22 April, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોસાયટીના સભ્યોએ વિરોધ કર્યો હતો
બોરીવલી પશ્ચિમમાં એસ વી રોડ પર ઈન્દ્રપ્રસ્થ શૉપિંગ સૅન્ટર સામે આવેલી મંગલકુંજ તરીકે ઓળખાતી મધુમિલન સોસાયટીમાં 200 થી વધુ સભ્યો રહે છે. 66 વર્ષ જૂની આ સોસાયટીની મૅનેજિંગ કમિટીએ જૂની ઈમારતોના રિડેવલપમેન્ટ માટે સભ્યોની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના એટલે કે સભ્યોને અંધારામાં રાખી બૃહન્મુંબઈ મહાનગર પાલિકામાં રિડેવલપમેન્ટ કરવા માટે પ્લાન સબમિટ કરવા આવ્યો છે. મૅનેજિંગ કમિટીના આ પગલાં સામે હવે સોસાયટીના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો છે. મધુમિલન સોસાયટીના સભ્યોએ ગઈ કાલે મૅનેજિંગ કમિટીના કથિત ભ્રષ્ટાચાર સામે રક્ષણ મેળવવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ ન્યાયની માગણી કરી છે.
મધુમિલન હાઉસિંગ સોસાયટીના સભ્ય વિરલ સાવલાએ જણાવ્યું હતું કે “અમારી સોસાયટીની મૅનેજિંગ કમિટીએ સાડાચાર વર્ષમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો છે એની સામે અમારી લડત ચાલું છે. સોસાયટીના સેક્રેટરી દેવેન્દ્ર સયાણીએ પોતે સોસાયટીના માલિક હોવાનો દાવો કરી પાલિકામાં અમારી સોસાયટીને રિડેવલપમેન્ટ કરવાનો પ્લાન પાલિકામાં રજૂ કરી મોટું કાવતરું કર્યું હોવાનું અમારા ધ્યાનમાં આવતા અમે બધા ચોંકી ગયા છે. આ પ્લાન ગયા વર્ષે પાલિકામાં મૂકવામાં આવ્યો હતો, જેની કોઈને પણ જાણ કરવામાં આવી નહોતી. સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોઈ પણ સેક્રેટરી આવી રીતે પોતે સોસાયટીનો માલિક બની ન શકે. અમારા ધ્યાનમાં આ વાત આવતા અમે 111 સભ્યોની સહી સાથેનો પત્ર પાલિકાના બિલ્ડિંગ વિભાગમાં 5 એપ્રિલે સોંપ્યો છે. પ્લાનમાં સોસાયટીના દુકાનદારોને પાછળના ભાગમા જગ્યા ફાળવી આગળનો ભાગ વેચાણ માટે રાખી કરોડો રૂપિયાની કમાણી કરવાનું કાવતરું હતું. સદ્નનસીબે પ્લાન અમારા હાથમાં આવી જતાં અમે બચી ગયા.”
વિરલ સાવલાએ વધુમાં આરોપ કર્યો કે “મૅનેજિંગ કમિટીને સબ રજિસ્ટ્રારે બરખાસ્ત કરી છે અને જોઈન્ટ રજિસ્ટ્રારે કોઈ પણ નવા કામ કરવા સિવાયનો વ્યવહાર જ કાયમ રાખવાનો નિર્દેશ આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે સભ્યોએ પ્રોપર્ટી ટૅક્સના રૂપિયા સોસાયટીમાં જમા કરાવ્યા હોવા છતાં કમિટીએ 79 લાખ રૂપિયા પાલિકામાં ભર્યા નથી. મૅનેજિંગ કમિટીથી સભ્યો પરેશાન થઈ ગયા છે. તમામ સંબંધિત જગ્યાએ આ અંગે રજૂઆત કરી હોવા છતાં કંઈ પરિણામ આવ્યું નથી. આ કારણે હવે અમે તમામ સભ્યોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે ન્યાયની માગણી કરી છે.”
