ગાયો તો જ્યાં છે ત્યાં જ ઊભી રહેશે...પોલીસ કમિશનરના આદેશની ઐસીતૈસી

23 September, 2022 09:40 AM IST  |  Mumbai | Mehul Jethva

રસ્તા પરથી ગાય દૂર કરવાનો મુંબઈ પોલીસનો આદેશ માત્ર કાગળ પર : પોલીસનાં સૂત્રોનું કહેવું છે કે ગાયો લાવનાર માણસ પર કાર્યવાહી કરીએ, પણ ગાયને અમે કઈ રીતે ખસેડી શકીએ ઃ અત્યારે તો કોઈ ઍક્શન નહીં

મુલુંડના એન, એસ. રોડ પર મંદિરની બહાર ઊભેલી ગાય

હારાષ્ટ્રમાં વધતા જતા લમ્પી રોગચાળાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ દ્વારા સાર્વજનિક જગ્યાઓ પર પ્રાણીઓ ન લાવવા અંગેનો એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. એ અનુસાર મંદિરની બહાર વ્યવસાય માટે બેસાડવામાં આવતી ગાયો માટે સખત મનાઈ કરવામાં આવી હતી. જોકે આ આદેશનું પાલન ન થતાં એ માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે. મુંબઈમાં ગઈ કાલે પણ અનેક જગ્યાએ ગાયો રોડ પર રખડતી અને મંદિરની બહાર બેસતી દેખાઈ આવી છે. પોલીસનાં સૂત્રોનું કહેવું છે કે ગાયો લાવનાર પર અમે કાર્યવાહી કરીએ, પણ ગાયને અમે કઈ રીતે ખસેડી શકીએ એવા સવાલો અમારી સામે ઊભા થતા હોવાથી અમે કાર્યવાહી હાલમાં બંધ રાખી છે.

રાજ્યની સાથે મુંબઈમાં પણ પ્રાણીઓમાં લમ્પી વારઇસના આશરે ત્રણથી ચાર કેસ સામે આવ્યા છે. આ રોગચાળાથી દેશભરમાં હજારો ગાયોનાં મૃત્યુ થયાં છે એ જોતાં રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મુંબઈ મહાનગરપાલિકાનો હેલ્થ ડિપાર્ટમેન્ટ આ વાઇરસને ફેલાતો અટકાવવાના અનેક પ્રયત્નો કરી રહ્યો છે. બીજી બાજુ મુંબઈ પોલીસે પણ એક આદેશ બહાર પાડ્યો હતો જે અનુસાર ૧૩ ઑક્ટોબર સુધી સાર્વજનિક જગ્યા, મેદાનો કે પછી સાર્વજનિક પ્રોગ્રામોમાં પ્રાણીઓને લઈ જવા પર પાબંદી મૂકવામાં આવી હતી અને કાયદાનું પાલન ન કરનાર સામે પોલીસે કડક પગલાં લેવાની ચીમકી પણ આપી હતી. જોકે પોલીસ કમિશનરના આ આદેશની ઐસીતૈસી થતી હોવાનું સામે આવ્યું છે. નીચલા વર્ગના અધિકારીઓનું કહેવું છે કે આ આદેશ કોઈ ગણતરી વગર બહાર પાડવામાં આવ્યો છે.

ઘાટકોપરના પંતનગર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટા અધિકારીઓએ આપેલા આદેશનું પાલન અમે કરી રહ્યા છીએ, પણ આ કેસમાં જો અમે તબેલામાંથી ગાય લાવનારને કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ તો પણ ગાય તો એ જ જગ્યાએ ઊભી રાખવાનો છે. ગાયને અમારે ત્યાંથી કઈ રીતે હટાવવી એ અંગે અમે પરેશાન છીએ.’

મુલુંડ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક અધિકારીએ મિડ-ડેને કહ્યું હતું કે ‘આદેશ પ્રમાણે ૧૮૮ કલમની કાર્યવાહી નિયમનું પાલન ન કરનાર સામે અમે કરી રહ્યા છીએ, પણ જો અમે ગાય લાવનાર પર કાર્યવાહી કરીએ તો ગાયને ક્યાં રાખવી? અમારા અધિકારીઓને ગાય સાચવવા અંગેની કોઈ ટ્રેઇનિંગ નથી. એમ છતાં અમારાથી થતા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.’
મુંબઈ પોલીસના પ્રવક્તા ડેપ્યુટી પોલીસ કમિશનર સંજય લાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ પોલીસ તરફથી આ આદેશનું પાલન કરવા માટે તમામ પોલીસ સ્ટેશનો સાથે એસીપી અને ડીસીપીને પત્રો મોકલવામાં આવ્યા છે. હવે તેઓ આ બાબતે કાર્યવાહી કેમ નથી કરી રહ્યા એ વિશે મને કોઈ જાણ નથી.’

mumbai mumbai news mumbai police mehul jethva