પહેલાં પ્લેન પાસે લઈ જઈને બસમાં બેસાડી રાખ્યા, પછી અમને પ્લેનમાં બેસાડી રાખ્યા

19 June, 2025 06:58 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

પ્લેન-ક્રૅશના બીજા જ દિવસે ભુજ જતી ઍર ઇન્ડિયાની ફ્લા​ઇટના ધાંધિયાનો સ્વાનુભવ વર્ણવ્યો મિડ-ડેના વાચકે

ટેક્નિકલ સપોર્ટના કર્મચારીઓએ પૅસેન્જરોની સામે જ ફૉલ્ટ સુધારવાની કોશિશ કરી હતી, પણ ફ્લાઇટ નહોતી ઊડી

અમદાવાદમાં ઍર ​ઇન્ડિયાનું પ્લેન ક્રૅશ થયું એના બીજા જ દિવસે મુંબઈથી ભુજ જતી ઍર ​ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસીઓને થયેલી હેરાનગતિનો મામલો જાણવા મળ્યો છે.

ડોમ્બિવલીમાં રહેતા ચંદ્રેશ ગલિયાએ તેમને થયેલો અનુભવ ‘મિડ-ડે’ સાથે શૅર કરતાં કહ્યું હતું કે ‘અમે શુક્રવારે સવારે ૬.૦૫ વાગ્યાની મુંબઈથી ભુજ જતી ફ્લાઇટ પકડવાના હતા એટલે સવારે ૪ વાગ્યે જ ઘર છોડી ઍરપોર્ટ પહોંચી ગયા હતા. પહેલાં તો ફ્લાઇટ સુધી પહોંચાડવા બધા પ્રવાસીઓને બસમાં બેસાડીને ફ્લાઇટ સુધી લઈ જવાયા હતા. જોકે અમને બસમાં જ કહેવામાં આવ્યું કે ફ્લાઇટમાં ટેક્નિકલ પ્રૉબ્લેમ આવ્યો છે એટલે અડધો કલાક લાગશે. એટલું કહીને અમને બસમાં જ બેસાડી રાખ્યા હતા. અડધા કલાક પછી અમને ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા. જોકે એ પછી એક કલાક સુધી ફ્લાઇટ ઊપડી નહોતી. અમે જ્યારે ક્રૂ-મેમ્બર્સને પૂછ્યું તો કહેવામા આવ્યું કે હજી થોડી વાર લાગશે. એમ કરતાં-કરતાં અઢી કલાક સુધી ફ્લાઇટ ઊપડી જ નહોતી. કેટલાક કર્મચારીઓ પ્લેનમાં રિપેરિંગ કરતા દેખાયા હતા, પણ એ પછી ૯ વાગ્યે કહેવામાં આવ્યું કે ટેક્નિકલ પ્રૉબ્લેમને લીધે ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી છે. એા દરમ્યાન અમને કશું ખાવાપીવાનું આપવામાં આવ્યું નહોતું. અમારા માટે બીજી ફ્લાઇટ પણ અરેન્જ કરવામાં નહોતી આવી. અમને કહેવામાં આવ્યું કે તમને ભાડાનું રીફન્ડ મળશે અને એ પણ બે દિવસ પછી. આમ હવે ઍર ​ઇન્ડિયાના પ્લેનમાં અવનારનવાર ટેક્નિકલ ફૉલ્ટ આવી રહ્યા છે.’

ahmedabad plane crash plane crash mumbai bhuj mumbai airport news mumbai news air india airlines news