એપીએમસીના મસાલાબજારના વેપારીઓની ધમકી...ચોમાસામાં કંઈ થયું તો મુંબઈને માલની સપ્લાય બંધ થશે

19 June, 2022 10:39 AM IST  |  Mumbai | Rohit Parikh

ચોમાસું શરૂ થયું છતાં વર્ષો જૂની રસ્તાઓ અને ગટરોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં એપીએમસી સદંતર નિષ્ફળ જતાં વેપારીઓ હવે બરાબરના વીફર્યા છે

નવી મુંબઈના મસાલાબજારમાં ખુલ્લા પડેલા ઇલેક્ટ્રિ‍ક કેબલો, મસાલાબજારની ‘ડી’ વિન્ગ પાસે દુર્ઘટના સર્જી શકે એવો મોટો ખાડો

નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી (ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માર્કેટમાં વર્ષોથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં એપીએમસી નિષ્ફળ ગઈ છે. રસ્તાઓની અને ગટરોની હાલત એકદમ ખરાબ હોવાથી આ ચોમાસામાં પણ આ માર્કેટમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ સમસ્યાઓથી ત્રસ્ત થઈ ગયેલા મસાલાબજારના વેપારીઓએ એપીએમસી સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું છે કે જો આ ચોમાસામાં પાણી ભરાયા બાદ એક પણ દુર્ઘટના બની તો અમે મુંબઈને માલ સપ્લાય કરવાનું બંધ કરી દઈશું, ભલે પછી માર્કેટમાં ભાવમાં ઉછાળો આવે.

અમે કરોડો રૂપિયાનો ટૅક્સ ભરતા હોવા છતાં અમારી માર્કેટમાં જર્જિરિત રસ્તાઓનું નૂતનીકરણ કરવામાં આવતું નથી, અમારા એક પણ નાળાનું કે ગટરની લાઇનનું નૂતનીકરણ થતું નથી અને એની સાફસફાઈ પણ થતી નથી એમ જણાવીને બૉમ્બે મૂડીબજાર કરિયાણાં મર્ચન્ટ્સ અસોસિએશનના ભૂતપૂર્વ ચૅરમૅન અમરીશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વર્ષોથી ફક્ત ટૅક્સ જ ભરીએ છીએ. એની સામે અમે અનેક સિવિક સુવિધાઓથી વંચિત છીએ. છેલ્લાં અઢી વર્ષમાં અમારી માર્કેટમાં એપીએમસી તરફથી કોઈ જ વિકાસકાર્ય કરવામાં આવ્યું નથી. ફક્ત એપીએમસીના ચૅરમૅને અને અન્ય અધિકારીઓએ વાયદા પર વાયદા આપવા સિવાય એક પણ કાર્ય આજ સુધી કર્યું નથી. એને કારણે ચોમાસામાં દુર્ઘટના થવાના પૂરા ચાન્સિસ છે. રસ્તાઓની અને ગટરોની ભયંકર ખરાબ હાલતને લીધે અમારી  માર્કેટમાં દુર્ઘટના સામાન્ય બની ગઈ છે.’

ચોમાસામાં પાણી ભરાવાથી લાખો રૂપિયાના માલનું નુકસાન થાય છે એમ જણાવતાં નવી મુંબઈ કૉમોડિટીઝ બ્રોકર્સ અસોસિએશનના પ્રમુખ ભીમજી શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મસાલાબજારની આસપાસની ગટરો અને રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. ‘ડી’ વિંગ ૬૪ પાસે તો મોટો ખાડો પડી ગયો છે. ગમે ત્યારે ત્યાં કોઈ ટ્રક ઊલટી થઈ જાય એવી પરિસ્થિતિ હોવા છતાં એપીએમસી હાથ જોડીને બેઠી છે. ચોમાસામાં પાણી ભરાવાથી દુકાનો અને ગોડાઉનો બન્નેમાં ભારે નુકસાન થાય છે. હમણાં થોડા વરસાદમાં પણ પહેલા માળ સુધી ડ્રેનેજલાઇન ભરાઈ ગઈ હતી. આખરે પાઇપ તોડીને ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.’

એપીએમસીએ થોડા સમય પહેલાં રસ્તા અને ગટરોના નૂતનીકરણનું ટેન્ડર કાઢ્યાની વાત કરી હતી એમ જણાવતાં અમરીશ બારોટે કહ્યું હતું કે ‘હવે અમને ખબર પડી છે કે પ્રશાસને જૂનું ટેન્ડર કૅન્સલ કરીને ફરીથી નવું ટેન્ડર કાઢ્યું હતું. આનાથી હવે વેપારીઓ ત્રાસી ગયા છે. ચોમાસામાં તો અમારી હાલત બદતર થવાની છે. પાણી ભરાય તો પમ્પ લગાડવામાં આવે છે, પરંતુ આનો કાયમી ઉકેલ એપીઅમેસીના ડિરેક્ટરો કે પ્રશાસન પાસે નથી. આ સંજોગોમાં જો હવે આ ચોમાસામાં પાણી ભરાયાં કે કોઈ દુર્ઘટના થઈ તો અમે એવો માહોલ ઊભો કરીશું કે વેપારીઓ તેમના માલની સપ્લાય જ બંધ કરી દેશે. એને કારણે આવનારાં પરિણામો માટે એપીએમસી જવાબદાર રહેશે.’

અમરીશ બારોટ અને ભીમજી શાહની ફરિયાદો અને તેમના આક્રોશ સામે મસાલાબજારના એપીએમસીના ડિરેક્ટર વિજય ભુતાનો સંપર્ક કરવાની બે દિવસથી કોશિશ કરવા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

એપીએમસીના ચૅરમૅન અશોક દગે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રસ્તાઓની હાલત તો સારી છે. અમને એની કોઈ ફરિયાદ મળી નથી. જેની ફરિયાદ હોય તેમને અમારી પાસે મળવા મોકલો. જો રસ્તા અને ગટરો ખરાબ હશે તો અમે એને રિપેર કરાવી આપીશું. ચિંતા કરવાનું કોઈ કારણ નથી.’

જોકે તેઓ ટેન્ડર બાબતના સવાલનો જવાબ આપી શક્યા નહોતા.

mumbai mumbai news apmc market rohit parikh