19 February, 2024 07:13 AM IST | Mumbai | Rohit Parikh
આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજીને પગે લાગતા નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર.
દિગંબર જૈન સમાજના આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજી મહામુનિમહારાજ ગઈ કાલે મોડી રાતના ૨.૩૦ વાગ્યે છત્તીસગઢના ડોંગરમઢમાં આવેલા ચંદ્રગિરિ તીર્થમાં કાળધર્મ પામ્યા હતા. ગઈ કાલે બપોરે બે વાગ્યે તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. તેમના કાળધર્મના સમાચારથી જૈન સમાજ સહિત દેશભરના અનુયાયીઓ શોકગ્રસ્ત બની ગયા હતા. આચાર્યશ્રી છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા. બે દિવસથી તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હતો. તેઓ અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી ચૈતન્ય અવસ્થામાં હતા. મંત્રોચ્ચાર કરતાં-કરતાં તેમણે દેહત્યાગ કર્યો હતો. સમાધિ પામ્યા એ સમયે તેમની પાસે પૂજ્ય મુનિશ્રી યોગસાગરજી મહારાજ, શ્રી સમતાસાગરજી મહારાજ, શ્રી પ્રસાદસાગરજી મહારાજ તેમ જ સંઘના હજારો લોકો હાજર હતા. દેશભરના તેમના અનુયાયીઓએ ગઈ કાલે તેમના સન્માનમાં તેમનાં પ્રતિષ્ઠાન બંધ રાખ્યાં હતાં.
આચાર્યશ્રીનો જન્મ ૧૦ ઑક્ટોબર ૧૯૪૬માં કર્ણાટકના બેલગામ જિલ્લાના સદલગા ગામમાં થયો હતો. તેમણે ૩૦ જૂન ૧૯૬૮ના રાજસ્થાનના અજમેરમાં તેમના ગુરુ આચાર્યશ્રી જ્ઞાનસાગર મહારાજસાહેબ પાસે મુનિદીક્ષા લીધી હતી. આચાર્યશ્રી જ્ઞાનસાગરજી મહારાજે શ્રી વિદ્યાસાગરજી મહારાજની કઠોર તપસ્યાને જોઈને તેમનું આચાર્યપદ તેમને સોંપ્યું હતું. શ્રી વિદ્યાસાગરજી મહારાજ ૧૯૭૫ની આસપાસ બુંદેલખંડ ગયા હતા. ત્યાં બુંદેલખંડના જૈન સમાજની ભક્તિ અને સમર્પણથી પ્રભાવિત થઈને તેમણે તેમના જીવનનો અધિકાંક્ષ સમય બુંદેલખંડમાં વ્યતીત કર્યો હતો. આચાર્યશ્રીએ લગભગ ૩૫૦ દીક્ષાઓ દીધી છે. તેમના શિષ્યો દેશભરમાં વિહાર કરીને જૈન ધર્મનો પ્રચાર અને પ્રભાવના કરી રહ્યા છે.