Mumbai: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે કર્યુ બપ્પાનું વિસર્જન 

20 September, 2021 11:27 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

 મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 19 સપ્ટેમ્બરે મુંબઈમાં તેમના નિવાસ સ્થાને ગણપતિ વિસર્જન કર્યું હતું.

ઉદ્ધવ ઠાકરે

રવિવારે મુંબઈમાં પોલીસની કડક સુરક્ષા વચ્ચે ગણેશ બપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 19 સપ્ટેમ્બરે મુંબઈમાં તેમના નિવાસ સ્થાને ગણપતિ વિસર્જન કર્યું હતું.

મુખ્યમંત્રીએ તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે તહેવારના 10માં દિવસે વિસર્જન કર્યું હતું. ગણેશ ચતુર્થી, 10 દિવસનો તહેવાર જે કેલેન્ડર મહિના ભાદરવા મુજબ ચોથના દિવસે શરૂ થાય છે, આ વર્ષે 10 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો. ભક્તોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો હેઠળ ભગવાન ગણેશને વિદાય આપી હતી.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે ગિરગામ ચોપાટી વિસર્જન સમારોહમાં ભાગ લીધો હતો. બીએમસી અનુસાર, વિસર્જન સ્થળો પર 715 જેટલા લાઇફગાર્ડ્સ તૈનાત હતા અને સ્થળ પર 39 એમ્બ્યુલન્સ અને 36 મોટરબોટ આવશ્યક સેવાઓ માટે દરિયાની સપાટી પર રાખવામાં આવી હતી.

ગણેશ વિસર્જનના પગલે લાલબાગ, પરેલ, ગિરગામ, જુહુ, વર્સોવા, પવઈ, મધ, માર્વે, અક્સા બીચ, દાદર ચોપાટી સહિત મુંબઈના 55 થી વધુ રસ્તાઓને શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા વન-વે રસ્તામાં ફેરવવામાં આવ્યા હતા.

mumbai mumbai news uddhav thackeray ganesh chaturthi