09 September, 2025 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અનંત ચતુર્દશીના એક દિવસ પહેલાં મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને ‘લશ્કર-એ-જિહાદી’ નામના સંગઠનના ૧૪ આતંકવાદીઓ મુંબઈ શહેરમાં ઘૂસી આવ્યા છે અને તેમણે ૩૪ વાહનોમાં ૪૦૦ કિલો RDX રાખ્યો હોવાનો ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આ સંદેશ બાદ પોલીસે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં વધારાનો પોલીસ-બંદોબસ્ત ગોઠવ્યો હતો. બીજી તરફ અનંત ચતુર્દશીના દિવસે મુલુંડ-વેસ્ટમાં પાંચ રસ્તા નજીક ડ્રોન ઊડતું હોવાની બાતમી મળતાં પોલીસ દોડતી થઈ હતી. તાત્કાલિક મુલુંડના ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)ના અધિકારીઓએ ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં સિદ્ધાર્થ સોનેતા અને યશ અનમે ગેરકાયદે ડ્રોન ઉડાડ્યું હોવાનું જાણવા મળતાં બન્ને સામે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
મુલુંડના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનંત ચતુર્દશીના એક દિવસ પહેલાં મુંબઈ પોલીસને મળેલી ધમકીભરી ઈ-મેઇલ બાદ મુંબઈના દરેક વિસ્તારમાં ૬ સપ્ટેમ્બરથી પાંચમી ઑક્ટોબર સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ ઉપરાંત સુરક્ષાના હેતુસર દરેક વિસ્તારમાં બંદોબસ્ત માટે સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો હતો. મુલુંડની તમામ સાર્વજનિક ગણેશમૂર્તિઓ પાંચ રસ્તા સિગ્નલથી આગળ ડમ્પિંગ રોડ થઈને જતી હોવાથી મોટા પ્રમાણમાં લોકો પાંચ રસ્તા પર ગણપતિબાપ્પાનાં વિસર્જન જોવા ઊભા હતા એ દરમ્યાન શનિવારે પાંચ રસ્તા નજીક એક ડ્રોન ફરતું જોવા મળતાં ત્યાં ભેગા થયેલા લોકો તેમ જ અમારા બંદોબસ્ત માટે ઊભેલા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. તાત્કાલિક અમારી બીજી ટીમને જાણ કરતાં જે વિસ્તારમાં ડ્રોન ફરી રહ્યું હતું એ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. એ વખતે બે યુવકો ત્યાં ડ્રોન ઉડાડી રહેલા જોવા મળ્યા હતા. તેમને તાબામાં લીધા બાદ ડ્રોન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે સિદ્ધાર્થ અને યશ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.’