ભીવંડીમાં કૉન્ગ્રેસ-શિવસેનાના કાર્યકરો બાખડ્યા: પાંચનાં માથાં ફૂટ્યાં

16 January, 2021 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભીવંડીમાં કૉન્ગ્રેસ-શિવસેનાના કાર્યકરો બાખડ્યા: પાંચનાં માથાં ફૂટ્યાં

મહારાષ્ટ્રની ૧૪,૨૩૪ ગ્રામ પંચાયત માટે ગઈ કાલે મતદાન હાથ ધરાયું હતું ત્યારે કેટલેક સ્થળે હિંસાની ઘટના બની હતી. ભિવંડીમાં સત્તાધારી પક્ષ શિવસેના અને કૉન્ગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર ટકરાવ થયો હતો, જેમાં કેટલાંકના માથા ફૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

રાજ્યની સાથે ભિવંડી તાલુકાની ૫૩ ગ્રામ પંચાયતમાં પણ ગઈ કાલે મતદાન થયું હતું. રાજ્યમાં શિવસેના અને કૉન્ગ્રેસ સત્તામાં સાથે છે, પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. અહીંના સોનાળે ગામમાં ગઈ કાલે સવારે મતદાનની શરૂઆત થયા બાદ બંને પક્ષના ઉમેદવારો સહિત કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર હુમલો કરતાં કેટલાક લોકોના માથા ફૂટી ગયા હતા.

કૉન્ગ્રેસના વિજય પાટીલ અને શિવસેનાના સુનીલ હરડ, કૈલાસ પાટીલ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષના પાંચ લોકોને ઈજા પહોંચી હતી. જખમી યુવા કાર્યકરોને સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હોવાનું જાણવા મળ્યું હતું.

રાજ્યમાં સોલાપુર જિલ્લામાં પણ મતદાન બાબતે બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો કરાયો હતો. અહીંના હિપ્પરગા ગામની ઘટનામાં બંને ગ્રુપના કાર્યકર્તા સામ સામે આવી ગયા બાદ પહેલા તેમની વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને બાદમાં મારામારી પર તેઓ ઉતરી આવ્યા હતા. આવી જ રીતે દૌંડ તાલુકાના કુસેગાવમાં મતદાન કેન્દ્ર પરિસરમાં બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. જો કે પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને બાજી સંભાળી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news bhiwandi shiv sena congress