૪૦ કરોડ રૂપિયાનો વરસાદ કરાવવાના નામે બોગસ બાબાએ વૃદ્ધ પાસેથી ૧૨.૨૫ લાખ પડાવ્યા

06 December, 2022 11:22 AM IST  |  Mumbai | Mehul Jethva

નાલાસોપારાના બનાવમાં ખાલી બૉક્સમાં રૂપિયા રાખીને અઘોરી વિદ્યા કરીને રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપેલી : ભાઈંદર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી

પ્રતીકાત્મક તસવીર

નાલાસોપારામાં રહેતા એક બોગસ બાબાએ ખાલી બૉક્સમાં પૈસા રાખી એના પર અઘોરી વિદ્યા કરી પૈસાનો વરસાદ કરીને ૪૦ કરોડ રૂપિયા કરી આપવાની લાલચ આપીને ૬૪ વર્ષના વૃદ્ધ પાસેથી ૧૨.૨૫ લાખ રૂપિયા લઈ છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. બોગસ બાબાએ ખાલી બૉક્સમાં રૂપિયા રાખી એને ૨૧ દિવસ સુધી બંધ રાખવાનું સિનિયર સિટિઝનને કહ્યું હતું. ત્યાર બાદ સિનિયર સિટિઝને બૉક્સ ખોલતાં એમાં રૂપિયા નહોતા. પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતાં વૃદ્ધે ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ભાઈંદર-વેસ્ટમાં ઉત્તન રોડ પર સદાનંદનગરમાં રહેતા ૬૪ વર્ષના પ્રદીપ મહાદેવ પાટીલે કરેલી ફરિયાદ અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોથી પત્ની સંગીતા બીમાર રહેતી હતી. કેટલાક ડૉક્ટર પાસેથી દવા લીધા પછી પણ તબિયતમાં સુધારો ન થતો હોવાની માહિતી તેમણે એક મિત્રને આપી હતી, જેણે નાલાસોપારામાં રહેતા વિનય આચાર્ય નામના બાબાને મળવાનું કહ્યું હતું. તેમની તમામ પરેશાની સાંભળ્યા બાદ બાબાએ પ્રદીપને કહ્યું હતું કે હું તને થોડા સમયમાં ૪૦ કરોડ રૂપિયાનો માલિક બનાવી દઈશ, પણ એ માટે મારે વિદ્યા કરવી પડશે એમ કહીને પાંચ લાખ રૂપિયા માગ્યા હતા, જેમાંથી ત્રણ લાખ રૂપિયા એક બૉક્સમાં રાખવા અને બે લાખ રૂપિયા વિધિ માટે કહ્યા હતા, જે માટે પ્રદીપ તૈયાર થયો હતો. બાબાએ પ્રદીપના ઘરે આવી બોગસ વિધિ કરી હતી અને ત્રણ લાખ રૂપિયા બૉક્સમાં રાખ્યા હતા. એ પછી ધીરે-ધીરે બીજા ૭ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્રણ મહિના પછી પૈસાનો વરસાદ ન થતાં પ્રદીપે બાબાએ રાખેલું બૉક્સ ખોલી જોતાં એમાં પૈસા નહોતા. પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજી જતાં તેમણે ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાઈંદર પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ અલગ-અલગ કારણો આપી ફરિયાદી પાસે પૈસા પડાવ્યા હતા. અમે ફરિયાદ નોંધીને આરોપીની શોધ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news Crime News mumbai crime news nalasopara bhayander mehul jethva