નવી મુંબઈમાં શિવસેનાએ માર્યાં એક કાંકરે બે પક્ષી

25 January, 2021 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈમાં શિવસેનાએ માર્યાં એક કાંકરે બે પક્ષી

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ગણેશ નાઈકનું એકહથ્થુ શાસન રહ્યું છે. એનસીપીમાંથી ગણેશ નાઈક તેમના સમર્થકો અને નગરસેવકો સાથે ગયા વર્ષે બીજેપીમાં જોડાયા હતા. જોકે રાજ્યમાં સત્તાનું સમીકરણ બદલાયા બાદ અનેક વિશ્વાસુઓએ ગણેશ નાઈકનો સાથ છોડ્યો હતો. આ સિલસિલો ચાલુ રહેતાં ગઈ કાલે પક્ષના વરિષ્ઠ ગણાતા ૧૧ ભૂતપૂર્વ નગરસેવકોએ બીજેપીમાંથી રાજીનામાં આપ્યાં હતાં. આથી નજીકના ભવિષ્યમાં યોજાનારી નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સમીકરણ બદલાવાની શક્યતા જોવાઈ રહી છે.

ગણેશ નાઈકના વિશ્વાસુ અને એકથી વધુ વખત નગરસેવક બનેલા અહીંના યાદવનગરમાં રહેતા રામઆશિષ યાદવ સહિત ૧૧ વરિષ્ઠ નેતાઓએ ગઈ કાલે બીજેપીમાંથી રાજીનામાં આપ્યાં હતાં. તેઓ શિવસેનામાં જોડાવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી થઈ રહી હતી.

નવી મુંબઈના દિઘા પરિસરમાં આવેલા યાદવનગરમાં રામઆશિષ યાદવનું પાલિકાની સ્થાપના થયા બાદથી એકહથ્થુ વર્ચસ્વ છે. વિધાનસભ્ય ગણેશ નાકના તેઓ કટ્ટર સમર્થક છે. પક્ષાંતર કરવા માટે પોતાના પર દબાણ થઈ રહ્યું હોવાનું કહીને તેમણે પોલીસ-પ્રોટેક્શનની માગણી કરી હતી.

શનિવારે બીજેપીમાંથી રાજીનામું આપ્યા બાદ રામઆશિષ યાદવ તેમના સમર્થકો સાથે થાણેમાં નગર વિકાસ પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં સામેલ થયા હતા. મહાનગરપાલિકાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે ત્યારે અનેક નેતાઓ, નગરસેવકો અને કાર્યકરો બીજેપી છોડીને શિવસેનામાં સામેલ થઈ રહ્યા હોવાથી બીજેપી માટે વધુ નેતાઓ પક્ષાંતર ન કરે એ જાળવી રાખવાનો પડકાર છે.

mumbai mumbai news navi mumbai shiv sena brihanmumbai municipal corporation