28 November, 2026 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૃદ્ધોને રાહત આપો
બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ સાથેના વિવાદો ઉકેલવા માટે સિનિયર સિટિઝન્સને વારંવાર કોર્ટના દરવાજા ખખડાવવાની ફરજ ન પડવી જોઈએ.
બૅન્ક ઑફ બરોડાના ૮૦ વર્ષના ભૂતપૂર્વ કર્મચારી અને ગ્રાહકે દાખલ કરેલી અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે આ અવલોકન કર્યું હતું. આ અરજીમાં તેમણે બૅન્ક દ્વારા તેમની ફિક્સ્ડ ડિપૉઝિટમાંથી ૧,૨૦,૧૯,૯૪૮ રૂપિયા કાપી લેવાના નિર્ણય અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના લોકપાલ દ્વારા તેમની ફરિયાદ સાંભળવાનો ઇનકાર કરવાના નિર્ણયને પડકાર્યો હતો.
વૃદ્ધ ગ્રાહકોને બૅન્કોના ઉદાસીન વલણને કારણે વારંવાર બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એવું નોંધતાં કોર્ટે તેમના પ્રત્યે વધુ સંવેદનશીલ અને જવાબદાર અભિગમ અપનાવવા જણાવ્યું હતું.
ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત એમ. સેઠનાની ખંડપીઠે જણાવ્યું હતું કે ‘કમનસીબે અમારી સામે એવા કિસ્સા આવ્યા છે જ્યાં સિનિયર સિટિઝન્સ બૅન્કો અને નાણાકીય સંસ્થાઓના લાંબા સમયના ગ્રાહક હોવા છતાં આ સંસ્થાઓ સાથેના વ્યવહારમાં અગવડ, મુશ્કેલી અને ઉદાસીનતાનો સામનો કરે છે જે સરળતાથી ઘટાડી શકાય છે અને હકીકતમાં ટાળી શકાય છે.’
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આવા વિવાદો માટે સિનિયર સિટિઝન્સને કોર્ટમાં આવવું પડે એ નિયમ નહીં પરંતુ અપવાદ હોવો જોઈએ.