દશેરા રૅલી માટે શિવાજી પાર્ક પછી હવે બન્ને સેનાની નજર બીકેસી ગ્રાઉન્ડ પર

16 September, 2022 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઠાકરે સેનાના સંસદસભ્ય અરવિંદ સાવંતે એમએમઆરડીએના લૅન્ડ ઍન્ડ એસ્ટેટ સેલને પત્ર લખી એમએમઆરડીએ જી બ્લૉક ગ્રાઉન્ડ દશેરા રૅલી માટે બુક કરવાની માગણી કરી છે

ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે

એકનાથ શિંદેની સેના પોતાની વગ વાપરીને પાંચમી ઑક્ટોબરે યોજાનારી દશેરા રૅલી શિવાજી પાર્કમાં યોજી શકે છે એવી શક્યતાને ધ્યાનમાં રાખી ઉદ્ધવ ઠાકરેએ દશેરા રૅલી માટે બીકેસી ખાતે એમએમઆરડીએ ગ્રાઉન્ડ ભાડે મેળવવાની માગણી કરી છે ત્યારે એકનાથ શિંદે જૂથ દ્વારા પણ એમએમઆરડીએ ગ્રાઉન્ડ ભાડે મેળવવા અરજી કરવામાં આવી છે.

ઠાકરે સેનાના સંસદસભ્ય અરવિંદ સાવંતે એમએમઆરડીએના લૅન્ડ ઍન્ડ એસ્ટેટ સેલને પત્ર લખી એમએમઆરડીએ જી બ્લૉક ગ્રાઉન્ડ દશેરા રૅલી માટે બુક કરવાની માગણી કરી છે. સાવંતનો પત્ર જોકે ભારતીય કામગાર સેના-શિવસેના લેબર યુનિયનના લેટર હેડ પર લખવામાં આવ્યો છે, પરંતુ તેમણે પત્ર સાથે બુકિંગ-અમાઉન્ટના ૫૯૦૦ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ જોડ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે આ રૅલીમાં હાજરી આપશે.

‘અમે ભારતીય કામગાર સેનાની રૅલી માટે ગ્રાઉન્ડનું બુકિંગ કર્યું છે, શિવસેના માટે નહીં. શિવસેનાની રૅલી શિવાજી પાર્ક ખાતે જ યોજાશે,’ એમ અરવિંદ સાવંતે જણાવ્યું હતું.

દરમ્યાન ઠાકરે જૂથે બાવીસમી ઑગસ્ટે શિવાજી પાર્કમાં રૅલી યોજવા અરજી કરી હતી, ત્યાર બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથે પાંચમી સપ્ટેમ્બરે રૅલી માટે અરજી કરી હતી. સૂત્રોએ જણાવ્યા મુજબ મુખ્ય પ્રધાન શિંદેએ મંગળવારે રાત્રે તેમના વિધાનસભ્યોને કહ્યું હતું કે તેઓ તેમની દશેરા રૅલી કોઈ પણ સંજોગોમાં શિવાજી પાર્કમાં ‘શિવતીર્થ’ ખાતે જ યોજશે.

શિવાજી પાર્ક ખાતે સેનાની દશેરા રૅલી યોજવાની પરંપરા શિવસેના સુપ્રિમો બાળ ઠાકરેએ શરૂ કરી હતી. તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર અને હાલમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે રૅલીનું આયોજન કરે છે.  જોકે કોવિડ-૧૯ મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી આ રૅલી ઑનલાઇન યોજવામાં આવી હતી.

બીએમસીના અધિકારીએ કહ્યું હતું કે સુધરાઈના વડા આઇ. એસ. ચહલ આ અરજી પર અંતિમ નિર્ણય લેશે. જોકે તેમણે મેસેજનો જવાબ આપ્યો નહોતો. 

mumbai mumbai news dussehra shiv sena uddhav thackeray eknath shinde shivaji park