માસ્ક - વૅક્સિનની જબરદસ્તી કરી તો પાર્ટીઓનો બૉયકૉટ

28 January, 2022 08:33 AM IST  |  Mumbai | Rohit Parikh

થાણેમાં સ્વદેશી સેના અને વેપારીઓ દ્વારા માસ્ક, વૅક્સિન અને લૉકડાઉનનો વિરોધ કરવા યોજાયેલી રૅલીમાં લોકોએ લીધો સંકલ્પ : વધુ ને વધુ લોકો આ વિરોધમાં જોડાઈ રહ્યા છે

પ્રજાસત્તાક દિવસે થાણેમાં માસ્ક પહેરવા, વૅક્સિન લેવા અને લૉકડાઉન માટે થતા દબાણનો વિરોધ કરવા સ્વદેશી સેના અને વેપારીઓ દ્વારા યોજાયેલી રૅલી.

કોઈ રાજકીય પાર્ટીના નેતાઓ અમને માસ્ક પહેરવા કે વૅક્સિન લેવા માટે દબાણ નહીં કરે. અમારા પર કોઈ જ દંડાત્મક કાર્યવાહી કરશે નહીં. જે કોઈ રાજકીય પાર્ટીના નેતા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા હોવા છતાં અમારા પર માસ્ક પહેરવા માટે કે વૅક્સિન લેવા માટે દબાણ કરશે એ નેતાઓનો અમે બહિષ્કાર કરીને ચૂંટણીના સમયે તેમને તેમના દબાણનો સણસણતો જવાબ આપીશું. આવો સંકલ્પ ગઈ કાલે થાણેમાં એક બિનસરકારી સંસ્થા સ્વદેશી સેના દ્વારા માસ્ક અને વૅક્સિનના વિરોધમાં યોજાવામાં આવેલી મહારૅલીમાં લેવામાં આવ્યો હતો. 
પ્રજાસત્તાક દિને સ્વદેશી સેનાએ બપોરે થાણેમાં થાણેના વેપારીઓ સાથે માસ્ક અને વૅક્સિનનો વિરોધ કરવા અને વેપારીઓને લૉકડાઉનના સમયમાં આર્થિક નુકસાન થયું હોવા છતાં સરકાર તરફથી કોઈ જ આર્થિક પૅકેજની જાહેરાત કરવામાં આવી નથી એના વિરોધમાં રૅલી યોજી હતી. આ રૅલીમાં માસ્ક, વૅક્સિન અને વારંવાર જાહેર થતાં લૉકડાઉનની આખરી ટીકા કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. 
અમે આ રૅલીના માધ્યમથી પ્રજાસત્તાક દિવસે પ્રજાતંત્ર આજે પણ જીવિત છે એ સાબિત કર્યું હતું એમ જણાવીને સ્વદેશી સેનાના અધ્યક્ષ મદન દુબેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવે માસ્ક પહેરવા અને વૅક્સિન લેવા માટે પ્રશાસન કે કોઈ રાજકીય નેતાની જબરદસ્તી નહીં ચાલે. કોવિડમાં કરવામાં આવતી આરટી-પીસીઆર ટેસ્ટ માટે પણ કોઈ હવે લોકો પર જબરદસ્તી કરશે એ અમે નહીં ચલાવીએ. લૉકડાઉન લાદશો તો એ સમયે વેપારીઓ અને લોકોને થતું નુકસાની પ્રશાસને ભરપાઈ કરવું પડશે. વૅક્સિન માટે દબાણ કરવામાં આવશે તો એને કારણે કોઈ શારીરિક નુકસાન થશે તો એની સામે વળતર આપવું પડશે. વૅક્સિન આપતાં પહેલાં જે-તે વ્યક્તિની સંમતિ લેવી જરૂરી છે. આ બધા મુદ્દાઓને જાહેર કરતાં હોર્ડિંગ્સ લગાવવામાં આવે. બાળકોને વૅક્સિન આપતાં પહેલાં બાળકોનાં માતા-પિતાને વૅક્સિનથી થનારી સાઇડ ઇફેકટ બાબતની પૂરતી જાણકારી આપવામાં આવે. આવી અનેક માગણીઓ આ રૅલીમાં કરવામાં આવી હતી. હાજર રહેલા લોકોએ સંકલ્પ કર્યો હતો કે જો કોઈ રાજકીય નેતા માસ્ક પહેરવા અને વૅક્સિન લેવાના મુદ્દે અમારા પર દબાણ કરશે તો અમે તેનો બહિષ્કાર કરીશું.’
માસ્ક, વૅક્સિન અને લૉકડાઉનનો વિરોધ કરવા માટે સેંકડો લોકો ૨૬ જાન્યુઆરીએ થાણેની મહારૅલીમાં જોડાયા હતા એમ જણાવીને અખિલ ભારતીય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મહાનગરના અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારી સંગઠનોના પદાધિકારીઓ અને સ્વદેશી સેનાના કાર્યકર્તાઓએ સ્ટેશનથી રૅલી કાઢી હતી. તેમણે માસ્ક, વૅક્સિન અને લૉકડાઉનના વિરોધમાં નારા લગાવ્યા હતા. આમ કરીને અમે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.’
બે વર્ષના લૉકડાઉનમાં કિસાનો કરતાં વેપારીઓએ વધુ આત્મહત્યા કરી છે એમ જણાવીને શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘જોકે સરકારે આજ સુધી વેપારીઓ માટે આર્થિક પૅકેજની જાહેરાત કરી નથી કે કોઈ બીજી રીતે પણ વેપારીઓને નુકસાન સામે વળતર આપ્યું નથી. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ પ્રમાણે વેપારીઓને વળતર મળવું જોઈતું હતું. આથી અમે રૅલીમાં વેપારીઓ પાસેથી નુકસાનના વળતર માટેની માગણી કરતાં ફૉર્મ ભરાવ્યાં હતાં. એને અમે કલેક્ટરની ઑફિસમાં સબમિટ કરીશું. આમ છતાં જો વેપારીઓને વળતર આપવામાં નહીં આવે તો અમે કોર્ટમાં જવાની પણ તૈયારી કરી લીધી છે.’

Mumbai mumbai news rohit parikh thane