ચૅટ બૉટ નંબર લૉન્ચ કરવામાં વળ્યો સત્તાધારી પક્ષની ઉતાવળથી છબરડો?

16 January, 2022 11:06 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા હોવાથી મુંબઈ સુધરાઈએ પૂર્વતૈયારી વિના એ લૉન્ચ કરી દીધો : બીએમસીના અધિકારી કહે છે કે અડધો સ્ટાફ કોવિડમાં સપડાયો હોવાથી કચાશ રહી ગઈ, પણ ટૂંક સમયમાં બધું ઠીક થઈ જશે

ઉદ્ધવ ઠાકરે દ્વારા શરૂ કરવામાં આવેલી બીએમસી વૉટ્સઍપ ચૅટ બૉટમાં પહેલા દિવસે ગોટાળા જોવા મળ્યા હતા.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રની વિવિધ સેવાઓ સામાન્ય નાગરિકો, બિઝનેસમેન અને ટૂરિસ્ટો સરળતાથી મેળવી શકે એ માટે વૉટસઍપ ચૅટ બૉટ નંબર લૉન્ચ કર્યો હતો. જોકે લૉન્ચ કરવામાં આવેલી સર્વિસમાં અનેક છબરડા હોવાનું જણાઈ આવ્યું છે. બીએમસીની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઉતાવળે સત્તાધારી પક્ષ શિવસેના આ સર્વિસ શરૂ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે બીએમસીના અધિકારી કહે છે કે તેમને કોઈ ડેડલાઇન નહોતી અપાઈ, પરંતુ અડધો સ્ટાફ કોવિડમાં સપડાયેલો હોવાથી કેટલીક બાબતો અપડેટ કરવાની રહી જવાને લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે અને ટૂંક સમયમાં બધું ઠીક થઈ જશે.
શુક્રવારે મુંબઈ બીએમસી દ્વારા લોકોને તમામ માહિતી પળવારમાં આંગળીના ટેરવે મળી રહે એ માટે 8999228999 વૉટસઍપ ચૅટ બૉટ નંબર લૉન્ચ કરવામાં આવ્યો હતો. મોબાઇલમાં આ નંબર સેવ કરીને એના પરથી મેસેજ મોકલતાં જ ઇંગ્લિશ અને મરાઠી ભાષામાં માહિતી મેળવવા માટેના મેસેજ આવવા લાગે છે. આ સર્વિસ કેવી છે એ જોવાની ‘મિડ-ડે’એ કોશિશ કરી તો વૉર્ડ લેવલની સર્વિસ માટે જે નંબર આપ્યા છે એમાં ઘણા એક વર્ષ જૂના છે એટલે કે એવા અધિકારીઓના છે જેમની વર્ષ પહેલાં બદલી થઈ ગઈ હોય. અમુક વૉર્ડ ઑફિસરની માહિતી પણ ખોટી છે. એટલું જ નહીં, કોલાબા ફાયર સ્ટેશનના ઑફિસર સંતોષ ભોસલેનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે હું છેલ્લા છ મહિનાથી રજા પર છું. ત્યાર બાદ ‘આર’ વૉર્ડના કમ્પ્લેઇન્ટ ઑફિસરને ફોન કરતાં તેણે પણ રૉન્ગ નંબર કહીને ફોન મૂકી દીધો હતો.
પહેલા દિવસે બીએમસીની ચૅટ બૉટ સર્વિસમાં આવા છબરડા સામે આવ્યા હતા. ગઈ કાલે બીજા દિવસે બીએમસીના અધિકારીએ દાવો કર્યો હતો કે ઘણી માહિતી અપડેટ કરી દેવામાં આવી છે એટલે હવે કોઈ મુશ્કેલી નહીં આવે.

ક્યાં આવ્યો હતો પ્રૉબ્લેમ?

બીએમસીના આઇટી સેલના ડિરેક્ટર અને ‘જી’ સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શરદ ઉઘાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ બીએમસીના વિવિધ વિભાગને એચઆર સિસ્ટમ સાથે લિન્ક કરવામાં કેટલીક મુશ્કેલી સામે આવતાં કેટલીક જૂની માહિતી ચૅટ બૉટમાં જોવા મળી હતી. પહેલા દિવસે આવી ગરબડ સામે આવ્યા બાદ અમે રાત્રે બીએમસીની એચઆર સિસ્ટમ સાથે ચૅટ બૉટને લિન્ક કરી દીધું હોવાથી ભવિષ્યમાં આવી સમસ્યા નહીં આવે. ચૅટ બૉટ નંબર લૉન્ચ કરવામાં અમે કોઈ ઉતાવળ નથી કરી. હકીકતમાં કોરોનાના સમયમાં લોકોને ઘેરબેઠાં વધુ ને વધુ માહિતીની સાથે વિવિધ અરજીઓ કે સર્ટિફિકેટ સરળતાથી મળી શકે એ માટેની તૈયારી ક્યારનીયે આરંભી દીધી હતી, પણ મારા સહિતનો પચાસ ટકા સ્ટાફ કોવિડ પૉઝિટિવ થઈ જતાં થોડી મુશ્કેલી ઊભી થઈ છે. જોકે ટૂંક સમયમાં આખી સિસ્ટમ અપડેટ થઈ ગયા બાદ કોઈ મુશ્કેલી નહીં રહે.’

mumbai mumbai news brihanmumbai municipal corporation uddhav thackeray prakash bambhrolia