ગુડ ન્યુઝ, નિયંત્રણો આવતાં હવે ચોખા થઈ ગયા છે સસ્તા

11 September, 2022 09:27 AM IST  |  Mumbai | Rohit Parikh

કેન્દ્ર સરકારે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ૨૦ ટકા ડ્યુટી લાદવાની સાથે જ નવી મુંબઈમાં આવેલી એપીએમસી માર્કેટમાં ચોખાના ભાવમાં સીધો ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો થવાથી મિડલ ક્લાસને રાહત થશે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ગુરુવારે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ચોખાની નિકાસ પર ૨૦ ટકા ડ્યુટી લગાડતાંની સાથે જ ગઈ કાલે નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં આવેલા દાણાબજારમાં ચોખાના ભાવમાં ૧૦થી ૧૫ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો અને આ તો મોંઘવારીમાં આમ જનતા માટે સારા સમાચાર જ છે. જોકે સરકારના આ નિર્ણયને ઘણાં વેપારીઓ અને નિકાસકારો ઘોડા નીકળી ગયા પછી તબેલાને તાળું મારવા જેવો કહી રહ્યા છે. વેપારીઓ કહે છે કે કોરોનાકાળથી અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક અનાજ વિતરણને કારણે ચોખાનો સ્ટૉક ઘટી રહ્યો છે. પહેલાં સરકાર કરોડો ટન ચોખાનું આર્થિક રીતે નબળા વર્ગમાં નિઃશુલ્ક વિતરણ કરે છે, પછી દેશમાં ચોખાના ભાવને નિયંત્રણમાં લાવવા માટે એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કરીને શું સાબિત કરવા માગે છે એ જ અમને સમજાતું નથી.

વર્તમાન ખરીફ સીઝનમાં ડાંગરના પાક હેઠળના વિસ્તારમાં થયેલા ઘટાડાની વચ્ચે સરકારે ગુરુવારે ઘરેલુ પુરવઠો વધારવા માટે બાસમતી ચોખા સિવાયના નૉન-બાસમતી ચોખા પર ૨૦ ટકા નિકાસ-જકાત લાદી છે. મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કૂસમા ચોખા (ડાંગર અથવા ખરબચડા) અને કથ્થઈ (ભૂરા) ચોખા પર ૨૦ ટકા નિકાસડ્યુટી લાદવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સે કહ્યું છે કે સેમી-મીલ્ડ અથવા હોલી-મીલ્ડ ચોખા, પૉલિશ્ડ અથવા ચમકદાર (પારબૉઇલ્ડ કરેલા ચોખા અને બાસમતી ચોખા સિવાય)ની નિકાસ પર પણ ૨૦ ટકાની કસ્ટમ્સડ્યુટી લાગશે.

કૃષિમંત્રાલયના આદેશ પ્રમાણે નિકાસડ્યુટી ૯ સપ્ટેમ્બરથી અમલમાં આવશે એમ નોટિફિકેશનમાં ઉમેરવામાં આવ્યું છે. કેટલાંક રાજ્યોમાં નબળા વરસાદને કારણે ચાલુ ખરીફ સીઝનમાં ડાંગરના પાક હેઠળનો વિસ્તાર ૫.૬૨ ટકા ઘટીને ૩૮૩.૯૯ લાખ હેક્ટર થયો છે.

ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ ભારત વૈશ્વિક વેપારમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. આપણે ૨૦૨૧-’૨૨ના નાણાકીય વર્ષમાં ૨૧.૨ મિલ્યન ટન ચોખાની નિકાસ કરી હતી, જેમાંથી ૩.૯૪ મિલ્યન ટન બાસમતી ચોખા હતા. સત્તાવાર ડેટા અનુસાર એ જ સમયગાળામાં ૬.૧૧ અબજ ડૉલરના બિનબાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી હતી. આપણે ૨૦૨૧-’૨૨માં ૧૫૦થી વધુ દેશોમાં બિનબાસમતી ચોખાની નિકાસ કરી હતી.

સરકારના આ નિર્ણયથી આપણા દેશના ચોખાની કિંમતમાં વૈશ્વિક સ્તરે વધારો થશે, જેની સીધી અસર આપણી ચોખાની નિકાસ પર થશે એમ જણાવીને નવી મુંબઈની એપીએમસી માર્કેટના ચોખાના અગ્રણી નિકાસકાર હર્ષદ ગજરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધી આપણે નિકાસમાં સૌથી અગ્રણી છીએ. વિશ્વની ૪૦ ટકા ખરીદી આપણા દેશ પાસેથી કરવામાં આવે છે. આપણા મુખ્ય હરીફોમાં થાઇલૅન્ડ, વિયેટનામ અને પાકિસ્તાન છે. આપણી એક્સપોર્ટ ડ્યુટી વધવાથી વિશ્વમાં આપણા ચોખાના ભાવમાં ૨૦ ટકાનો વધારો થશે, જેથી આપણી અન્ય દેશો સાથેની હરીફાઈ ટફ બનશે. આપણી નિકાસમાં ઘટાડો થતાં દેશમાં ચોખાના ભાવમાં કિલોદીઠ બેથી ત્રણ રૂપિયા ઘટાડો થવાની શક્યતા દેખાય છે.’

જોકે આપણા દેશમાં આ ભાવઘટાડાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી એમ જણાવતાં હર્ષદ ગજરાએ કહ્યું હતું કે ‘આપણા દેશમાં ૮૦ કરોડ જનતાને તો સરકાર મફતમાં અનાજ વિતરણ કરે છે. તો ભાવની અસરનો ફાયદો કેટલા ટકા જનતાને થશે? તો અહીં તેજી-મંદીનો સવાલ જ ક્યાં આવે છે. જે અસર પડશે એ તો મધ્યમ વર્ગના લોકોને જ પડશે.’

ચોખા પર ૨૦ ટકા એક્સપોર્ટ ડ્યુટી લાદવામાં આવતાં જ ગઈ કાલે માર્કેટમાં ચોખાના ભાવમાં ૧૦થી ૧૫ ટકા કડાકો બોલાયો હતો એમ જણાવીને ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ચોખાની નિકાસ પર ૨૦ ટકા ડ્યુટી લગાડતાં ચોખાના ભાવમાં ગઈ કાલથી જ ઘટાડો થઈ ગયો હતો. કોરોનાકાળથી અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક અનાજ વિતરણને કારણે ચોખાનો સ્ટૉક ઘટી રહ્યો છે તેમ જ ચોખાનું ઉત્પાદન કરતાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ચોખાનું ઉત્પાદન ઘટવાની શક્યતા સેવાઈ રહી છે. તેથી ચોખાના ભાવને કાબૂમાં રાખવા સરકાર તરફથી તાત્કાલિક અમલમાં આવે એ રીતે ચોખાની નિકાસ પર ડ્યુટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સરકારના આ નિર્ણયને કારણે ઊંચી જાતના ચોખાના ભાવ ઘટવાની શક્યતા નહીંવત્ છે; પરંતુ નીચી જાતના ચોખામાં મહદંશે ઘટાડો જોવા મળશે, જેથી આમ જનતાને ઘણો ફાયદો થવાની શક્યતા છે. આમ સરકારનો આ નિર્ણય આવકાર્ય છે.’ 

40
વિશ્વમાં ચોખાની કુલ ખરીદીના આટલા ટકા ચોખા ભારતમાંથી ખરીદવામાં આવે છે

mumbai mumbai news apmc market rohit parikh