યેઉરમાં ગુજરાતી યુવકનો મૃતદેહ મળ્યો

18 February, 2026 08:32 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

આત્મહત્યા કે અકસ્માત છે એ વિશે પોલીસે તપાસ હાથ ધરી

યેઉરની ખાણમાંથી પ્રકાશની ડેડ-બૉડી પોલીસે બહાર કાઢી હતી.

થાણે-વેસ્ટના યેઉરમાં આવલા ઍરફોર્સ ગેટની બાજુમાં આવેલી ખાણમાંથી ગઈ કાલે સવારે થાણેના શિવાઈનગરના સિદ્ધનાથ સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના પ્રકાશ પરમારનો મૃતદેહ મળ્યો હતો. આ મામલે વર્તકનગર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતીના આધારે પ્રકાશે આત્મહત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પ્રકાશના ભાઈ રમેશે કહ્યું કે પ્રકાશે આત્મહત્યા નથી કરી, યેઉરના જંગલમાં તેની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની હશે. તેણે પોલીસ સમક્ષ વધુ તપાસની માગણી કરી છે.

વર્તકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના સંજય ગાંધી નૅશનલ પાર્કના પરિસરમાં આવેલી ઍરફોર્સ નજીકના ખાણવિસ્તારમાં બની હતી. ઘટના વિશે મરનાર પ્રકાશના ભાઈ રમેશ પરમારે અમને માહિતી આપી હતી. ત્યાર બાદ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારી અને ફાયર-બ્રિગેડ સાથે વન-વિભાગની ટીમની મદદથી પ્રકાશનો મૃતદેહ ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને થાણેની સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. અકસ્માત, આત્મહત્યા કે અન્ય કયા કારણસર આ ઘટના બની છે એની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ પ્રકાશે આત્મહત્યા કરી હોય એવી અમને શંકા છે. જોકે સત્તાવાર પુષ્ટિ પોસ્ટમૉર્ટમના રિપોર્ટ બાદ જ થશે.’

બીજી તરફ રમેશ પરમારે આત્મહત્યાના અનુમાનને નકારી કાઢતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રકાશે આત્મહત્યા નથી કરી. યેઉરના જંગલમાં તેની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની હશે. આ સમગ્ર મામલે મેં પોલીસને સઘન અને નિષ્પક્ષ તપાસ કરવાની વિનંતી કરી છે.’

mumbai news mumbai murder case thane crime thane gujaratis of mumbai gujarati community news