બનાવટી હેલ્થ-વર્કર બનીને વૅક્સિન લેશો તો આવી બનશે

31 May, 2021 09:20 AM IST  |  Mumbai | Mehul Jethva

થાણેમાં ઍક્ટ્રેસ મીરા ચોપડાએ બોગસ હેલ્થ-વર્કર બનીને વૅક્સિન લીધા બાદ મુંબઈ પોલીસે લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે જો કોઈ આવું કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે

વૅક્સિન સેન્ટરમાં વૅક્સિન લેતી મીરા ચોપડા

થાણેમાં એક અભિનેત્રીએ બોગસ હેલ્થ-વર્કરના નામે વૅક્સિન લીધી હોવાનું બહાર આવ્યા બાદ મુંબઈ પોલીસ પણ અલર્ટ થઈ ગઈ છે અને એણે મુંબઈગરાઓને ચેતવણી આપતાં કહ્યું છે કે જો કોઈ આવી રીતે વૅક્સિન લેતાં પકડાશે તો તેની સામે ઍક્શન લેવામાં આવશે. મુંબઈમાં પણ મોટી સંખ્યામાં લોકોએ આવી રીતે વૅક્સિન લીધી હોવાનું કહેવાય છે. 

આ બાબતે મુંબઈ પોલીસ પ્રવક્તા ડીસીપી ચૈ‌તન્ય એસ.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવે લોકોને જેમ બને એમ જલદી વૅક્સિન લેવી છે. એમાંય ખાસ કરીને યંગસ્ટર્સ ખોટા રસ્તા અપનાવતા હોય છે. જો કોઈ આવું કામ કરશે અને અમને માહિતી મળશે તો અમે તે વ્યક્તિ સામે છેતરપિંડી, કોવિડના નિયમોનો ભંગ અને ઍપિડેમિક ઍક્ટ તથા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરીશું. મારી ખાસ કરીને યંગસ્ટરોને વિનંતી છે કે આવું ખોટું કામ કરીને તમે તમારી ઍકૅડૅમિક કરીઅર ખરાબ નહીં કરતા.’

બોગસ આઇ-કાર્ડ

થાણે મહાનગરપાલિકા અંતર્ગત આવતા પાર્કિંગ પ્લાઝા કોવિડ સેન્ટરમાં શુક્રવારે અભિનેત્રી મીરા ચોપડાએ બોગસ ફ્રન્ટલાઇન વર્કરનું આઇ-કાર્ડ તૈયાર કરીને વૅક્સિન લીધી હતી. એટલું જ નહીં, વૅક્સિન લીધા બાદ તેણે પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ કર્યો હતો. ત્યાર બાદ સુધરાઈ દ્વારા તપાસ થતાં મીરા ચોપડાએ પાર્કિંગ પ્લાઝામાં સુપરવાઇઝર હોવાના બોગસ આઇ-કાર્ડ પર વૅક્સિન લીધી હોવાનું જાણવા મળ્યું હતું. વૅક્સિન લીધા પહેલાં તેણે પોતાનું બોગસ આઇ-કાર્ડ સાથે રાખીને દેખાડ્યું હતું. આ મામલે થાણે મહાનગરપાલિકાના કમિશનરે તપાસનો આદેશ આપીને દોષી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે.

થાણે મહાનગરપાલિકાના પ્રવક્તા સંદીપ માલવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના સામે આવ્યા બાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. એ સાથે સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. અભિનેત્રીને કેવી રીતે આઇ-કાર્ડ મળ્યું અને એ કોણે તૈયાર કરી આપ્યું એની પણ તપાસ ચાલુ છે.’

મીરા ચોપડાનું શું કહેવું છે?
મીરા ચોપડાએ ગઈ કાલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આપણે બધાએ વૅક્સિન લેવાની છે અને આપણે બધા એના માટે બેસ્ટ કરવા માગીએ છીએ. સાથે જ હું લોકોને મદદ માટે પણ પૂછું છું. એક મહિના સુધી જહેમત કર્યા બાદ સેન્ટરમાં હું રજિસ્ટર કરી શકી છું. મારું આધાર કાર્ડ મગાવ્યું હતું. સોશ્યલ મીડિયામાં જે આઇડી વાઇરલ થયું છે એ મારું નથી. રજિસ્ટ્રેશન માટે મારું આધાર કાર્ડ મગાવ્યું હતું. એ જ એક આઇડી મેં આપ્યું હતું. તમારી સાઇન ન હોય ત્યાં સુધી કોઈ પણ આઇડી ખરું નથી ગણાતું. મેં પણ ટ્વિટર પર આવતાં પહેલી વખત મારા નામનું આઇડી જોયું છે. આવી પ્રવૃત્તિને હું વખોડી કાઢું છું. જો આવા પ્રકારનું આઇડી બન્યું હોય તો એ કેવી રીતે બને છે એ મારે જાણવું છે.’

mumbai mumbai news meera chopra coronavirus covid19 covid vaccine vaccination drive mehul jethva