મેનેજિંગ કમિટીના એક સભ્યએ પોતાના પક્ષને રજૂ કરતાં જણાવ્યું છે કે, "સોસાયટીની હાલત અત્યંત નાજુક હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ દ્વારા તેને C-1 (જોખમી) જાહેર કરવામાં આવી છે. જેના કારણે આશરે ૨૨૦ પરિવારોના જીવનને જોખમ છે અને તાત્કાલિક રીડેવલપમેન્ટ જરૂરી બન્યું છે." તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ ૨૦૨૫ દરમિયાન આ મુદ્દે બોમ્બે હાઇકોર્ટમાં અનેક અરજી કરવામાં આવી હતી, ત્યારબાદ હાઇકોર્ટના આદેશ મુજબ અધિકૃત ઓફિસરની દેખરેખ હેઠળ ૯મી નવેમ્બર ૨૦૨૫ના રોજ General Body Resolution (GBR) યોજાઈ હતી, જેમાં કાયદેસર રીતે ડેવલપરની પસંદગી કરવામાં આવી હતી અને ત્યારબાદ Letter of Intent (LOI) પણ નિયમો મુજબ જારી કરવામાં આવ્યું હતું. મેનેજિંગ કમિટીના સભ્યે આગળ જણાવ્યું કે ડેપ્યુટી રજીસ્ટાર દ્વારા કમિટીને અયોગ્ય ઠેરવવાના આદેશો GBR પછી આપવામાં આવ્યા હોવાથી તે કાનૂની રીતે પ્રશ્નાસ્પદ છે. આ નિર્ણય સામે અપીલ કરવામાં આવતાં જોઇન્ટ રજીસ્ટાર દ્વારા “Status Quo” જાળવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે મુજબ હાલ કોઈ નવી કાર્યવાહી કરી શકાતી નથી. તેઓ એમ પણ જણાવે છે કે આર્કિટેક્ટ દ્વારા પાલિકામાં અગાઉ સબમિટ કરાયેલ પ્રસ્તાવ GBR અને LOI પહેલાંનો હોઇ માત્ર ટેમ્પરરી સ્ટ્રક્ચરલ પરમિશન માટે હતો એટલે તે રીડેવલપમેન્ટ માટે માન્ય નથી. સમગ્ર પ્રક્રિયા GBR અને હાઇકોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી છે અને હાલ મામલો કાનૂની રીતે વિચારાધીન (Sub-judice) છે, જેમાં Status Quo લાગુ છે. તેથી કમિટીની કોઈ કાર્યવાહી ગેરકાનૂની નથી. અંતમાં તેમણે જણાવ્યું કે રીડેવલપમેન્ટ પ્રક્રિયા કાયદેસર રીતે શરૂ થઈ ચૂકી છે અને હાલ મામલો સંબંધિત સત્તાઓ સમક્ષ પેન્ડિંગ છે, તેથી કોઈપણ એકતરફી અથવા દબાણાત્મક કાર્યવાહી કાનૂની રીતે માન્ય ગણાતી નથી.
સોસાયટીના સેક્રેટરી દેવેન્દ્ર સયાણીએ તમામ આરોપ ફગાવી દીધા છે. સોસાયટીના સેક્રેટરી દેવેન્દ્ર સયાણીના જણાવ્યા મુજબ સભ્યોની માલિકીનાં ઘર, ઑફિસ અને દુકાનોનું રીડેવલપમેન્ટ તેમની મરજી વિના કોઈ ન કરી શકે. બિલ્ડિંગ જૂની થઈ ગઈ હોવાથી એ તોડી નખાયા બાદ સોસાયટીનું કામકાજ ચલાવવા માટે કન્ટેનર મૂકવાનો પ્રસ્તાવ પાલિકામાં ગયા વર્ષે મૅનેજિંગ કમિટીએ મૂક્યો હતો. પાલિકાની ઑનલાઈન સિસ્ટમમાં રીડેવલપમેન્ટ કરવા માટેની બે ફાઈલ દેખાઈ રહી છે એ માત્ર ને માત્ર ટેમ્પરરી શેડ બનાવવા માટેની છે. મુંબઈ પાલિકાએ પ્રોપર્ટી ટૅક્સમાં ભૂલચૂક થઈ હોવાનું જણાવી ૨૦૧૦થી અત્યાર સુધીનું ૭૯ લાખ રૂપિયા પેન્ડિંગ હોવાનું બીલ મોકલ્યું છે. અમારી કમિટીને સાડાચાર વર્ષ થયા એટલે આ મામલો જૂનો છે. પાલિકાએ બીલ બનાવ્યું છે એટલે એ ભરવું જ પડશે, પણ અત્યારે મોટા ભાગના સભ્યો મેઈન્ટેનન્સ ભરતા નથી એટલે ફંડ નથી. ફંડ જમા થયા બાદ પ્રોપર્ટી ટૅક્સ ભરી દઈશું. આથી મૅનેજિંગ કમિટી પર ભ્રષ્ટાચારના આરોપ પાયાવિહોણા છે.
(ડિસ્ક્લેમર: અહીં દર્શાવાયેલા આક્ષેપો અને દાવાઓ જે-તે પક્ષોના નિવેદનો પર આધારિત છે. મામલો હાલમાં કાનૂની રીતે વિચારાધીન હોઇ તેની અંતિમ સચ્ચાઈ માટે સંબંધિત સત્તાધિકારીઓનો નિર્ણય જ માન્ય ગણાશે.)