યુનિવર્સિટીઓની ફાઇનલ પરીક્ષાઓ નહીં યોજવાના નિર્ણયમાં શિવસેના અડગ

03 June, 2020 07:48 AM IST  |  Mumbai | Agencies

યુનિવર્સિટીઓની ફાઇનલ પરીક્ષાઓ નહીં યોજવાના નિર્ણયમાં શિવસેના અડગ

ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી યુનિવર્સિટીઓના આખરી વર્ષની પરીક્ષાઓ યોજવાના આગ્રહી હોવા છતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હાલના સંજોગો પરીક્ષાઓ યોજવા માટે અનુકુળ નહીં હોવાનું અડગ વલણ દાખવ્યું હતું. ‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કોરોનાના રોગચાળા દરમ્યાન પરીક્ષાઓ યોજવાનું પગલું વાજબી, અનુકુળ અને વ્યવહારુ નહીં હોવાનું શિવસેના સ્પષ્ટ રીતે માને છે. વિદ્યાર્થીઓને સેમીસ્ટર એક્ઝામ્સને આધારે પાસ કે નાપાસ જાહેર કરી શકાય છે. મુખ્ય પ્રધાને સ્પષ્ટ કહ્યું છે કે શૈક્ષણિક વર્ષ જૂનમાંજ શરૂ કરવું જોઇએ. એનો અર્થ એવો છે કે જ્યાં કોરોનાનો રોગચાળો સ્હેજ પણ ન હોય એવા જિલ્લાઓમાં શાળાઓ ખુલી જશે ’

‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘હિલચાલ પર કડક નિયંત્રણોને કારણે લોકોને બે મહિનાથી કેદમાં પૂરાઈ ગયા હોય એવી લાગણી થાય છે. ઠાકરે સરકારે રાજ્યમાં લોકડાઉનના નિયંત્રણો હળવા કર્યા છે. રોગ નિયંત્રણમાં રહે એ માટે લોકોને નિયમોનું સખતાઈથી પાલન કરવાની સૂચના આપી છે. દુકાનો તબક્કાવાર રીતે ખોલવામાં આવશે અને મંદિરો હાલમાં બંધ રહેશે. શિવસેનાએ જનતાને દુકાનો અને બજારોમાં ખરીદી માટે સાઇકલ પર જવાનો અનુરોધ કર્યો છે. કોરોના રોગચાળાની કટોકટીનો હજુ અંત આવ્યો નથી. એથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને જવાબદાર વર્તન કરવાનો અનુરોધ કર્યો છે.’

uddhav thackeray shiv sena mumbai university mumbai mumbai news