25 July, 2025 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવ દરમ્યાન ૬ ફુટ સુધીની ઊંચાઈ ધરાવતી મૂર્તિઓનું વિસર્જન ફરજિયાતપણે કૃત્રિમ તળાવમાં કરવાનો વચગાળાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો છે, જ્યારે ૬ ફુટથી ઊંચી મૂર્તિઓ દરિયા કે નદીમાં પધરાવવા માટે હાઈ કોર્ટે પરવાનગી આપી છે. આ વર્ષે ૨૭ ઑગસ્ટથી ચાલુ થતા ગણેશોત્સવથી શરૂ થઈને આવતા વર્ષે માર્ચ મહિના સુધી પ્લાસ્ટર ઑફ પૅરિસ (POP)ની મૂર્તિઓનું જેમાં વિસર્જન કરવામાં આવે છે એવા નવરાત્રિ અને દુર્ગાપૂજા જેવા તમામ ઉત્સવો માટે આ આદેશ લાગુ પડશે. ત્યાર બાદ આ કેસની આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને સંદીપ મારણેની ખંડપીઠે નોંધ્યું હતું કે ગયા વર્ષે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મૂર્તિઓના વિસર્જન માટે ૨૦૪ કૃત્રિમ તળાવ બનાવ્યાં હતાં, જેમાં પાંચ ફુટ સુધીની ૧.૯૫ લાખ મૂર્તિઓના વિસર્જનની વ્યવસ્થા હતી, પરંતુ ૮૫,૦૦૦ મૂર્તિઓ જ કૃત્રિમ તળાવમાં વિસર્જિત થઈ હતી. બાકીની ૧.૧૦ લાખ મૂર્તિઓ કુદરતી જળાશયોમાં વિસર્જિત થઈ હતી. ઍડ્વોકેટ જનરલ ડૉ. બીરેન્દ્ર સરાફે અદાલતને બુધવારે જણાવ્યું હતું કે આવી પાંચ ફુટથી નાની મૂર્તિઓ કૃત્રિમ તળાવમાં જ વિસર્જિત થાય એનું આ વર્ષે ધ્યાન રાખવામાં આવશે તેમ જ બીજા જ દિવસે મૂર્તિઓ જળાશયોમાંથી બહાર કાઢી લેવામાં આવશે. જોકે અદાલતે ૬ ફુટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં કરવાનું કહ્યું હતું.
સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ની રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સના અમલીકરણ બાબતે થયેલી ૯ અરજીઓની સુનાવણી દરમ્યાન અદાલતે આદેશ આપતાં કહ્યું હતું કે મૂર્તિઓના વિસર્જનને લીધે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે આ વર્ષે પાંચ ફુટને બદલે ૬ ફુટ સુધીની ઊંચાઈ ધરાવતી તમામ મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં કરવું ફરજિયાત છે.
અદાલતે આપેલા આદેશનું શબ્દશ: પાલન થાય એની જવાબદારી રાજ્ય સરકારની રહેશે એ વાત પર કોર્ટે ભાર મૂક્યો હતો, જ્યારે રાજ્યનાં તમામ સ્થાનિક પ્રશાસને ૬ ફુટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ રીતે ઊભાં કરાયેલાં જળાશયોમાં જ થાય એનું ધ્યાન રાખવાની ફરજ રહેશે. ઉપરાંત સાર્વજનિક ગણેશ મંડળોને ૬ ફુટ સુધીની મૂર્તિ જ લાવવા માટે પ્રોત્સાહન આપવાનું પણ અદાલતે સૂચવ્યું હતું.
પાંચને બદલે ૬ ફુટ કેમ?
નોંધનીય છે કે પાંચ ફુટથી ૧૦ ફુટની ઊંચાઈ ધરાવતી ૩૮૬૫ મૂર્તિઓ છે અને ૧૦ ફુટથી વધુ ઊંચાઈ ધરાવતી ૩૯૯૮ મૂર્તિઓ છે જેમનું વિસર્જન પ્રાકૃતિક જળાશયોમાં કરવાનું રહે છે. એટલે કે કુલ ૭૮૬૩ મૂર્તિઓનો આંકડો પ્રાકૃતિક જળાશયો માટે મોટો ગણાય. તેથી પર્યાવરણને થતું નુકસાન ઘટાડવાનાં પગલાંરૂપે મૂર્તિની ઊંચાઈની મર્યાદા ૬ ફુટ કરવા પાછળ અદાલતે આ વાતને પણ ધ્યાનમાં લીધી હતી.
મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા POPના મટીરિયલને રીસાઇકલ કરવાના ઉપાયો સૂચવે એવા નિષ્ણાતોની સમિતિની રચના કરવાનો નિર્દેશ પણ હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે. મૂર્તિઓના વિસર્જન બાદ ઇકો-ફ્રેન્ડ્લી પદ્ધતિથી ઝડપી ઓગળી શકે એ માટેના વૈજ્ઞાનિક ઉપાયો સૂચવવાની જવાબદારી પણ આ સમિતિની રહેશે.