શહેરની તમામેતમામ સોસાયટીઓ માટે આ ન્યુઝ છે મહત્ત્વના

17 November, 2022 10:50 AM IST  |  Mumbai | Mehul Jethva

અંધેરીમાં આવેલી એક સોસાયટીના પદાધિકારીઓ બિલ્ડિંગના તમામ ગેટ બંધ રાખતા હોવાથી ગુજરાતી રહેવાસીને પોતાની પત્નીને હૉસ્પિટલ લઈ જવામાં થઈ તકલીફ : કંટાળેલા રહેવાસીએ ફરિયાદ કરતાં પોલીસે ઑફિસ-બેરર સામે નોંધ્યો કેસ

અંધેરીમાં આવેલી અભિજિત સોસાયટી

અંધેરીમાં રહેતા કપડાંના સિનિયર સિટિઝન વેપારીનાં પત્નીની તબિયત એકાએક બગડતાં તેમને હૉસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી પડી હતી. બિલ્ડિંગની બહાર લઈ જવા માટે સોસાયટીનો ગેટ ખોલવામાં આવ્યો ન હોવાથી વેપારીનાં પત્નીને મોડો ઇલાજ મળ્યો હતો. એ પછી વેપારીએ પોલીસને ઘટનાની જાણ કરતાં મેઘવાડી પોલીસ સ્ટેશને સોસાયટીના પદાધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓની ધરપકડ થઈ શકે એવી શક્યતા છે.

અંધેરી-ઈસ્ટમાં શેર-એ-પંજાબ હોટેલ નજીક અભિજિત અપાર્ટમેન્ટમાં રહેતા ૬૮ વર્ષના જયંત ચંપકલાલ શાહે ફરિયાદ કરતાં કહ્યું હતું કે ‘છેલ્લાં ૩૦ વર્ષથી હું આ સોસાયટીમાં રહું છે. ૨૦૨૨માં સોસાયટીમાં નવી કમિટી ફર્મ થતાં ૧૫ મેમ્બર સહિત સેક્રેટરી ડેરલ ડિકોસ્ટા, ચૅરમૅન હરીશ શેનોય અને ટેઝરરપદ પર પ્રસાદ આચાર્ય આવ્યા હતા. એ પછી સોસાયટીના ચારેય મોટા ગેટને લૉક કરી રાખવામાં આવતા હતા, જેની અનેક વાર મેં ફરિયાદ કરી હતી. ૧૩ ઑક્ટોબરે મારી પત્ની સ્મિતાની તબિયત એકાએક બગડતાં તેને હૉસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. ફ્લૅટમાંથી ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ આવી સોસાયટીની બહાર જવાનો પ્રયત્ન કરતાં તમામ ગેટ બંધ હોવાથી સેક્રેટરી પાસેથી એની ચાવીની માગણી કરતાં તેમણે એ આપવાનો ઇનકાર કર્યો હતો. અંતે હું સોસાયટીના ગેટનું તાળું તોડીને મારી પત્નીને હોલી સ્પિરિટ હૉસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં તપાસતાં તેને પૅરૅલિસિસનો માઇનર અટૅક આવ્યો હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. એ પછી હૉસ્પિટલમાંથી ઘરે આવી ચોથી નવેમ્બરે સોસાયટીના પદાધિકારીઓ સામે ગેટની વાત મૂકતાં તેમણે મને જોઈ લેવાની ધમકી પણ આપી હોવાથી મારી તબિયત બગડતાં ગઈ કાલે મેં તમામ વાતો પોલીસ સામે રાખતાં મેઘવાડી પોલીસ સ્ટેશને સોસાયટીના સેક્રેટરી, ટ્રેઝરર અને ચૅરમૅન પર ક્રિમિનલ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.’  

આ બાબતે જયંત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું, મારી વાઇફ અને મારી પુત્રી ત્રણ જણ જ ઘરમાં રહીએ છીએ. હું અને મારી પત્ની બન્ને સિનિયર સિટિઝન હોવાથી અવારનવાર બીમાર પડીએ છીએ. નવા પદાધિકારીઓ આવ્યા પછી તેમણે પોતાના કાયદા સોસાયટીમાં ચલાવવાની શરૂઆત કરી હતી. મારે ઘરે ક્યારે આવવું, ક્યારે જવું એ મારા પર આધાર રાખે છે. સોસાયટીના બધા ગેટ બંધ રાખી તમામ રહેવાસીઓને પદાધિકારીઓ પરેશાન કરી રહ્યા છે. હવે પોલીસ પાસે કડક કાર્યવાહીની આશા છે.’

મેઘવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ પિંપલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. વધુ માહિતી આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

mumbai mumbai news andheri mehul jethva