ટાળંટાળ

12 April, 2021 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજી એકાદ દિવસમાં લૉકડાઉનનો નિર્ણય લેવાવાની શક્યતા: સર્વમાન્ય એસઓપી તૈયાર કરવાનો નિર્ણય: મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે ટ્રેડ અસોસિએશન સાથે ચર્ચા કરશે

ટાસ્ક ફોર્સની બેઠકમાં ચર્ચા કરી રહેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરને રોકવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે સાંજે ટાસ્ક ફોર્સ સાથે વિડિયો-કૉન્ફરન્સિંગથી બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે મિની લૉકડાઉન લાગુ કરાયા બાદ ઑક્સિજન પ્લાન્ટ ઊભા કરવા, બેડ્સ અને અન્ય તબીબી સુવિધા વધારવા, રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા, રસીકરણમાં ઝડપ લાવવા વગેરેની ચર્ચા કરી હતી. તેમણે રાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આજે ટ્રેડ અસોસિએશન સાથે ચર્ચા કરશે. બધાની સાથે વાત કર્યા બાદ એકાદ દિવસમાં સર્વમાન્ય એસઓપી બનાવીને લૉકડાઉનનો નિર્ણય લેવાય એવી શક્યતા છે. લૉકડાઉન થશે તો લોકો ઉશ્કેરાશે એને ધ્યાનમાં રાખીને સરકાર તાત્કાલિક આ બાબતનો નિર્ણય લેવા ન માગતી હોવાનું આના પરથી જણાઈ આવે છે.

મુખ્ય પ્રધાને આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે, તબીબી શિક્ષણપ્રધાન અમિત દેશમુખ, મુખ્ય સચિવ સીતારામ કુંટે, મુખ્ય પ્રધાનના અતિરિક્ત મુખ્ય સચિવ આશિષકુમાર સિંહ, મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ વિકાસ ખર્ગે, ટાસ્ક ફોર્સના ડૉ. સંજય ઓક, ડૉ. શશાંક જોશી, ડૉ. અનિવાશ સુપે, ડૉ. ઉદવાડિયા, ડૉ. વસંત નાગ્વેકર, ડૉ. રાહુલ પંડિત, ડૉ. ઝહીર વીરાણી, ડૉ. ઓમ શ્રીવાસ્તવ, ડૉ. તાત્યારાવ લહાને, આરોગ્ય પ્રધાનના સચિવ ડૉ. પ્રદીપ વ્યાસ અને તબીબી શિક્ષણસચિવ સૌરવ વગેરે સાથે ચર્ચા કરી હતી.

મુખ્ય પ્રધાને તમામના મત જાણ્યા બાદ સિનિયર ઑફિસરો સાથે ચર્ચા કરીને કોરોનાના સતત વધી રહેલા કેસને ઘટાડવા માટે કેવાં અને કેટલાં પગલાં લેવાની જરૂર છે એ બાબતની બધાને માન્ય થાય એવી એસઓપી તૈયાર કરવાનું જણાવ્યું હતું. કોરોનાની બીજી લહેરને રોકવા માટે કડક પ્રતિબંધ કેટલાક સમય માટે લગાવવા જ પડશે એમ પણ તેમણે કહ્યું હતું.

ટાસ્ક ફોર્સમાં સામેલ ડૉક્ટરોએ ૯૫ ટકા કોવિડના દરદીઓ ઘરે રહીને જ ઠીક થઈ શકે છે, માત્ર સિરિયસ દરદીઓને જ તાત્કાલિક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાની જરૂર છે એવી જનજાગૃતિ કરવી, સોસાયટીઓમાં ક્વૉરન્ટીન-રૂમ બનાવીને ઑક્સિજનની સુવિધા આપી શકાય, મુંબઈ મહાનગરપાલિકામાં ઊભી કરાયેલા વૉર્ડ વૉર રૂમના માધ્યમથી બેડ્સની ઉત્તમ વ્યવસ્થા કરવી, ડૉક્ટરોએ નવા આવેલા દરદીની ૬ મિનિટ વૉક-ટેસ્ટ કર્યા બાદ ઍડ્મિટ કરવાનો નિર્ણય લેવો, યુવાન દરદીઓને પણ વૅન્ટિલેટરની જરૂર પડવા લાગી હોવાથી એનું નિયોજન કરવું એવી સૂચના મુખ્ય પ્રધાનને આપી છે.

ટાસ્ક ફોર્સના ડૉક્ટરો સહિત બેઠકમાં સામેલ પ્રધાનો અને આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ મુખ્ય પ્રધાન આજે ટ્રેડ અસોસિએશનો સાથે વાત કરશે. બધાના મત જાણ્યા બાદ એકાદ દિવસમાં એસઓપી તૈયાર કરાશે અને એ પછી લૉકડાઉનનો નિર્ણય લેવાય એવી શક્યતા છે.

coronavirus covid19 lockdown mumbai mumbai news uddhav thackeray