ચાહકો ચિંતામાં, પણ અમિતાભ બચ્ચન મજામાં? ઍન્જિયોપ્લાસ્ટી પછી ગણતરીના કલાકોમાં થાણેના સ્ટેડિયમમાં

16 March, 2024 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચનને ગઈ કાલે સવારે શ્વાસ લેવામાં તકલીફ થઈ એ પછી પગમાં બ્લડ-ક્લૉટ જણાયા, હાર્ટ-અટૅક આવવાનું જોખમ હોવાથી તાત્કાલિક સારવાર થઈ ઃ જોકે અે પછી ટેનિસ બૉલની ક્રિકેટ લીગની ફાઇનલમાં પોતાની ટીમને ચિયર કરવા પહોંચી ગયા, પણ ચૅમ્પિયન બન્યાં સૈફ-કરીના

ગઈ કાલે પોતાની ટીમ માઝી મુંબઈ હારી રહી હતી અેટલે અમિતાભ અને અભિષેક ચિંતામાં હતા (તસવીર : ISPL)

અમિતાભ બચ્ચનને ગઈ કાલે સવારે શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં ૬ વાગ્યે અંધેરીમાં આવેલી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોની તપાસમાં ૮૧ વર્ષના બિગ બીના પગમાં બ્લડ-ક્લૉટ જામી ગયા હોવાનું જણાતાં તેમની તાત્કાલિક ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એક્સપર્ટ્સનું કહેવું છે કે આવી સ્થિતિમાં સમયસર સારવાર કરવામાં ન આવે તો હાર્ટ-અટૅક આવી શકે છે. આથી ડૉક્ટરોએ કોઈ રિસ્ક લેવાને બદલે ​અમિતાભ બચ્ચનની તાત્કાલિક ઍન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો હશે. સારવાર બાદ ગણતરીના સમયમાં જ તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

અમિતાભ બચ્ચનની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાના સમાચાર જાણ્યા બાદ તેમના ફૅન્સ ચિંતામાં મુકાઈ ગયા હતા. અમિતાભ ઝડપથી રિકવર થાય એ માટે લોકો સોશ્યલ મીડિયામાં પ્રાર્થના કરવા લાગ્યા હતા. જોકે હૉસ્પિટલમાંથી ઘરે ગયાના થોડા જ કલાકો બાદ બિગ બી ટેનિસ બૉલની ૧૦-૧૦ ઓવરની ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની ફાઇનલ મૅચમાં પોતાની ટીમ માઝી મુંબઈને ​ચિયર-અપ કરવા થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમ પહોંચી ગયા હતા. સામાન્ય રીતે ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યા બાદ ડૉક્ટર દરદીને ૨૪ કલાક આરામ કરવાનું કહે છે, પણ અમિતાભ બચ્ચન ગણતરીના કલાકોમાં થાણેના સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા અને પુત્ર અભિષેક બચ્ચન સાથે ઊભા રહેલા જોવા મળ્યા હતા.

સવારના ૬ વાગ્યે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા બાદ ૮ વાગ્યે અમિતાભ બચ્ચનની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને એ પછી તેમને હૉસ્પિટલના ૧૬મા માળની એક રૂમમાં ૧૧.૩૦ વાગ્યે શિફ્ટ કરીને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જોકે તેમના કયા પગની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી એ જાણવા નહોતું મળ્યું.

બિગ બીએ સોશ્યલ મીડિયામાં બપોરના ૧૨ વાગ્યે એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘આપકા હમેશા આભાર.’ આ પોસ્ટ કરીને અમિતાભ બચ્ચને સારવાર બાદ શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

​બિગ બી સારવાર બાદ હવે થોડા દિવસ આરામ કરશે એવું માનવામાં આવતું હતું, પરંતુ તેઓ સાંજે થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમ પહોંચી ગયા હતા. તેમણે પોતાની ટીમ માઝી મુંબઈ અને કરીના-સૈફ અલી ખાનની ટીમ ટાઇગર્સ ઑફ કોલકાતા વચ્ચે રમાયેલી મૅચમાં ખેલાડીઓને ​ચિયર-અપ કર્યા હતા. આ મૅચમાં માઝી મુંબઈએ પહેલાં બેટિંગ કરીને ૧૦ ઑવરમાં ૯ વિકેટે માત્ર ૫૮ રન બનાવ્યા હતા. ટાઇગર્સ ઑફ કોલકત્તાએ ૭.૪ ઓવરમાં વિના વકેટે ૬૨ રન બનાવીને આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી.

amitabh bachchan heart attack kokilaben dhirubhai ambani hospital andheri abhishek bachchan thane tennis news mumbai mumbai news