અંધેરીના યુવાને સાઇબર ફ્રૉડમાં ૩૯ લાખ ગુમાવ્યા

25 September, 2022 10:25 AM IST  |  Mumbai | Mehul Jethva

સાઇબર ગઠિયાએ ઇન્શ્યૉરન્સની રકમ એકસાથે મેળવી આપવાની લાલચ આપીને તેની પાસેથી ચાર મહિનામાં આટલા રૂપિયા પડાવી લીધા

પ્રતીકાત્મક તસવીર

સાકીનાકામાં રહેતા અને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા ૩૨ વર્ષના યુવાને કોવિડ દરમિયાન પોતાનો ઇન્શ્યૉરન્સ કઢાવ્યો હતો. બેથી ત્રણ મહિના એનું પ્રીમિયમ ભર્યા પછી એ વધારે આવતાં તેણે પ્રીમિયમ ભરવાનુ બંધ કર્યું હતું. એ પછી તેને મે મહિનામાં એક યુવતીનો ફોન આવ્યો હતો. તેણે ઇન્શ્યૉરન્સની રકમ એકસાથે મેળવી આપવાની લાલચ આપીને યુવાન પાસેથી ચાર મહિનામાં ૩૯ લાખ રૂપિયા પડાવ્યા હતા. એ પછી પણ ઇન્શ્યૉરન્સના પૈસા ન મળતાં અંતે છેતરપિંડીનો શિકાર થયો હોવાનું સમજાતાં તેણે સાઇબર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

અંધેરી-ઈસ્ટમાં ૯૦ ફીટ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત માદેવા નોરે કરેલી ફરિયાદ અનુસાર કોવિડ દરમિયાન મૅક્સ લાઇફ ઇન્શ્યૉરન્સની પૉલિસી તેણે પોતાના માટે લીધી હતી. બીજી મેએ તેને એક મહિલાનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે ‘તમે ઇન્શ્યૉરન્સ પૉલિસી માટે ભરેલા ૧.૧૯ લાખ રૂપિયા કંપનીએ પેટ્રોલની એક કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા હતા જેના હાલમાં બે લાખ રૂપિયા થઈ ગયા છે. જો તમારે એ મેળવવા હોય તો તમે તરત ૨૫,૦૦૦ રૂપિયા ભરી દો.’ બે લાખ રૂપિયા મેળવવાની લાલચમાં તેણે ૨૫,૦૦૦ રૂપિયા ભરી દીધા હતા. એ પછી તેને બે દિવસ રહીને બીજા એક યુવકનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે તમારા બે લાખ રૂપિયા કંપનીએ શૅરમાર્કેટમાં એક શૅર પર લગાડ્યા હતા જેના હાલમાં પાંચ લાખ રૂપિયા થઈ ગયા છે અને એ મેળવવા માટે તમારે ૫૮,૦૦૦ રૂપિયા વધુ ભરવા પડશે. પાંચ લાખ રૂપિયા મેળવવાની લાલચમાં તેણે વધુ ૫૮,૦૦૦ રૂપિયા ભરી દીધા હતા. એમ ધીરે-ધીરે કરીને ૨૦ ઑગસ્ટ સુધીમાં કુલ ૩૯ લાખ રૂપિયા તેણે ભરી દીધા હતા. અંતે ઇન્શ્યૉરન્સના કોઈ પૈસા ન મળતાં શંકા જતાં તેણે વધુ તપાસ કરી હતી, જેમાં પોતે સાઇબર છેતરપિંડીનો શિકાર થયો હોવાનું સમજાતાં વેસ્ટ રીજન સાઇબર વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.સાઇબર ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે ફરિયાદ આવતાં અમે ફરિયાદીના પૈસા અટકાવવાની કોશિશમાં હતા જેનું હજી પણ કામ ચાલી રહ્યું છે. ૨૨ સપ્ટેમ્બરે અમે એફઆઇઆર નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ કુલ ૨૦ ટ્રાન્ઝૅક્શનમાં આટલા પૈસા અલગ-અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે.’ 

mumbai mumbai news Crime News cyber crime andheri mehul jethva