વિરાર હાઇવે પાસે થયેલા વધુ એક અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યો

03 February, 2023 08:08 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ-અમદાવાદ હાઇવેની આ ઘટનામાં કારનું ટાયર ફાટતાં ગાંધીનગરના યુવકની કાર ફંગોળાઈને સામેની સાઈડમાં પડીને સામેથી આવી રહેલા ડમ્પર સાથે અથડાઈ

અકસ્માતમાં ગાંધીનગરના યુવાનની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

મુંબઈ : મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વિરાર પાસે કારનું ટાયર ફાટ્યા બાદ એ ઊછળીને સામેની સાઇડમાં પડીને ડમ્પર સાથે અથડાવાની ઘટના ગઈ કાલે સવારે બની હતી, જેમાં ગાંધીનગરના ૩૮ વર્ષ અરુણ પારેખે જીવ ગુમાવ્યો હતો.

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના માંડવી પોલીસ સ્ટેશનની હદમાં ગઈ કાલે સવારના ૯.૩૦ વાગ્યે મુંબઈથી ગુજરાત તરફ જઈ રહેલી કારનો ઍક્સિડન્ટ પાલઘરથી મુંબઈ તરફ આવી રહેલા એક ડમ્પર સાથે થયો હતો. આ અથડામણમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કાર ચલાવી રહેલા ૩૮ વર્ષના અરુણ પારેખનું મૃત્યુ થયું હતું.

કારને બચાવવા જતાં ડમ્પર પલટ્યું

પોલીસના કહેવા મુજબ ગાંધીનગરમાં રહેતા અરુણ પારેખ તેમની કારમાં મુંબઈથી ગુજરાત જઈ રહ્યા હતા ત્યારે ખાનીવલે ટોલનાકા પાસેના બ્રિજ પર તેમની કારનું આગળનું ટાયર ફાટ્યું હતું. આ સમયે કાર સ્પીડમાં હશે એટલે કાર રસ્તાના ડિવાઇડર સાથે અથડાઈને હવામાં ફંગોળાઈ હતી અને રસ્તાની બીજી બાજુએ જઈને પડી હતી. પાલઘરથી મુંબઈ તરફ આવી રહેલા ડમ્પરચાલકે કારને અચાનક પોતાની સામે પડેલી જોઈને અથડામણ બચાવવા માટે ઇમર્જન્સી બ્રેક મારી હતી. જોકે આમ કરવા જતાં ડમ્પર પલટી મારી ગયા બાદ પણ કાર સાથે અથડાઈ હતી.

પરિવારને માત્ર ઈજા થવાની જાણ કરી

અરુણ પારેખનો પરિવાર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સેક્ટર-૧૩માં રહેતો હોવાનું જાણ્યા બાદ પોલીસે તેમને અકસ્માતમાં ઈજા થઈ હોવાનું કહ્યું હતું. આ વિશે માંડવી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પ્રફુલ વાઘે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાર-અકસ્માતમાં અરુણ પારેખનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેઓ કારમાં એકલા જ હતા. તેમનો પરિવાર ગુજરાતના ગાંધીનગરમાં રહે છે. તેમને મૃત્યુની જાણ કરીએ તો તેઓ અહીં પહોંચવાની ઉતાવળમાં મુશ્કેલીમાં મુકાઈ શકે છે એને ધ્યાનમાં રાખીને અમે માત્ર અકસ્માતમાં ઈજા થઈ હોવાની માહિતી તેમને આપી હતી. મૃતદેહને અમે વિરારની સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. સાંજના અરુણ પારેખના પરિવારજનો અહીં પહોંચ્યા બાદ તેમને મૃત્યુ થવાની માહિતી આપી હતી. સામાન્ય રીતે ખરાબ રસ્તા કે વધુ પડતી સ્પીડને લીધે આવા અકસ્માત થાય છે. આથી કારનું ટાયર ફાટવા પાછળનું કારણ શોધવાના અમે પ્રયાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news prakash bambhrolia