ડૉગીની સુપારી?

16 August, 2022 08:36 AM IST  |  Mumbai | Mehul Jethva

ભાઈંદરની એક સોસાયટીમાંથી ડૉગને હટાવવા માટે ૧૧,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા : ગાયબ થયેલા ડૉગની છેલ્લા ત્રણ દિવસથી ગોવંડી, નેરુળ, કામોઠે જેવા વિસ્તારમાં શોધખોળ ચલાવાઈ રહી છે

ગુમ ડૉગીને શોધી કાઢવા માટે ભારે જહેમત કરી રહ્યા છે લોકો

ભાઈંદર વિસ્તારમાં જૈન-ગુજરાતી વસ્તી ધરાવતી સોસાયટીમાં એક ડૉગને સોસાયટીમાંથી હટાવવા માટે સોસાયટીના કમિટી સભ્યોએ ૧૧,૦૦૦ રૂપિયાનો ચેક એક રિક્ષા-ડ્રાઇવરને આપ્યો હતો જે પછી રિક્ષા-ડ્રાઇવર ડૉગને બીજા વિસ્તારમાં છોડી આવ્યો હતો. જોકે ડૉગ ગાયબ થવાની વાત સોસાયટીમાં રહેતા ઍનિમલપ્રેમીઓને મળતાં તેઓએ ભાઈંદર પોલીસ સ્ટેશનમાં કમિટી સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એ સાથે ગુમ થયેલા ડૉગની છેલ્લા ત્રણ દિવસથી ગોવંડી, નેરુળ, કામોઠે વિસ્તારમાં શોધ ચલાવાઈ રહી છે.

ભાઈંદર-વેસ્ટ ૬૦ ફુટ રોડ પર આવેલી રતનશ્રી સોસાયટીમાં રહેતા તેજન ચિકાનીએ કરેલી ફરિયાદ અનુસાર સોસાયટીમાં એક ડૉગી હતો, જેને તેઓ સવાર-સાંજે ફીડ કરાવતા હતા. ૭ ઑગસ્ટની સાંજથી એ ડૉગી એકાએક ગાયબ થઈ ગયો હતો. તમામ તપાસ કર્યા પછી પણ એની કોઈ ભાળ લાગી નહોતી. અંતે સોસાયટીના વૉચમૅનને વિશ્વાસમાં લઈ પૂછતાં તેણે કહ્યું હતું કે ૭ ઑગસ્ટની વહેલી સવારે અજગર શેખ નામનો રિક્ષા-ડ્રાઇવર સોસાયટીમાં આવ્યો હતો, ત્યાર પછી સોસાયટીના સેક્રેટરી, ચૅરમૅને ડૉગીને ઉપાડી રિક્ષા-ડ્રાઇવરને સોંપ્યો હતો. સેક્રેટરી, ચૅરમૅનને ડૉગી વિશેની માહિતી ઍનિમલપ્રેમીએ પૂછતાં તેઓએ કોઈ ટ્રસ્ટ પાસે મોકલી આપ્યો હોવાની માહિતી આપી હતી, જ્યાં ડૉગીની તપાસ કરતાં એની કોઈ ભાળ લાગી નહોતી. અંતે ચૅરમૅન હિરલ જૈન, સેક્રેટરી નિપેશ પટેલ, ટ્રેઝરર પ્રકાશ શાહની વિરુદ્ધમાં ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તેજન ચિકાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી સોસાયટીમાં આશરે છ વર્ષની ફીમેલ ડૉગી હતી, જેને હું અને સોસાયટીનો અન્ય એક જણ રોજ ફીડ કરાવતા હતા. ૭ ઑગસ્ટે એ ગુમ થઈ ગઈ હતી. ત્યાર પછી મારી સાથે અન્ય કેટલાક ઍનિમલ ઍક્ટિવિસ્ટો એને છેલ્લા ત્રણ દિવસથી ગોવંડી, નેરુળ જેવા વિસ્તારોમાં શોધી રહ્યા છે.’

અન્ય એક ઍક્ટિવિસ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રિક્ષા-ડ્રાઇવર ડૉગીને લઈ ગયો હતો એની અમે શોધ કરી લીધી છે જેણે અમને બેથી ત્રણ અલગ-અલગ જગ્યા કહી હતી જ્યાં અમારી સાથેના બીજા ઍનિમલ ઍક્ટિવિસ્ટો એની શોધ ચલાવી રહ્યા છે.’

ભાઈંદર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મુગુટરાવ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે સોસાયટીના પદાધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં રિક્ષા-ડ્રાઇવર ડૉગીને ક્યાં લઈ ગયો અને કોના કહેવા પર લઈ ગયો એની તપાસ કરાઈ રહી છે.’ 

mumbai mumbai news bhayander mumbai police mehul jethva