ચોરને પકડનાર પોલીસે જ કરી ચોરી

25 January, 2022 09:39 AM IST  |  Mumbai | Mehul Jethva

જુદા-જુદા કેસમાં જપ્ત કરવામાં આવતી રોકડ અને ચીજવસ્તુઓ જ ગુમ થઈ જતાં ભાંડુપ પોલીસે એની દેખરેખ રાખતા બે હવાલદાર સામે દાખલ કર્યો ગુનો

ચોરને પકડનાર પોલીસે જ કરી ચોરી

ભાંડુપ પોલીસે એક મહિલા કૉન્સ્ટેબલ સહિત બે પોલીસ કૉન્સ્ટેબલો સામે વિશ્વાસભંગનો ગુનો નોંધ્યો છે. પોલીસ-સ્ટેશનમાં નોંધાતા અલગ-અલગ કેસમાં જપ્ત કરાયેલી પાંચ લાખની રોકડ સહિત કીમતી ચીજવસ્તુઓ તેમની કસ્ટડીમાં રાખવામાં આવી હતી જેની કોઈ માહિતી ન લાગતાં પોલીસ દ્વારા જ ફરિયાદ નોંધવામાં આવી હતી.  
પોલીસના જણાવ્યા અનુસાર ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં જપ્ત કરાયેલી કીમતી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવાની જવાબદારી સંભાળતાં કૉન્સ્ટેબલ સંગીતા વાળાએ તમામ જપ્ત કરાયેલી કીમતી વસ્તુઓની ચકાસણી કરી હતી. એ દરમ્યાન તેને જાણ થઈ હતી કે ૩,૨૧,૦૦૦ની રોકડ અને ૨,૧૦,૦૦૦ની કિંમતનું ૯૬ ગ્રામ સોનું ગુમ છે. તેણે તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરી હતી. એ પછી વધુ તપાસ કરતાં જપ્ત કરેલી ચીજો મળી ન આવતાં ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં ૨૦૧૨થી ૨૦૧૯ની વચ્ચે જપ્ત ચીજવસ્તુઓ સંભાળતાં કૉન્સ્ટેબલ નિર્મલા લોહારે અને ભરત સૂર્યવંશીની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે સોનું અને રોકડ ગુમ થયાં હતાં ત્યારે આ બંને અધિકારીઓની જવાબદારી એને સંભાળવાની હતી એટલે ભાંડુપ પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી હતી.
ભાંડુપ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઉનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૨માં નિર્મલા લોહાર આ કામ સંભાળતાં હતાં અને એ પછી તેમની લોકલ આર્મ્સમાં ટ્રાન્સફર થઈ હતી. ત્યાર બાદ ભરત સૂર્યવંશીએ કાર્યભાર સંભાળ્યો હતો. આ બંને અધિકારીઓની દેખરેખમાં રાખવામાં આવેલી વસ્તુઓ ગુમ થતાં અમે તેમની સામે ફરિયાદ નોંધી છે.’
અન્ય એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ પૂછપરછ માટે અમે બંનેને બોલાવ્યા હતા અને તેમનાં સ્ટેટમેન્ટ પણ નોંધ્યાં છે. તેમણે એવો દાવો કર્યો હતો કે કીમતી વસ્તુઓ ક્યારે ગુમ થઈ એની તેમને ખબર નથી.’

Mumbai mumbai news mumbai police bhandup mehul jethva