બાંદરાથી સાંતાક્રુઝ થર્ડ વેવના હૉટસ્પૉટ

18 January, 2022 08:46 AM IST  |  Mumbai | Prajakta Kasale

જોકે વિલે પાર્લેથી જોગેશ્વરી વચ્ચે પણ કોવિડ કેસ છે, પરંતુ અહીં વસ્તીય ઘણી વધારે છે

બાંદરાના વન્ડરલૅન્ડમાં ૨૯ ડિસેમ્બરે જમા થયેલી મેદની (તસવીર : શાદાબ ખાન)

કોવિડ-19ની ત્રીજી લહેરની સૌથી વધુ અસર બાંદરા, ખાર અને સાંતાક્રુઝને આવરી લેતા ‘એચ’-વેસ્ટ વૉર્ડમાં જોવા મળી છે. છેલ્લા ૨૬ દિવસમાં આ વિસ્તારમાં ૧૨,૮૫૧ નવા કેસ ઉમેરાયા છે, જે માર્ચ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે નોંધાયેલા કુલ કેસના લગભગ ૪૨ ટકા જેટલા છે. નાગરિક અધિકારીઓએ જણાવ્યા મુજબ આ વધારો આ વિસ્તારમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની વસ્તી વધુ હોવાને કારણે નોંધાયો છે.  
દૈનિક કોવિડના કેસ વધવાની શરૂઆત ડિસેમ્બર ૨૦૨૧ના ત્રીજા અઠવાડિયાથી થઈ છે અને ૧૬ જાન્યુઆરી ૨૦૨૨ સુધી બીએમસીએ વધુ ૧.૬૨ લાખ કેસ નોંધ્યા છે. જોગેશ્વરીથી વિલે પાર્લે સુધીના ‘કે’-વેસ્ટ વૉર્ડમાં ૧૮,૮૦૯ કેસ નોંધાયા છે. જોકે આ વિસ્તારની કુલ વસ્તી ૭.૭૪ લાખ છે, જે ‘એચ’-વેસ્ટ વૉર્ડના ૩.૧૮ લાખ કરતાં બમણાથી વધારે છે. અહીં ‘કે’-વેસ્ટ વૉર્ડમાં માર્ચ ૨૦૨૦થી ડિસેમ્બર, ૨૦૨૧ દરમ્યાન કોવિડના કેસમાં ૩૨.૫ ટકાનો વધારો નોંધાયો છે, જે ‘એચ’-વેસ્ટ વૉર્ડ કરતાં ઓછો છે. 
‘કે’-વેસ્ટ વૉર્ડ સૌથી વધુ વસ્તી ધરાવે છે. અહીં કેસનું પ્રમાણ ઊંચું છે  અને આ વૉર્ડના મોટા ભાગના રહેવાસીઓ હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહે છે એથી આ વૉર્ડમાં કેસના આંકડાની તુલના અન્ય વૉર્ડના આંકડા સાથે કરી શકાય નહીં એમ ‘કે’-વેસ્ટ વૉર્ડના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. 
ત્રીજી લહેરમાં મલબાર હિલ અને તાડદેવને આવરી લેતા ‘ડી’ વૉર્ડમાં પણ અન્ય વિસ્તાર કરતાં કેસનું પ્રમાણ વધુ છે. બે લાખ કરતાં ઓછી વસ્તી ધરાવતા ‘એ’ વૉર્ડમાં પણ કેસમાં ૩૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ ઉપરાંત આ વખતે ‘એમ’-વેસ્ટ વૉર્ડ (ઘાટકોપર) અને ‘કે’-ઈસ્ટ (જોગેશ્વરીથી વિલે પાર્લે)માં પણ વધુ કેસ નોંધાયા છે. 
જોકે આ શહેરનો એ વૈભવી વિસ્તાર છે, જ્યાં સેલિબ્રિટીઝ રહે છે, જેઓ આ વખતે મોટા પ્રમાણમાં કોવિડ-સંક્રમિત છે. 
‘એચ’-વેસ્ટ વૉર્ડમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની વસ્તી વધુ છે. અહીં કેસમાં વધારો ત્રીજી લહેરની શરૂઆતના સમયમાં જ વધતો નોંધાયો હતો. સૌથી વધુ કેસ નવા વર્ષની ઉજવણીમાં નોંધાયા હતા. હવે જોકે સંક્રમણ ઘટી રહ્યું છે એમ ‘એચ’-વેસ્ટ વૉર્ડના મેડિકલ ઑફિસર ડૉક્ટર સંજય ફુંડેએ કહ્યું હતું. 

12851
બાંદરાથી સાંતાક્રુઝ વચ્ચે ૨૬ દિવસમાં આટલા કેસ નોંધાયા છે 

coronavirus covid19 mumbai mumbai news bandra andheri santacruz prajakta kasale