આપઘાત કરનાર ચિરાગ વરૈયાને ફસાવવા તેની સામે ફરિયાદ થયેલી?

03 February, 2023 07:45 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડ સુસાઇડ કેસમાં નવો ટ્‍વિસ્ટ : ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સામે ફરિયાદ કરનાર મહિલા વિરુદ્ધ ચિરાગે ગયા વર્ષે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ૯૩.૨૪ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી

ચિરાગ વેરૈયા

મુંબઈ : મુલુંડમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ચિરાગ વેરૈયા પર ભાંડુપ પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ખોટી હોવાનો દાવો કરીને ચિરાગ વેરૈયાએ ઇગતપુરીના એક બંગલામાં આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું અને આ વાતનો ખુલાસો તેની સુસાઇડ નોટમાં પણ કરવામાં આવ્યો છે. જોકે આ કેસમાં હવે એક વળાંક આવ્યો છે. જે મહિલાએ ચિરાગ સામે ફરિયાદ નોંધાવી છે એ જ મહિલાએ ગયા વર્ષે ૯૩.૨૪ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ચિરાગે જાન્યુઆરી, ૨૦૨૨માં મુલુંડ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ છેતરપિંડીમાં ફરિયાદી મહિલા સહિત તેનો પતિ, ભાઈ અને ભાભી આરોપી છે.

મુલુંડ-વેસ્ટમાં સિલ્વર હાઇટમાં રહેતા અને અરિહંત શૉપિંગ સેન્ટરમાં ઑફિસ ધરાવતા ૪૪ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ચિરાગ વેરૈયા સામે ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ૧૨ જાન્યુઆરીએ શ્વેતા શાહ નામની મહિલાએ બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જે ખોટી હોવાનો દાવો કરીને ચિરાગે ઇગતપુરીના એક બંગલામાં ૩૦ જાન્યુઆરીએ આત્મહત્યા કરી હતી. જોકે, આ કેસમાં નવો ફણગો એ ફુટ્યો છે કે ૨૦૨૨ની ૨૭ જાન્યુઆરીએ મુલુંડ પોલીસ સ્ટેશનમાં ચિરાગ વેરૈયાએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ‘૨૦૧૮માં તેઓ યુરોપ ટૂર માટે એક સારી ટ્રાવેલ્સની શોધ કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત અમુઝો હૉલિડેઝનાં માલિક શ્વેતા શાહ અને ભાવિન શાહ સાથે થઈ હતી. દરમ્યાન તમામ ટૂરની માહિતી આપવા ભાવિન તેમની પાસે આવ્યો હતો. એ માહિતી આપ્યા બાદ તેણે માહિતી આપી હતી કે તેની પત્ની શ્વેતા શાહ વેસ્ટર્ન યુનિયન કંપની વતી સિપ્લા કંપનીના સોડેક્સો એજન્ટ તરીકે કામ કરે છે અને તેની પાસે સોડેક્સો કંપનીનાં વાઉચર્સ મૂળ કિંમત કરતાં ઓછા ભાવે છે. એ પછી અમુક કારણોસર વેરૈયા પરિવારે યુરોપની ટૂર કૅન્સલ કરી હતી. ત્યાર બાદ ફેબ્રુઆરી ૨૦૨૦માં ઑફિસના સ્ટાફ અને તેમના પરિવારો માટે દુબઈની ફૅમિલી ટ્રિપ માટે શ્વેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કોવિડને કારણે એ ટ્રિપ પણ રદ કરવામાં આવી હતી. દરમ્યાન શ્વેતા ચિરાગની ઑફિસમાં આવી હતી અને તેણે જાણ કરી કે તે વેસ્ટર્ન યુનિયન કંપની મારફત સિપ્લા કંપનીની અધિકૃત એજન્ટ છે અને કહ્યું કે સિપ્લા કંપનીની વિવિધ યોજનાઓમાં રોકાણ કરવું નફાકારક છે. એ સમયે તેણે તેની અમુઝો હૉલિડેઝ દ્વારા સિપ્લા કંપનીની ગોલ્ડ સ્કીમ, કાર સ્કીમ, ફોન સ્કીમ વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રૉપ્રાઇટરશિપ ફર્મ અમુઝો હૉલિડેઝની ઑફિસ મુલ્શી એસ્ટેટ, સેવારામ લાલવાણી રોડ ખાતે હતી. એ સમયે શ્વેતાએ ચિરાગને કહ્યું કે તેની પાસે સિપ્લા લિમિટેડ કંપની અને અન્ય કંપનીઓની ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે અને જો એમાં રોકાણ કરશો તો તેને નવ મહિનામાં ડબલ પૈસા મળશે. એનાં વાઉચર શ્વેતા અને ભાવિને બતાવ્યાં હતાં. તેમણે આ રોકાણ યોજનાના અમલીકરણ વિશે સંબંધિત કંપનીના અધિકારીઓને પણ બોલાવ્યા અને તેમની સાથે વાત કરાવી હતી જેથી તેની વાતોમાં વિશ્વાસ થતાં ચિરાગે એમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. એ સમયે શ્વેતાએ સોનાની ખરીદી માટે ચિરાગના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો તેમ જ કેટલીક રકમ રોકડ અને થોડી રકમ ચિરાગના બૅન્ક-ખાતામાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. એમાંથી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૧ ડિસેમ્બર ૨૦૨૦ દરમ્યાન શ્વેતાએ રોકાણના સંદર્ભમાં આશરે ૧૬૩૨.૪૪ ગ્રામ સોનાની ખરીદી માટે ૮૬,૨૪,૭૦૨ રૂપિયા લીધા હતા. શ્વેતાએ સોનાના દાગીના ચિરાગના નામે ખરીદ્યા હતા અને દાગીના ચિરાગના નામે રોકાણ તરીકે સિપ્લા લિમિટેડ કંપનીમાં રાખ્યા હતા. આ રોકાણના સંદર્ભમાં ખરીદેલા સોનાના દાગીનાની કોઈ રસીદ અથવા કોઈ દસ્તાવેજો શ્વેતા અને ભાવિને ચિરાગને આપ્યા નહોતા. એથી જ્યારે ખરીદેલા સોનાના દાગીનાની રસીદ તેની પાસે માગવામાં આવી ત્યારે તેમના તરફથી અસ્પષ્ટ જવાબો મળવા લાગ્યા હતા. વધુ વિશ્વાસ બેસાડવા માટે સિપ્લા કંપનીના અધિકારી હોવાનું કહીને જિમિત જૈન અને દિશા નામની મહિલાનો નંબર આપવામાં આવ્યા હતો. સમય જતાં જાણ થઈ કે તે લોકો શ્વેતાનાં ભાઈ-ભાભી એટલે કે આકાશ કારિયા અને માનસી કારિયા હતાં. શ્વેતાએ સમયમર્યાદા પછી પણ રોકાણ કરેલી રકમ પાછી આપી નહોતી. તેમણે એક ચેક આપ્યો હતો, પરંતુ અકાઉન્ટમાં પૂરતી રકમના અભાવે ચેક પાછો આવ્યો હતો. એ પછી શ્વેતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેણે કૉલ ટાળવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન અમુઝો હૉલિડેઝ વિશે વધુ માહિતી કાઢવામાં આવી ત્યારે શ્વેતા અને ભાવિને સિપ્લા કંપની, જિયો કંપની, વેસ્ટર્ન યુનિયન કંપનીના નામે રોકાણની સ્કીમ દ્વારા અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું, સિપ્લા કંપનીનો આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જાણ કરી કે સિપ્લા લિમિટેડ કંપનીએ આવી કોઈ રોકાણ યોજના અમલમાં મૂકી નથી. બનાવટી દસ્તાવેજોના આધારે કંપનીના એજન્ટ હોવાનો ઢોંગ કરીને નવ મહિનામાં ડબલ રીફન્ડ આપવાની લાલચ સાથે ગોલ્ડ સ્કીમમાં કુલ ૧૬૩૨.૪૪ ગ્રામ વજન ધરાવતા ૮૬,૨૪,૭૦૨ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાના રોકાણ સાથે કુલ ૯૩,૨૪,૭૦૨ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.’

મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કાંતિલાલ કોથિંબિરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારી પાસે જાન્યુઆરીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની તપાસ હાલમાં પણ ચાલી રહી છે. આ બાબતે શ્વેતા અને ભાવિન શાહનો સંપર્ક કરવાની કોશિશ કરવા છતાં તેઓ નહોતા મળી શક્યા.

ઇગતપુરી પોલીસની ટીમ ભાંડુપ પોલીસનાં નિવેદનો રેકૉર્ડ કરશે

ઇગતપુરી પોલીસના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે અમે બે કેસ વિશે વધુ વિગતો મેળવવા માટે ભાંડુપ પોલીસ સ્ટેશનના અધિકારીઓનાં નિવેદનો રેકૉર્ડ કરીશું. એ સાથે તેઓ ચિરાગ વેરૈયાના પરિવારના સભ્યોનાં નિવેદનો નોંધવા માટે થોડા દિવસ રાહ જોશે.

સિનિયર અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘ઇંગ્લિશમાં લખેલી સુસાઇડ-નોટમાં ચિરાગે તેના પરિવારની માફી માગી હતી અને તેની પત્નીને તેમનાં બાળકોની સંભાળ રાખવા કહ્યું હતું. તેના પરિવાર અને મિત્રોની માફી માગવા સાથે તેણે સુસાઇડ-નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે તેની સામે બળાત્કારનો કેસ ખોટો હતો. તેણે ભાંડુપ પોલીસને તેની ગેરહાજરીમાં તેના પરિવારના સભ્યોને હેરાન ન કરવાની વિનંતી પણ કરી હતી.’

mumbai mumbai news mehul jethva mulund