મહિલાઓની લક્ષ્મી ચોરવા માટે દિલ્હીની લક્ષ્મીએ બોરીવલીને બનાવ્યું કર્મભૂમિ

16 May, 2025 08:56 AM IST  |  Mumbai | Shirish Vaktania

દિલ્હીથી પતિ સાથે મુંબઈ ફરવા માટે આવતી, હોટેલમાં ૩-૪ દિવસ રોકાતી અને સ્ટેશન પર પિકપૉકેટિંગ કરીને પાછી જતી રહેતી લક્ષ્મી સોલંકી : પતિનો દાવો છે કે તેને પત્નીની આ ચોરીની પ્રવૃત્તિની જાણ જ નથી

લક્ષ્મીને ઝડપીને તેની પાસેથી ચોરેલા દાગીના પાછા મેળવનાર રેલવે પોલીસની બાંદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમના સભ્યો.

બોરીવલી રેલવે-સ્ટેશન પર મહિલા પ્રવાસીઓની બૅગમાંથી તેમની જ્વેલરી, મોબાઇલ, પૈસા ચોરી કરનાર ૩૦ વર્ષની લક્ષ્મી વિનોદ સોલંકીને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ની બાંદરા ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી લીધી છે. લક્ષ્મી તેના પતિ સાથે મુંબઈ આવીને બોરીવલી સ્ટેશન પાસેની એકાદ હોટેલમાં ૩-૪ દિવસ રહેતી અને બોરીવલી સ્ટેશન પર ખાસ કરીને પીક અવર્સમાં મહિલાઓની બૅગમાંથી જ્વેલરી, પૈસા અને મોબાઇલ તફડાવી લેતી હતી. નવાઈની વાત એ છે કે તેના પતિએ એવો દાવો કર્યો છે કે તેને લક્ષ્મી આવી રીતે ચોરી કરે છે એની જાણ જ નહોતી.

લક્ષ્મીએ બે વર્ષ પહેલાં વિનોદ સોલંકી સાથે લગ્ન કર્યાં હતાં. આ તેનાં બીજાં લગ્ન છે. લગ્ન પછી તે પતિ સાથે દિલ્હીમાં રહેતી હતી. તેની એક બહેન બરોડામાં રહે છે.

લક્ષ્મી કઈ રીતે પકડાઈ એ વિશે GRPના એક ઑફિસરે માહિતી આપતાં કહ્યું હતું કે ‘બોરીવલીના કપડાંના વેપારી મોહનલાલ રાજપુરોહિત ૨૯ એપ્રિલે તેમની પત્ની મમતા અને દીકરા પ્રિયાંશને બોરીવલી છોડવા આવ્યા હતા. તે બન્ને વસઈથી ગામ જનારી ટ્રેન પકડવાનાં હતાં. સાવચેતીની દૃષ્ટિએ મમતાએ તેનું મંગળસૂત્ર, સોનાની ચેઇન અને સોનાની કાનની બુટ્ટી એમ કુલ મળી પાંચ લાખના દાગીના તેની હૅન્ડબૅગમાં મૂકી દીધા હતા. મમતા જ્યારે બોરીવલીથી ટ્રેનમાં ચડી ત્યારે લક્ષ્મીએ ગિરદીનો ગેરલાભ લઈને તેની બૅગમાંથી એ દાગીના ચોરી લીધા હતા. મમતાએ વસઈ જઈને બૅગ ચેક કરી તો તેને જાણ થઈ કે તેના દાગીના ચોરાઈ ગયા છે. એથી તેણે તરત જ પતિને ફોન કર્યો હતો. આ બાબતે પોલીસ-ફરિયાદ થઈ હતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં એમાં દાગીના તફડાવતી લક્ષ્મી નજરે ચડી ગઈ હતી. વધુ તપાસ કરતાં લક્ષ્મી બોરીવલીની હોટેલમાં રહેતી હતી એવી ખબર પડી હતી. હોટેલમાંથી તેનું દિલ્હીનું ઍડ્રેસ મળી આવ્યું હતું. ત્યાં જઈને પણ તપાસ કરવામાં આવી હતી, પણ તે હાથ લાગી નહોતી.’

લક્ષ્મી હાલમાં ફરી એક વખતે તેના ફેવરિટ સ્પૉટ બોરીવલી પાછી ફરી હતી અને પતિ સાથે હોટેલમાં ઊતરી હતી. હોટેલના સ્ટાફે તેને ઓળખી કાઢી હતી અને તરત જ પોલીસને જાણ કરતાં પોલીસે તેને ઝડપી લીધી હતી. તેની પાસેથી મમતા રાજપુરોહિતની જ્વેલરી પણ હસ્તગત કરવામાં આવી હતી. જોકે આ કેસમાં લક્ષ્મીનો પતિ જે દિલ્હીની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેણે કહ્યું હતું કે તેને લક્ષ્મીની આ ચોરી કરવા બાબતની કશી જ જાણ નથી. તપાસ દરમ્યાન એવું પણ જાણવા મળ્યું હતું કે લગ્ન પહેલાં એક વાર લક્ષ્મી પકડાઈ પણ હતી. જોકે એ પછી તેને એ કેસમાં છોડી મૂકવામાં આવી હતી.

crime news mumbai crime news news borivali new delhi mumbai mumbai police mumbai news