આ લોકોને માણસ કહેવા કે પછી...

24 September, 2022 10:11 AM IST  |  Mumbai | Mehul Jethva

પહેલા કિસ્સામાં ડૉગીને મારનાર યુવાન સામે ફરિયાદ નોંધાઈ, જ્યારે બીજામાં મુલુંડના એક ડૉક્ટરે પોતાની કાર ડૉગી પર ચડાવી દેતાં એનું મૃત્યુ થયું

ઘાટકોપરમાં સીસીટીવી કૅમેરાનું ફુટેજ જોઈને આરોપીને શોધી રહેલી પોલીસ અને ડૉગીને મારવાનો વાઇરલ થયેલો વિડિયો.

મુંબઈ અને વસઈ-વિરાર પોલીસે (Mumbai and Vasai-Virar Police) પ્રાણીઓ પર અત્યાચાર કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો તમામ પોલીસ સ્ટેશનોને (Police Station) આદેશ આપ્યો છે. એ પછી મુંબઈ સાથે વસઈ-વિરાર કમિશનર રેન્જમાં પ્રાણીઓ પર થતા હુમલાની અનેક ફરિયાદો નોંધવામાં આવી રહી છે. મુલુંડ અને ઘાટકોપરમાં આવી જ બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એક કિસ્સામાં ડૉગીને માર મારનાર સામે ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે બીજી ફરિયાદમાં મુલુંડમાં રહેતા એક ડૉક્ટરે પોતાની કાર ડૉગી પર ચડાવી દેતાં એનું મૃત્યુ થયું હતું.

ઘાટકોપરની કામા લેનમાં રહેતા ઍનિમલ ઍક્ટિવિસ્ટ બ્રિજ ભાનુશાલીએ કરેલી ફરિયાદ અનુસાર ૨૦ સપ્ટેમ્બરે સાંજે છ વાગ્યે ઘાટકોપર-વેસ્ટમાં ગૈબશાબાબા દરગાહ પાસે એક યુવાન એક ડૉગીને માર મારતો હોવાનો વિડિયો મારી પાસે આવ્યો હતો. એમાં એક યુવાન લાકડી વડે આ મૂંગા પ્રાણીને મારી રહ્યો હોવાનું દેખાઈ આવ્યું હતું. મેં તરત ઘટનાસ્થળે જઈને ડૉગીને ઇલાજ માટે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. બે દિવસ એનો ઇલાજ હૉસ્પિટલમાં ચાલ્યો હતો અને ૨૨ સપ્ટેમ્બરે સવારે તેનું મૃત્યુ થયું હતું. એ પછી અમે ડૉગીને માર મારનાર યુવાન સામે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઓમ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ઍનિમલ ઍક્ટિવિસ્ટ બ્રિજ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પાસે ૨૨ સપ્ટેમ્બરે ડૉગીને માર મારવાની બે ફરિયાદ આવી હતી. એકમાં ઘાટકોપર-વેસ્ટમાં ડૉગીને એક યુવાને લાકડીથી માર માર્યો હતો જેમાં એને ઈજા થઈ હતી. બીજા કેસમાં મુલુંડમાં રુણવાલ ગ્રીન્સમાં રહેતા એક ડૉક્ટરે પોતાની કારથી ડૉગીને અડફટે લીધો હતો, જેમાં ડૉગીનું મૃત્યુ થયું હતું. બંને કેસમાં મેં પોલીસમાં ફરિયાદ કરી છે.’

આ પણ વાંચો : ઉઘરાણી કરવા ગયા, મળ્યું મોત

ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાઓની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે અમે આરોપીને શોધી રહ્યા છીએ.’

Mumbai mumbai news mumbai police mehul jethva