27 May, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાઈંદરના દેવચંદનગરની જૂની ઇમારતો અને રહેવાસીઓએ સમસ્યા બાબતે રવિવારે બોલાવેલી બેઠકમાં અનેક પરિવાર સામેલ થયા હતા.
ભાઈંદર-વેસ્ટમાં સ્ટેશન રોડ અને બાવન જિનાલય દેરાસરને અડીને આવેલા દેવચંદનગરમાં ૪૦થી ૫૦ વર્ષ જૂની ૧૫૦ જેટલી ઇમારતો આવેલી છે, જેમાં મોટે ભાગે ગુજરાતી અને રાજસ્થાની જૈનોના ૧૦૦૦ પરિવાર વસે છે. અહીંની મોટા ભાગની ઇમારતો જર્જરિત થઈ ગઈ છે અને એમનું રીડેવલપમેન્ટ કરવું જરૂરી છે. જોકે પાંચ વર્ષથી ક્લસ્ટર ડેવલપમેન્ટની રાજ્ય સરકારે જાહેરાત કરી હોવા છતાં એ પ્રમાણે કામ થઈ નથી રહ્યું અને ચોમાસું માથા પર છે ત્યારે આ રહેવાસીઓએ જીવના જોખમે રહેવું પડી રહ્યું છે. ક્લસ્ટર રીડેવલપમેન્ટના મુદ્દાનો ઉકેલ રાજ્ય સરકાર, સ્થાનિક જનપ્રતિનિધિ કે સુધરાઈ દ્વારા નહીં લાવવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય રવિવારે થયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.
ભાઈંદર-વેસ્ટમાં આવેલા દેવચંદનગરની રીડેવલપમેન્ટની સમસ્યાના ઉકેલ માટે રવિવારે રાણીસતી માર્ગ રહેવાસી સંઘ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. આ વિશે સ્થાનિક રહેવાસી મુકેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્લમના ક્લસ્ટર રીડેવલપમેન્ટ માટેની ક્લસ્ટર યોજના મુજબ દેવચંદનગરને રીડેવલપ કરવા માટે પાંચ વર્ષ પહેલાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે. અમારી મોટા ભાગની ઇમારતો ૪૦થી ૫૦ વર્ષ જૂની છે અને એમાંનાં ઘણાં બિલ્ડિંગ જોખમી પણ છે. વર્ષો પહેલાં ઘણાં બિલ્ડિંગમાં બે માળની મંજૂરી હતી અને ચાર માળ બાંધી દેવામાં આવ્યા છે. આથી ક્લસ્ટર રીડેવલપમેન્ટના નિયમોમાં ઘણી ઇમારત બેસતી નથી. આવી સ્થિતિ હતી તો ક્લસ્ટર રીડેવલપમેન્ટનું માર્કિંગ શા માટે કરવામાં આવ્યું એ અમને સમજાતું નથી. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વખતે અત્યારના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ આ સમસ્યાનો ઉકેલ લાવવાનું વચન આપ્યું હતું. આ વાતને એક વર્ષ થઈ ગયું છે, પણ કોઈ ઉકેલ આવ્યો નથી. ચોમાસું માથા પર છે ત્યારે કોઈ બિલ્ડિંગ તૂટી પડશે તો અનેક લોકોના જીવ જશે. આવી ઘટના બનશે તો એના માટે કોણ જવાબદાર રહેશે? રાજ્ય સરકાર, સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા કે સુધરાઈ દ્વારા આ બાબતે ઉકેલ નહીં લાવવામાં આવે તો અમે સુધરાઈની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું.’
વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે ‘ક્લસ્ટર યોજનાની ખામી બાબતે રાજ્ય સરકારના ટાઉન પ્લાનિંગ વિભાગના સેક્રેટરી સાથે બેઠક થઈ છે. જોકે તેમના તરફથી હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. દેવચંદનગરના રહેવાસીઓની સાથે અમે ઊભા છીએ. તેઓ આંદોલન કરશે તો અમે પણ એમાં જોડાઈશું.’