20 May, 2025 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના પુત્ર અમિતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધન કરતો પત્ર ગઈ કાલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ પત્રમાં અમિત ઠાકરેએ એક તરફ આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવાની સાથે દેશની સુરક્ષા માટે મહત્ત્વનાં પગલાં લેવા બદલ વડા પ્રધાનની પ્રશંસા કરી છે તો બીજી બાજુ ઑપરેશન સિંદૂર અને પાકિસ્તાન સામે ભારતે હજી વિજય મેળવ્યો નથી ત્યાં તિરંગા યાત્રા કાઢીને દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે એના પર સવાલ કરીને ટીકા કરી છે. અમિત ઠાકરેએ કહ્યું હતું કે ‘ભારતીય સેનાએ સફળતાપૂર્વક ઑપરેશન સિંદૂર પાર પાડીને આપણી સુરક્ષા કરવાની સાથે આપણું ગૌરવ વધાર્યું છે. આવા સમયે ભારતીય સેના અને યુદ્ધમાં શહીદ થનારા જવાનો માટે સરકારે વિચાર કરવાની જરૂર છે એની સામે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે એ યોગ્ય નથી.’
અમિત ઠાકરેના વડા પ્રધાનને સંબોધન કરતા પત્ર વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ અને રાજ્યના કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે કહ્યું હતું કે ‘આજે આખી દુનિયા વડા પ્રધાનની પ્રશંસા કરી રહી છે. આપણે કૂટનીતિમાં પણ પાકિસ્તાનથી આગળ છીએ. આથી ભારતમાં બીજાઓ શું કહે છે એના પર અમે ધ્યાન નથી આપતા. પ્લાનિંગ પ્રમાણે જ તિરંગા યાત્રા ચાલુ રહેશે.’
BJPના વરિષ્ઠ નેતા ગિરીશ મહાજને કહ્યું હતું કે ‘અમિત ઠાકરેએ પ્રસિદ્ધિ મેળવવા માટે વડા પ્રધાનને સંબોધન કરતો પત્ર લખ્યો છે. આ બાલિશપણું છે. આપણી સેનાએ શું કર્યું છે એ આજે આખી દુનિયા જોઈ રહી છે. તમને આવી બાબતમાં પણ શંકા છે? ભારત-પાકિસ્તાન વચ્ચેના ગંભીર મામલામાં કોઈ આવો પત્ર વડા પ્રધાનને લખે એ સમજ બહારની વાત છે.’
શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યના કૅબિનેટ પ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે ‘તિરંગા યાત્રા સકારાત્મક દૃષ્ટિએ જોવી જોઈએ. તિરંગા રૅલી કોઈ ઉજવણી તરીકે નહીં પણ ભારતીય સેનાનું મનોબળ વધારવા માટે કાઢવામાં આવી રહી છે. આખો દેશ આપણા જવાનો સાથે છે. ભારતીય સેનાના કામને અમે માનવંદના આપી રહ્યા છીએ. આથી આવી યાત્રા સામે કોઈને વાંધો ન હોવો જોઈએ.’