પર પ્રવાસ શરૂ કર્યો હતો. લોકોએ એમએમઆરડીએ અને સરકારની આ સર્વિસ શરૂ કરવા બદલ પ્રશંસા પણ કરી હતી.

લાઇન 2A પર વલનઈ, મલાડ-વેસ્ટ, લોઅર મલાડ, પહાડી ગોરેગામ, ગોરેગામ-વેસ્ટ, ઓશિવરા, લોઅર ઓશિવરા, અંધેરી-વેસ્ટ જેવાં નવાં મેટ્રો સ્ટેશન બન્યાં છે. અંધેરી-વેસ્ટ મેટ્રો સ્ટેશનથી દહાણુકરવાડી સુધીનાં ઘણાં નામો મૂંઝવણમાં મૂકે એવાં છે.

૪૪ વર્ષના કરણ જોટવાણીએ મેટ્રો 2A કૉરિડોરનો પ્રવાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મારી પત્ની અને મારે ઇ​ન્ફિનિટી મલાડમાં જવું હતું. ટિકિટ-કાઉન્ટર પર લોકો સ્ટેશન વિશે જ પૂછતા હતા. એમએમઆરડીએને અપર અને લોઅર આ નામ ગમતાં હોય તો બ્રૅકેટમાં ઇ​ન્ફિનિટી મૉલ અથવા ઇનઑર્બિટ મૉલ લખવું જોઈએ.’

મેટ્રો લાઇન 2Aમાં પ્રવાસ કરનારાં અનિકા નાડકર્ણીએ કહ્યું હતું કે ‘નામ વિશે પૂછવામાં જ ઘણો સમય બગડતો હતો. લોઅર ઓશિવરા અને ઓશિવરાને બદલે સ્ટેશનનું નામ આદર્શનગર એવું આપવું જોઈતું હતું.’

1,07,241

ગઈ કાલે સવારથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં આટલા પ્રવાસીઓએ મેટ્રો-2A અને 7માં ટ્રાવેલ કર્યું હતું. 

mumbai mumbai news mumbai metro narendra modi