એચએસસી-એસએસસીનાં રિઝલ્ટ ૧૦ જૂન સુધીમાં જાહેર કરાશે એવો દાવો

08 May, 2020 11:48 AM IST  |  Mumbai Desk | Prakash Bambhrolia

એચએસસી-એસએસસીનાં રિઝલ્ટ ૧૦ જૂન સુધીમાં જાહેર કરાશે એવો દાવો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી એસએસસી અને એચએસસીની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર જાણવા મળ્યા છે. બન્ને પરીક્ષાનાં રિઝલ્ટ જૂન મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. શિક્ષકોએ આ પરીક્ષાનાં પેપર ઝડપથી ચકાસવા માંડ્યાં હોવાનું બોર્ડે ગઈ કાલે જણાવ્યું હતું. 

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ગઈ કાલે સમાચાર આવ્યા હતા કે એસએસસી અને એચએસસીની પરીક્ષાનાં રિઝલ્ટ ૧૦ જૂનની આસપાસ જાહેર થઈ શકે છે. રિઝલ્ટ mahresults.nic.in વેબસાઇટ પર જોઈ શકાશે.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉનમાં અત્યંત જરૂરી કામોમાં શિક્ષણ બોર્ડનાં પેપર ચકાસવા માટે શિક્ષકોને પ્રવાસ કરવાની પરવાનગી અપાઈ છે. આથી તબીબી સેવા, પોલીસ, ડૉક્ટર અને પાલિકાના કર્મચારીઓની સાથે ટીચરો પણ પેપર ચકાસવાનું કામ ઝડપથી કરી રહ્યા છે.
અત્યારે કોરોનાના વાઇરસને લીધે સ્કૂલ-કૉલેજ બંધ છે. યુજીસીની ભલામણ પ્રમાણે આગામી શૈક્ષણિક વર્ષ સપ્ટેમ્બરથી જુલાઈ ૨૦૨૧નું કરવા બાબતે વિચાર કરાઈ રહ્યો છે. ડિગ્રી કૉલેજના પહેલા અને બીજા વર્ષની પરીક્ષા ૧ જુલાઈથી ૧૫ જુલાઈ, ૨૦૨૦ દરમ્યાન લેવાશે. બાદમાં એચએસસી પછીનાં ઍડ્મિશન ઝડપથી કરાવીને ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦થી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવામાં આવશે. પરીક્ષા અને આગામી શૈક્ષણિક વર્ષનાં ટાઇમટેબલ બનાવવા માટે સમિતિની સ્થાપના કરવામાં આવી હોવાનું ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઉદય સામંતે પત્રકારોને જણાવ્યું હતું.

prakash bambhrolia mumbai mumbai news maharashtra