મહા વિકાસ આઘાડીના પક્ષો મુંબઈ પાલિકાની ચૂંટણી અલગ-અલગ લડશે

30 December, 2020 08:26 AM IST  |  Mumbai | Prajakta Kasale

મહા વિકાસ આઘાડીના પક્ષો મુંબઈ પાલિકાની ચૂંટણી અલગ-અલગ લડશે

મંગળવારે પાલિકાની ઓફિસમાં કોંગ્રેસ પાર્ટીના રવિ રાજા, એનસીપીના રાખી જાધવ અને સમાજવાદી પાર્ટીના રાયસ શેખ

૨૦૨૨માં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની પૂર્વતૈયારી જે રીતે કૉન્ગ્રેસની છાવણીમાં ચાલે છે એ રીતે અન્ય પક્ષોમાં પણ ચાલી રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ, એનસીપી અને સમાજવાદી પક્ષોએ શિવસેનાથી જુદા રહેવાનો નિર્ણય લઈ લીધો છે. એ ત્રણ પક્ષોનું કહેવું છે કે રાજ્યસ્તરે બીજેપીનો સામનો કરવા મહા વિકાસ આઘાડીના છત્રમાં એક થયા હતા, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની વાત જુદી છે. પાલિકાના સંદર્ભમાં શિવસેનાની આકરી ટીકા કરતાં એ ત્રણ પક્ષોએ જણાવ્યું કે મુંબઈ મહાનગરપાલિકા મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાંથી ચાલે છે અને પાલિકાના કમિશનરને એ બંગલામાં જ એક કૅબિન ફાળવવી જોઈએ.

મુંબઈ મહાનગરપાલિકા સભાગૃહમાં વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ જણાવ્યું હતું કે  ‘અમે સમન્વયપૂર્વક કામ કરવાના ઉદ્દેશથી હંમેશાં શાસક પક્ષ શિવસેનાના નેતાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ જ્યારે પાલિકામાં એ પક્ષના નેતાઓને કાંઈ પણ પૂછીએ ત્યારે તેઓ એક જ વાત કરે છે કે ‘ઉપરથી હુકમ આવ્યો છ.’ શહેરના સામાન્ય નાગરિકોના પ્રશ્નો બાબતે તેઓ અમારી સાથે વાત કરતા જ નથી. રાજ્યસ્તરે અમારું ગઠબંધન ભલે હોય, મહાનગરપાલિકામાં એ ગઠબંધન લાગુ થયું નથી. અમે સક્ષમ રાજકીય પક્ષો છીએ, પરંતુ શિવસેના અને પાલિકાનું વહીવટી તંત્ર નાગરિકોની સમસ્યા ઉકેલવા અને ફરિયાદોના નિવારણ માટે ઇચ્છુક નથી.’

સમાજવાદી પક્ષના નગરસેવક રઈસ શેખે જણાવ્યું કે ‘મુંબઈ મહાનગરપાલિકા મુખ્ય પ્રધાનના વર્ષા બંગલામાંથી ચાલે છે. પાલિકાના કમિશનર પાસે અમને મળવાનો સમય હોતો નથી. જ્યારે તેમની અપૉઇન્ટમેન્ટ માગીએ ત્યારે એટલું જ કહેવામાં આવે છે કે સાહેબ વર્ષા બંગલે ગયા છે. પાલિકાના કમિશનરને એ બંગલામાં જ એક કૅબિન ફાળવવી જોઈએ. રાજ્યસ્તરે અમે બીજેપીના વિરોધમાં એક થયા હતા, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની બાબતમાં એ મુદ્દો લાગુ પડતો નથી.’

mumbai mumbai news brihanmumbai municipal corporation shiv sena samajwadi party nationalist congress party congress prajakta kasale