મુંબઈમાં કોરોના કાબૂમાં, ગભરાવાની જરૂર નથી : બીએમસીએ કોર્ટને જણાવ્યું

20 January, 2022 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહામારીની ત્રીજી લહેરમાં મુંબઈમાં કોરોનાના કેસ ક્રમશઃ ઘટી રહ્યા છે

ફાઇલ તસવીર

બીએમસીએ બુધવારે બૉમ્બે હાઈ કોર્ટને જાણ કરી હતી કે શહેર અને એની આસપાસના પ્રદેશોમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને નાગરિકોએ ડરવાની જરૂર નથી. સિનિયર કાઉન્સેલ અનિલ સાખરેએ ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમ. એસ. કર્ણિકની ખંડપીઠને જણાવ્યું હતું કે મહામારીની ત્રીજી લહેરમાં મુંબઈમાં કોરોનાના કેસ ક્રમશઃ ઘટી રહ્યા છે.
કાઉન્સેલે બીએમસી વતી વિસ્તૃત નોંધ સુપરત કરી હતી જેમાં ઍક્ટિવ કેસ, ઑક્સિજન સપ્લાય, દવાનો જથ્થો, હૉસ્પિટલમાં ઉપલબ્ધ બેડ્સ વગેરેની વિગતો આપવામાં આવી હતી. અનિલ સાખરેએ જણાવ્યું હતું કે ‘અમારી પાસે ઑક્સિજનનો પૂરતો પુરવઠો છે અને હૉસ્પિટલમાં બેડ્સ ઉપલબ્ધ છે. ભય પામવાની કોઈ જરૂર નથી.’ 
શું શહેરની સુધરાઈ એમ કહી રહી છે કે મુંબઈમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે? એવા સવાલનો જવાબ સિનિયર કાઉન્સેલે હકારમાં આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘હા, હવે બધું કાબૂમાં છે. કેસ ઘટી રહ્યા છે. પૉઝિટિવ કેસની સંખ્યા છ જાન્યુઆરીથી નવ જાન્યુઆરીની આસપાસ ૨૦,૦૦૦ પર પહોંચી હતી, પણ ૧૫ જાન્યુઆરીએ કેસ ઘટીને ૧૦,૦૦૦ થઈ ગયા હતા અને છેલ્લા ત્રણ દિવસથી ૭,૦૦૦ થયા છે.’ 
આ મામલાની આગામી સુનાવણી ૨૭ જાન્યુઆરીએ હાથ થશે.

coronavirus covid19 mumbai mumbai news mumbai high court bombay high court brihanmumbai municipal corporation