એપીએમસીના ડ્રાયફ્રૂટ્સના વેપારી સાથે થઈ ૮૨ લાખ રૂપિયાની છેતરપિંડી

10 January, 2022 08:50 AM IST  |  Mumbai | Mehul Jethva

પહેલાં ૧૫ લાખ રૂપિયાનાં કાજુ, બદામ, અંજીર વગેરે લીધા પછી વિશ્વાસ જીતીને ધીરે-ધીરે આટલા રૂપિયાનો માલ લીધો અને ગૂલ થઈ ગયો : તેની કંપનીનું ઍડ્રેસ પણ બોગસ નીકળ્યું

પ્રતીકાત્મક તસવીર

એપીએમસીની મસાલા માર્કેટમાં ડ્રાયફ્રૂટ્સના એક વેપારી પાસેથી એક યુવકે ૮૨ લાખ રૂપિયાનાં ડ્રાયફ્રૂટ્સ લઈને છેતરપિંડી કરી હોવાની ઘટના એપીએમસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જોકે હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આરોપીએ પહેલાં ૧૫ લાખ રૂપિયાનાં કાજુ, બદામ, અંજીર વગેરે ડ્રાયફ્રૂટ્સ લીધાં હતાં જેના પૈસા તેણે બીજા દિવસે આપી દીધા હતા. એ પછી વેપારીનો વિશ્વાસ જીતીને તેણે ૮૨ લાખ રૂપિયાનો માલ લીધો હતો અને એના પૈસા આપ્યા નહોતા. વેપારીએ તેનો સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે તેનો ફોન-નંબર બંધ આવ્યો હતો. તેણે આપેલા ઑફિસના ઍડ્રેસ પર તપાસ કરતાં ત્યાં તેની કોઈ ઑફિસ ન હોવાનું વેપારીને જાણવા મળ્યું હતું.
મસાલા માર્કેટમાં સેક્ટર ૧૦માં આવેલા એફ-૧૦માં વ્યવસાય કરતા વેપારી અમૃત ઢળવેની એક દલાલ મારફત અનિલ રાજગુરુકર સાથે મુલાકાત થઈ હતી. તેણે પોતાની ઑફિસ કોપરખૈરણેમાં હોવાનું જણાવ્યું હતું. અનિલે પોતાની ઓળખ ડ્રાયફ્રૂટ્સના સપ્લાયર તરીકે આપી હતી અને થાણે, મુંબઈ, નવી મુંબઈમાં તેનો માલ જતો હોવાનું કહ્યું હતું. એ પછી તેને ડ્રાયફ્રૂટ્સની જરૂર હોવાની માહિતી આપી હતી અને પહેલી વખત ૧૫ લાખ રૂપિયાનો માલ લીધો હતો જેનું પેમેન્ટ બીજા દિવસે કરી દીધું હતું. એ પછી વધુ માલ જોઈતો હોવાની લાલચ આપીને ૮૨ લાખ રૂપિયાનો માલ ધીમે-ધીમે કરીને અનિલે લીધો હતો જેના પૈસા આપવા માટે તે ટાળ-ટાળ કરતો હતો. માલ લીધા પછી અનિલે પોતાનો મોબાઇલ બંધ કરી દેતાં અમૃત ઢળવે તેની કંપનીના ઘનસોલી વિસ્તારના ઍડ્રેસ પર પહોંચ્યો હતો. ત્યાં તેને જાણવા મળ્યું કે અહીં આવી કોઈ કંપની જ નથી. એટલે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતાં તેણે એપીએમસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એપીએમસી પોલીસ સ્ટેશન એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’

mumbai mumbai news Crime News mumbai crime news apmc market mehul jethva