‘મિડ-ડે’ના અહેવાલ પછી આખરે મુલુંડ પોલીસે સાઇકલ-ચોરીની ફરિયાદ નોંધી

28 November, 2021 03:03 PM IST  |  Mumbai | Mehul Jethva

આસપાસના વિસ્તારમાં શોધ્યા પછી પણ સાઇકલનો પત્તો ન લાગતાં તે મુલુંડ પોલીસ સ્ટેશનમાં સાઇકલ ચોરાઈ હોવાની ફરિયાદ કરવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર ઑફિસરે તેને કહ્યું હતું કે સાઇકલ-ચોરીની ફરિયાદ અમે નોંધતા નથી.

ફરિયાદી યોગેશ મુડિયાર.

મુલુંડના ઝવેર રોડ પર એક દુકાનમાં કામ કરતા યોગેશ મુડિયારની સાઇકલ ઝવેર રોડ પરથી ૧૧ નવેમ્બરે ચોરાઈ ગઈ હતી. એની ફરિયાદ કરવા યોગેશ વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો હતો, પણ પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો અને સાઇકલ શોધવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ લાવી આપવા કહ્યું હતું. એનો અહેવાલ ‘મિડ-ડે’માં શુક્રવારે આવ્યો હતો. ત્યાર પછી સ્થાનિક પોલીસ અધિકારીઓ નીંદરમાંથી જાગ્યા હતા અને યોગેશની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
મુલુંડના ઝવેર રોડ પરથી ૧૧ નવેમ્બરે યોગેશ મુડિયારની સાઇકલ ચોરાઈ ગઈ હતી. આસપાસના વિસ્તારમાં શોધ્યા પછી પણ સાઇકલનો પત્તો ન લાગતાં તે મુલુંડ પોલીસ સ્ટેશનમાં સાઇકલ ચોરાઈ હોવાની ફરિયાદ કરવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર ઑફિસરે તેને કહ્યું હતું કે સાઇકલ-ચોરીની ફરિયાદ અમે નોંધતા નથી. એ પછી તે એક સામાજિક ઍક્ટિવિસ્ટનો સંપર્ક કરીને પોલીસ સ્ટેશનમાં જતાં પોલીસ કૉન્સ્ટેબલ રાહુલ પવારે તેને કહ્યું હતું કે સાઇકલ અમે શોધી આપીશું, પણ તારે એ માટે જ્યાંથી સાઇકલ ચોરાઈ છે એ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અમને આપવા પડશે. એ પછી આસપાસની બે દુકાનની બહાર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તેણે કૉન્સ્ટેબલને આપ્યા હતા. જોકે એ પછી પણ પોલીસ દ્વારા કોઈ ઍક્શન લેવામાં આવી નહોતી જેનો અહેવાલ ‘મિડ-ડે’ના શુક્રવારના અંકમાં છપાયા પછી મુલુંડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ યોગેશનો સંપર્ક કરીને તેની ફરિયાદ નોંધી હતી. એ સાથે જે વિસ્તારમાંથી સાઇકલ ચોરાઈ હતી એ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ તપાસવાનું શરૂ કર્યું હતું.
યોગેશ મુડિયારએ કહ્યું હતું કે ‘પહેલાં તો હું ‘મિડ-ડે’નો આભાર માનીશ કે એણે મારી પરેશાની પેપરમાં છાપી. મારી સાઇકલના ન્યુઝ ‘મિડ-ડે’માં આવ્યા પછી કેટલાક લોકોએ સાઇકલ મફત આપવા માટે મારો સંપર્ક કર્યો હતો. જોકે મેં તેમની ફ્રી સાઇકલ લેવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે મને મારી મહેનતની કમાણીથી લીધેલી સાઇકલ જ જોઈતી હતી. પોલીસ અધિકારીઓએ સામેથી મારો સંપર્ક કરીને ફરિયાદ નોંધી હતી અને મને એફઆઇઆરની કૉપી પણ આપી હતી. એની સાથે મારી સાઇકલ જે વિસ્તારમાંથી ચોરાઈ હતી એના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ લીધાં હતાં.’ 
મુલુંડ પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધનાર સબ-ઇન્સ્પેક્ટર અમોલ બોરસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે યોગેશની સાઇકલ-ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

Mumbai mumbai news mehul jethva mulund